રાજકોટ મનપાના મવડી વોર્ડ નં.૧૨માં આવેલા સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે આજથી પાંચ દિવસ સુધી ફ્રી કોચિંગ કેમ્પ શરૂ કરાયો છે જેમાં નિષ્ણાત કોચ દ્વારા વિનામૂલ્યે કોચિંગ અપાશે.
રાજકોટ શહેર તથા સૌરાષ્ટ્રના પ્રતિભાશાળી ખેલાડીઓને રમતગમત માટે અધતન સુવિધાઓ મળે અને રમતગમત પ્રવૃતિનો સર્વાંગી વિકાસ થાય તે માટે રાજકોટ મહાપાલિકા દ્વારા મવડી વિસ્તારમાં ઇન્ડોર સ્ટેડીયમનુ નિર્માણ કરાયું છે. જેનુ સંચાલન રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની સંયુક્ત સ્પેશ્યલ પર્પઝ વ્હીકલ એવા રાજકોટ સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશનને સોંપવામાં આવ્યું છે. શહેરીજનો પોતાના આરોગ્ય પ્રત્યે સજાગ બનીને વિવિધ રમત ગમતની સુવિધાઓનો બહોળા પ્રમાણમાં લાભ લે તે માટે રાજકોટ સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશન દ્વારા સંચાલિત અટલ બિહારી વાજપેયી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ મવડી ખાતે કોચિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કોચિંગ કેમ્પ મવડી સ્થિત અટલ બિહારી વાજપેયી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, રામધણ પાસે યોજવામાં આવ્યો છે જે કુલ તા.૨૮ ફેબ્રુઆરી સુધી કુલ પાંચ દિવસ માટે છે. કેમ્પમાં નિષ્ણાંત કોચિસ દ્વારા કોચિંગ આપવામાં આવશે. કેમ્પનો સમય સાંજે ૪ થી ૮ વાગ્યાનો રહેશે.ફ્રી કોચિંગ કેમ્પમાં બેડમિન્ટન, વોલીબોલ, કબડ્ડી, ટેનિસ, બાસ્કેટબોલ જેવી રમતોનો સમાવેશ થશે. કોઇ પણ એજ કેટેગરીના લોકો આ ફ્રી કોચિંગ કેમ્પમાં ભાગ લઇ શકશે