રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી હાલ મુંબઈ, દિલ્હી, બેંગ્લોર અને પુણે સહિત કુલ ૧૪ જેટલી ફ્લાઈટ્સ નિયમિતપણે ઉડાન ભરી રહી છે. આ વચ્ચે મુસાફરો માટે એક ખુશખબર સામે આવી છે કે, ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા અગાઉ છ માસ સુધી બંધ રહેલી રાજકોટ-ગોવા વચ્ચેની હવાઈ સેવા આગામી વિન્ટર શેડ્યૂલમાં ફરીથી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આગામી ૨૫ ઓક્ટોબરથી ૨૭ માર્ચ દરમિયાન આ નવી ફ્લાઇટ સેવા કાર્યરત કરવામાં આવશે.
અગાઉ મોનસૂન શેડ્યૂલ દરમિયાન ગોવાથી ઇન્ડિગોની આશરે ૨૫ જેટલી ઉડાનોના શેડ્યૂલમાં ફેરફાર કરવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે માર્ચ મહિનામાં રાજકોટ-ગોવા રૂટની સેવા પણ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી હતી. હવે આગામી વિન્ટર શેડ્યૂલને ધ્યાનમાં રાખીને એરલાઇન્સ દ્વારા આ લોકપ્રિય રૂટને ફરીથી ધમધમતો કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે, જેને લઈને પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ખાસ કરીને આગામી નવરાત્રિ અને દિવાળીના તહેવારો તેમજ ટૂરિઝમ સીઝનને ધ્યાનમાં રાખીને આ ફ્લાઇટ શરૂ થવાથી સૌરાષ્ટ્રવાસીઓને મોટો ફાયદો થશે. મુસાફરો હવે કોઈપણ મુશ્કેલી વગર રાજકોટથી સીધી હવાઈ કનેક્ટિવિટીનો લાભ મેળવીને સરળતાથી ગોવા પ્રવાસ કરી શકશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી સમયમાં સપ્તાહમાં ચાર દિવસ રાજકોટથી ગોવા માટે ફ્લાઇટ ઉપલબ્ધ રહે તેવી પૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.