નડિયાદ રેલવે સ્ટેશન પર બુલિયન કંપનીના કર્મચારી પાસેથી થયેલી રૂ. ૩.૭૦ કરોડના દાગીનાની લૂંટનો મામલો ગણતરીની કલાકોમાં જ ઉકેલી નાખવામાં આવ્યો છે. નડિયાદમાં લૂંટને અંજામ આપીને ફરાર થયેલા લૂંટારુઓ વિરમગામ પાસેથી પસાર થવાના હોવાની બાતમીના આધારે વિરમગામ પોલીસે એક રોમાંચક અને દિલધડક ઓપરેશન હાથ ધરીને ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ દરમિયાન પૂરઝડપે દોડી રહેલી લૂંટારુઓની કારના દરવાજે પીઆઈ ગઢવી લટકી ગયા હતા અને આખી બાજી પલટી નાખી હતી. પોલીસે આરોપીઓના કબજામાંથી લૂંટાયેલા ૨ કિલો ૭૦૦ ગ્રામ સોનાના તમામ દાગીના સફળતાપૂર્વક કબજે કર્યા છે.
ઘટનાની વિગતો મુજબ, કોલકાતાની ગ્રો મોર નામની બુલિયન કંપનીના કર્મચારી ભરતભાઈ ચૌધરી હાવડા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં ૨.૭૦ કિલો સોનાના દાગીના ભરેલી બેગ લઈને આવી રહ્યા હતા અને નડિયાદથી બસ મારફતે મણિનગર, અમદાવાદ જવના હતા. જ્યારે તેઓ રેલવે ફૂટ ઓવર બ્રિજ પર પહોંચ્યા, ત્યારે ચાર શખ્સોએ તેમને ધક્કો મારીને દાગીના ભરેલો થેલો ઝૂંટવી લીધો હતો અને નાસી છૂટ્યા હતા. કર્મચારી ભરતભાઈએ પણ આરોપીઓનો પીછો કર્યો હતો, અને લૂંટારુઓ રેલવે સ્ટેશનથી ટિયાગો ગાડીમાં બેસીને ભાગ્યા ત્યારે તેમણે તે ગાડીનો ફોટો પાડી લીધો હતો.
બનાવ અંગે તરત જ રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી. આ લૂંટમાં સામેલ એક આરોપી સાવન ચૌધરી અગાઉ આ જ બુલિયન કંપનીમાં નોકરી કરતો હતો, જેને ભરતભાઈ ઓળખતા હતા. પોલીસે ગાડીનો નંબર અને સાવન વિશેની માહિતી સ્ટેટ કંટ્રોલ રૂમ તથા બનાસકાંઠા અને અમદાવાદ ગ્રામ્ય પોલીસને મોકલીને એલર્ટ કરી દીધી હતી. આરોપીઓ સાણંદ-નળસરોવર રૂટ થઈને વિરમગામ મારફતે બનાસકાંઠા તરફ ભાગવાના હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી.
વિરમગામ પોલીસે બનાસકાંઠા જતા રસ્તાઓ પર બેરિકેડ મૂકીને સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન વિરમગામ પોલીસે ખોરજ પાસેથી ટિયાગો ગાડીની સાથે જતી એક નંબર પ્લેટ વિનાની બલેનો કાર અટકાવી હતી, જેમાંથી મુખ્ય આરોપી સાવન ચૌધરી પકડાઈ ગયો હતો. સાવનની કડક પૂછપરછ કરતા લૂંટનો મુદ્દામાલ અને બાકીના ત્રણ આરોપીઓ ટિયાગો ગાડીમાં હોવાની માહિતી મળી હતી.
પોલીસે સાવનની મદદથી ટિયાગો ગાડીનું લોકેશન ટ્રેક કર્યું હતું. આ ગાડી પંચમુખી નીલકી ગામ તરફ જઈ રહી હોવાની બાતમી મળતા જ પીઆઈ એસ.એ. ગઢવી અને તેમની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ હતી. પોલીસે પોતાની ગાડી વડે ટિયાગો કારને ટક્કર મારી હતી. આ સમયે આરોપીઓએ ગાડી પૂરઝડપે ભગાડવાનો પ્રયાસ કર્યો છતાં પીઆઈ ગઢવી ચાલુ ગાડીના દરવાજે લટકી ગયા હતા અને ૭૦ ની સ્પીડમાં અંદાજે ૫૦૦ મીટર સુધી દરવાજે જ લટકીને તેમણે ટિયાગો ગાડીનું હેન્ડબ્રેક ખેંચી લીધું હતું તેમજ ચાવી કાઢી લીધી હતી.
ગાડી અટકતાની સાથે જ પોલીસે બાકીના ત્રણેય આરોપીઓ આકાશ પ્રજાપતિ, કિરણ ચૌધરી અને દશરથ પ્રજાપતિને ઝડપી લીધા હતા. પૂછપરછ દરમિયાન ખુલાસો થયો હતો કે સાવન અગાઉ કંપનીમાં કામ કરતો હોવાથી સોનાની હેરાફેરીના સમય અને પદ્ધતિથી વાકેફ હતો અને તેણે જ તેના મિત્રો સાથે મળીને ચાર મહિના અગાઉ આ લૂંટનો પ્લાન બનાવ્યો હતો. પકડાયેલા તમામ આરોપીઓની ઉંમર માત્ર ૧૮ થી ૨૩ વર્ષની વચ્ચે છે. આ સમગ્ર ઓપરેશન આશરે ૩ કલાક સુધી ચાલ્યું હતું, જેમાં વિરમગામ એએસપી માનસી મીણાના સુપરવિઝન હેઠળ એલસીબી અને વિવિધ પોલીસ સ્ટેશનના પીઆઈ તથા પીએસઆઈની ટીમ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી હતી. પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તમામ આરોપીઓને નડિયાદ રેલવે પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.