BREAKING NEWS

રાજકોટમા ભેળસેળ અને વાસી ફૂડનો રાફડો, 90 પેઢીમાં ચેકિંગ, 5 સીલ, 1094 કિલો અખાદ્ય જથ્થો મળ્યો

  • July 03, 2026 01:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં કરતા અને અખાદ્ય તેમજ વાસી ચીજવસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓ સામે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગે લાલ આંખ કરી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે શહેરમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને અસ્વચ્છતા અટકાવવા માટે એક વ્યાપક સર્વેલન્સ ચેકિંગ ઝુંબેશ હાથ ધરી છે. આ કડક કાર્યવાહી દરમિયાન ફૂડ વિભાગે શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલી કુલ ૯૦ પેઢીઓ અને રેસ્ટોરન્ટ્સમાં આકસ્મિક તપાસ કરી હતી. 

આ ચેકિંગ દરમિયાન ભારે ગંદકી અને નિયમોના ઉલ્લંઘન બદલ ૫ પ્રખ્યાત પેઢીઓને સ્થળ પર જ સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત, આરોગ્ય માટે જોખમી એવો કુલ ૧,૦૯૪ કિલોગ્રામ અખાદ્ય અને વાસી ખોરાકનો જથ્થો જપ્ત કરી તેનો નાશ કરાયો હતો. જ્યારે સ્ટોરેજ, લાયસન્સ અને હાઈજેનિક કન્ડિશનનો અભાવ ધરાવતી ૨૬ પેઢીઓને કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી છે અને બેદરકાર વેપારીઓ પાસેથી કુલ રૂપિયા ૧,૨૪,૭૦૦નો વહીવટી ચાર્જ અને પેનલ્ટી વસૂલ કરવામાં આવી છે.

ફૂડ વિભાગની ટીમે મવડી ગામ બાયપાસ પાસે ખોડીયાર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલ "રજેશન ફૂડ પ્લાનેટ (બેકર્સ એન્ડ કેટરર્સ)" પર દરોડો પાડ્યો હતો. જ્યાં અત્યંત અસ્વચ્છ વાતાવરણમાં જીવાત, મંકોડા અને ફૂગવાળો એક્સપાયર્ડ ખોરાક બનાવવામાં આવતો હોવાનું ખુલ્યું હતું. તંત્રએ ત્યાંથી વાસી આઇસ્ક્રીમ, બેકરી રો મટીરીયલ, બ્રાઉની, ચોકલેટ, મીઠાઈ, બટર અને ચીઝ સહિત અંદાજિત ૧૮૬ કિલોગ્રામ અખાદ્ય જથ્થો જપ્ત કરી તેનો નાશ કર્યો હતો અને પેઢીને સીલ કરી રૂપિયા ૧૦,૦૦૦નો વહીવટી ચાર્જ વસૂલ કર્યો હતો. 


આ સાથે સ્થળ પરથી વેનીલા આઇસ્ક્રીમ અને કેક ક્રીમ પાઈનેપલના નમૂના લેવાયા હતા. સાધુ વાસવાણી રોડ પર આવેલ "ઓમ ફેમિલી રેસ્ટોરન્ટ" માંથી પણ વાસી મંચૂરિયન, બાંધેલો લોટ અને ગ્રેવી સહિત ૨૦ કિલોગ્રામ અખાદ્ય જથ્થો નાશ કરી, રૂ.૫,૦૦૦નો દંડ વસૂલી પેઢી સીલ કરાઈ હતી. જ્યારે સદર વિસ્તારમાં આવેલ "નકલંક દુગ્ધાલય" અને મોરબી રોડ સેટેલાઈટ ચોક પાસે આવેલ "પ્રકાશભાઈ પ્રવીણભાઈ હરસોડા" ની પેઢીને લાયસન્સ અને હાઈજેનિક કન્ડિશનના ભંગ બદલ સીલ કરીને બંને પાસેથી રૂ.૧૦,૦૦૦-૧૦,૦૦૦ નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.

આ કાર્યવાહી અંતર્ગત પોપટપરા વિસ્તારમાં આવેલ "રાધિકા ડેરીફાર્મ" માં પણ અનહાઈજેનિક કન્ડિશનમાં ઉત્પાદન થતું જોવા મળતા ૧૬૦ કિલોગ્રામ વાસી માવો અને વનસ્પતિ ફેટનો નાશ કરાયો હતો અને રૂ.૫,૦૦૦નો દંડ કરાયો હતો. આ ઉપરાંત, અયોગ્ય લેબલિંગને કારણે અંદાજે ૪૫૦ કિલોગ્રામ મીઠો માવો સ્થળ પર જ કોલ્ડ સ્ટોરેજમાં સીલ કરીને તેનો વપરાશ સ્થગિત કરવામાં આવ્યો હતો. મોરબી રોડ પર આવેલ "શ્રીજી ડેરીફાર્મ" માંથી ૨૩ કિલો વાસી મીઠાઈ, "ખોડિયાર ડેરી" અને "શ્રી ગેલમાં ડેરીફાર્મ" માંથી એક્સપાયર્ડ ફરસાણનો નાશ કરી વહીવટી ચાર્જ વસૂલાયો હતો અને આ તમામ સ્થળોએથી માવા અને પનીરના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

બીજી તરફ, જંકશન રેલ્વે સ્ટેશનની સામે આવેલી હોટલોમાં પણ ફૂડ વિભાગ ત્રાટક્યું હતું. "હોટલ એમબોય" માંથી ૩૧ કિલો વાસી શાકભાજી (ડુંગળી, બટેટા, ટમેટા) નો નાશ કરી રૂ.૫,૦૦૦નો દંડ કરાયો હતો. જ્યારે "શ્રી ગુરુનાનક હોટલ", "શિવ શક્તિ રેસ્ટોરન્ટ", "મમતા રેસ્ટોરન્ટ", "KNG નોનવેજ", "નાગોર ચોળાફરી", "રોઝી પાણીપુરી" અને "બાપા સીતારામ પાઉંભાજી" માંથી વાસી ચટણી, બ્રેડ, ચિકન લોલિપોપ, અખાદ્ય મંચૂરિયન અને દૂષિત પાણીનો નાશ કરવામાં આવ્યો હતો. આ વિસ્તારની અન્ય ૧૨ થી વધુ ખાણી-પીણીની નાની-મોટી રેસ્ટોરન્ટ્સ અને લારીઓ ધારકોને લાયસન્સ તેમજ સ્વચ્છતા બાબતે કડક સૂચનાઓ આપવામાં આવી હતી.


આ ઉપરાંત, આજી વસાહતમાં આવેલ 'કવીન્સ ફૂડ્સ એન્ડ બેવરેજીસ', મિલપરાની 'જય શ્રી ખોડિયાર દુગ્ધાલય', પેડક રોડ પરની 'વિશાલ મિલ્ક', મવડી રોડ પરની 'વરુડી ડેરી' અને 'રાધેશ્યામ ડેરી' તેમજ ૧૫૦ ફૂટ રિંગ રોડ પરની 'સમૃધ્ધ ડેરી' અને જામનગર રોડ પરની 'શ્રી ગાયત્રી ડેરીફાર્મ' માં વ્યાપક તપાસ હાથ ધરીને નોટિસો ફટકારવામાં આવી હતી અને પનીર, ચીઝ તથા માવાના શંકાસ્પદ સેમ્પલ લેબ ટેસ્ટિંગ માટે લેવાયા હતા. કાલાવડ રોડ પર આવેલ 'ઢોસા-પોડી પોઇન્ટ' અને 'હોટ એન્ડ સ્પાઇસી' પેઢીમાંથી વાસી બ્રેડનો નાશ કરી કુલ રૂ.૬,૦૦૦નો દંડ વસૂલાયો હતો. ફૂડ વિભાગની આ આકરી કાર્યવાહીથી અખાદ્ય ચીજો વેચતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રહેશે તેમ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application