પાંચ નવેમ્બરના રોજ ભાવનગરમાં આવેલા કાચના તળાવ સામે આવેલી ફોરેસ્ટ કોલોની પાસે એસીએફ (આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ) શૈલેષ ખાંભલાએ પત્ની, પુત્ર અને પુત્રીની તકીયાથી મોં દબાવી હત્યા કરી દીધી હતી. ત્યારબાદ ત્રણેયને ઘરથી 20 ફૂટ દૂર જ દાટી દીધા હતા. જો કે આ સમગ્ર મામલો 16 નવેમ્બરના રોજ સામે આવ્યો હતો. હવે આ કેસમાં નવો ઘટસ્ફોટ થયો છે. જેમાં શૈલેષ ખાંભલાને વનકર્મી સાથે પ્રેમ થઈ જતા તેની સાથે વિદેશ ભાગી જવા માટે આડખલીરૂપ પત્ની, પુત્ર અને પુત્રીની હત્યા કર્યાનું ખુલ્યું છે.
ભાવનગર પહેલા શૈલેષ ખાંભલાની દાહોદથી બદલી થઈને જુનાગઢમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને વનકર્મી યુવતી મળી હતી. બાદમાં ધીમે ધીમે આ પરિચય મિત્રતામાં પરિણમ્યો હતો. મિત્રતા બાદ બન્ને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. બન્નેના આ પ્રેમ સંબંધોને ચાર વર્ષ જેટલો સમય થઈ ગયો હતો. પરંતુ ફોરેસ્ટ અધિકારી પરિણીત તથા બે સંતાનનો પિતા હોવાથી પરિવાર તેને કાંટારૂપ લાગવા લાગ્યો હતો. આ કાંટો કાઢવાની આગલી રાત્રે ફોરેસ્ટ અધિકારીએ પ્રેમિકાને ફોન કરી કહ્યું હતું કે, હું કોઈ પણ સંજોગોમાં કોઈ પણ કામ કરૂં, તો તું મને અપનાવીશ કે નહીં. ત્યારબાદ તેણે વિદેશ જવાના પ્લાનિંગ સાથે બન્નેના પાસપોર્ટ પણ તૈયાર કરાવી લીધા હતા.
ફોરેસ્ટ અધિકારીના આ પ્લાન આડે હજુ સુરતમાં રહેતા તેની પત્ની, પુત્ર અને પુત્રી અડચણરૂપ હતા. આ દરમિયાન દિવાળી વેકેશનમાં પરિવાર સુરતથી ભાવનગર આવ્યો હતો અને ફોરેસ્ટ અધિકારીએ ષડ્યંત્ર રચી પાંચ નવેમ્બરના રોજ પત્ની, પુત્ર અને પુત્રીની હત્યાને અંજામ આપ્યો હતો. શૈલેષ ખાંભલાએ ભરતનગર પોલીસ સ્ટેશનમાં સાત નવેમ્બરે ગુમ થયાની અરજી કરી હતી. જેની વિગત એવી હતી કે તેની પત્ની, તેની પુત્રી અને પુત્ર ગુમ છે. બાદમાં 16 નવેમ્બરના રોજ ત્રણેયના મૃતદેહ મળ્યા હતા અને શૈલેષ ખાંભલાએ જ પોતાની પત્ની, પુત્ર અને પત્નીની હત્યા કર્યાની કબૂલાત કરી હતી.
ગુમની ફરીયાદ દાખલ કર્યા બાદ એસપીની સીધી દેખરેખ હેઠળ એક ટીમની રચના કરવામાં આવી હતી. એ ટીમને તેના અંગત બાતમીદારો અને સીડીઆર એનાલિસિસથી જાણવા મળ્યું કે શૈલેષ ખાંભલાનું સરકારી ક્વાર્ટર છે, તેના આગળના ભાગે ખાડો ખોદીને પુરી પણ દેવામાં આવ્યો છે. આ ઇનપુટ મળતા પોલીસ તેની વેરિફિકેશન માટે પર્સનલી ત્યાં સ્ટાફને ડિપ્લોય કરીને ચેકિંગ કરતા ત્યાં ખાડો કરેલો હતો. જેથી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, સરકારી પંચો, વિડિયોગ્રાફી, ડોગ સ્ક્વોડ, એફએસએલ અધિકારીને સાથે રાખીને ખોદકામ કરતા નયનાબેન તથા પૃથા અને ભવ્યના મૃતદેહ મળ્યા હતા.
ભાવનગર શહેરની ભરતનગર પોલીસે છ ડિસેમ્બરના રોજ શૈલેષ ખાંભલાને નાર્કો એનેલેસિસ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે નાર્કોની માંગણી કરી હતી, ત્યારે શૈલેષ ખાંભલાએ નાર્કો કરવા અંગે ના પાડી હતી. જેના પર વિચારણા કરવા માટે કોર્ટે ત્રણ દિવસની મુદ્દત આપી હતી અને આજે ફરી શૈલેષ ખાંભલાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
શૈલેષ ખાંભલા હત્યા કરી એ દિવસોમાં પ્રેમિકાના સતત સંપર્કમાં હતો
પરિવારની હત્યા કરી એ દિવસો દરમિયાન શૈલેષ ખાંભલા પોતાની પ્રેમિકા સાથે સતત કોન્ટેક્ટમાં હોવાનું જાણવા મળ્યું હતું. આથી તેની પ્રેમિકાની ભાવનગર ખાતે પૂછપરછ કરવામાં આવી હતી. તેમાં એવી હકિકત બહાર આવેલી કે બન્ને પ્રેમસંબંધમાં હતા. જેથી યુવતીની ત્રણ વખત પૂછપરછ કરતા આ દરમિયાન તેણે કબૂલ્યું કે હત્યા કરવાના આગલા દિવસની રાતે શૈલેષ ખાંભલા સાથે વાત કરતા શૈલેષ ખાંભલાએ કહ્યું હતું કે, હું કોઈ પણ સંજોગોમાં કોઈ પણ કામ કરૂં, તમે મને અપનાવશો કે નહીં? ત્યારબાદમાં બન્નેના પાસપોર્ટ પણ તૈયાર કરાવ્યા હતા અને વિદેશ ભાગી જવાની પૂરી તૈયારી કરી લીધી હતી. તેના માટે પણ ડોક્યુમેન્ટ્સ પણ તૈયાર કરી લીધા હતા.