સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરી 176 બિટકોઇન ટ્રાન્સફર કરવા અને 32 કરોડની ખંડણી માગવાના ગુનામાં ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા સહિત 14 આરોપીઓને 29 ઓગસ્ટ, 2025ના રોજ અમદાવાદની સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. જે મામલે તમામ દોષિતોએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી ચુકાદાને પડકાર્યો છે. સાથે જ જામીન અરજી મૂકી હતી. જે પૈકી ગુજરાત હાઇકોર્ટે પહેલા અધિકારીઓના આદેશ ઉપર કામ કરનારા નવ પોલીસ કોન્સ્ટેબલને જામીન આપ્યા હતા. જો કે હવે પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને પણ 50 હજારના બોન્ડ ઉપર જામીન આપવામાં આવ્યા છે.
અમદાવાદ એસીબી કોર્ટે નલિન કોટડિયા સહિત અમરેલીના તત્કાલિન પોલીસ અધિક્ષક જગદીશ પટેલ અને પીઆઈ અનંત પટેલ, કોન્સ્ટેબલો સહિત 14 આરોપીને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી. આ કેસમાં ગુજરાત પોલીસ અને રાજકીય નેતાઓની સંડોવણી અત્યંત વિવાદીત અને ચર્ચાસ્પદ બની હતી. એસીબીની કોર્ટે આરોપીઓને સજા જાહેર કરવાની સાથે હોસ્ટાઈલ થયેલા 25 વ્યક્તિ સામે કાનૂની કાર્યવાહી કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો. તે ઉપરાંત એક આરોપીને પુરાવાના અભાવે નિર્દોષ છોડવામાં આવ્યો હતો.
આ કેસની વિગતો જોતા વર્ષ 2018માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ પાસેથી ખંડણીના મામલે કેસ નોંધાયો હતો. એક ફાયનાન્સ કંપનીમાં શૈલેષ ભટ્ટે બિટકોઇનમાં રોકાણ કર્યું હતું, જેના રૂપિયા ડૂબી ગયા હતા. તેથી તેણે કંપનીના માલિક અને કર્મચારીઓનું અપહરણ કરીને પૈસા પાછા માગ્યા હતા. શૈલેષ ભટ્ટે પોતાના મળતિયાઓને સાથે રાખીને બીટ કનેક્ટ લિમિટેડના કર્મચારી અને હોદ્દેદારનું અપહરણ કર્યું હતું અને તેમની પાસેથી બીટકોઈન, લાઈટ કોઈન તેમજ કરોડો રૂપિયા પડાવી લીધા હતા
ત્યારબાદ આ કેસમાં અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચના તત્કાલિન પીઆઈ અનંત પટેલની ટીમે સરકારી વાહનમાં શૈલેષ ભટ્ટનું 11મી ફેબ્રુઆરી, 2018માં અપહરણ કરીને ખંડણી વસૂલી હતી. અપહરણ કરનારાઓએ શૈલેષ ભટ્ટને ગાંધીનગર નજીક લઈ જઈને નવ કરોડની કિંમતના 176 બિટકોઇન ટ્રાન્સફર કરીને 34 બિટકોઈન વેચાણ કરીને રૂ.2.35 કરોડ રોકડમાં આંગડિયામાં ટ્રાન્સફર કર્યા હતા. આ મામલે શૈલેષ ભટ્ટે ગાંધીનગરમાં ફરિયાદ કરતા સીઆઈડી ક્રાઈમને તપાસ સોંપાઇ હતી. સીઆઈડી ક્રાઈમે તપાસ કરીને અમરેલીના પૂર્વ એલસીબીના પીઆઈ અનંત પટેલ, એસપી જગદીશ પટેલ, ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા સહિત 15 આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં તબક્કાવાર કુલ 06 ચાર્જશીટ દાખલ કરી હતી.