ઇજિપ્તના ગીઝા પ્રાંતમાંથી એક અત્યંત ગંભીર ટ્રેન અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. અહીં અલ-અય્યાત જિલ્લામાં બે ટ્રેનો વચ્ચે થયેલી જોરદાર ટક્કર બાદ એક પેસેન્જર ટ્રેન પાટા પરથી નીચે ઊતરી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં ઓછામાં ઓછા 4 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે આશરે 120 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા મુજબ, આ દુર્ઘટના રાજધાની કાહિરાના બહારના વિસ્તારમાં બની હતી.
કેવી રીતે થયો અકસ્માત?
મળતી માહિતી અનુસાર, ગીઝાથી ફયૂમ તરફ જઈ રહેલી એક ટ્રેને આગળ ચાલી રહેલી કાહિરાથી અસવાન જતી અન્ય એક ટ્રેનને પાછળથી જોરદાર ટક્કર મારી દીધી હતી. આ ટક્કર એટલી ભીષણ હતી કે ટ્રેનના ડબ્બા પાટા પરથી નીચે ઊતરી ગયા હતા અને મુસાફરોમાં ભારે ચીસાચીસ મચી ગઈ હતી.
રાહત અને બચાવ કામગીરી શરૂ ઘટનાની જાણ થતાં જ ઇજિપ્તના આરોગ્ય મંત્રાલય અને ઈમરજન્સી ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને ત્વરિત સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત, રેલ્વે ટ્રેક પરથી અકસ્માતગ્રસ્ત ટ્રેનના કાટમાળને હટાવવા અને વાહનવ્યવહાર ઝડપથી પૂર્વવત કરવા માટે ક્રેન અને બચાવ ટુકડીઓને તૈનાત કરવામાં આવી છે.