રાજસ્થાનના સિકરમાં ગુજરાતી શ્રદ્ધાળુઓની બસને રાત્રે અકસ્માત નડ્યો હતો. જેમાં ચાર લોકોના મોત નીપજ્યા હતા અને 28 લોકો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં સાતની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.
મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લાના 50 જેટલા લોકો ખાનગી ટ્રાવેલ્સની સ્લીપર કોચ બસમાં વૈષ્ણવ દેવી માતાના મંદિરે અને રાજસ્થાન પ્રવાસે નીકળ્યા હતા. જે દરમિયાન રાજસ્થાનના બિકાનેર હાઇવેથી ખાટુશ્યામ જઈ રહ્યા હતા. આ દરમિયાન સિકર પાસે ટ્રક સાથે અકસ્માત થયો હતો. સ્લીપર બસ બિકાનેર તરફથી જયપુર જઈ રહી હતી. જ્યારે ટ્રક ઝુંઝુનૂથી બિકાનેર તરફ જઈ રહી હતી. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે ટ્રક આગળથી બસમાં ઘૂસી ગઈ હતી, જેના કારણે જોરદાર ધડાકો થયો હતો. બસની કેબિન અને એની પાછળ બેઠેલા મુસાફરો સૌથી વધુ ઘાયલ થયા હતા. ઘાયલોનાં શરીરમાં કાચ-મેટલના ટુકડા ઘૂસી ગયા હતા.
અકસ્માતમાં બસના મુસાફર મયંક અને ડ્રાઈવર કમલેશનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે એક મૃતકની ઓળખ થઈ નથી. કંડક્ટર મિતેશને સિકરની એસકે હોસ્પિટલમાંથી ગંભીર હાલતમાં રિફર કરવામાં આવ્યો હતો, જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
અકસ્માતમાં અનંત, તુષાર, રાજેશ, પ્રવીણ, રંજના, મુક્તાબેન, આશિષ, નિલેશ, સુહાની, કરમલબેન, જમવંત, સુદાબેન, અર્જુન, અમિત, મહેશભાઈ, ગંગાબેન, કંચનબેન, સાકેત પાલ, લાડુ, રમીલા, રણજીત, અર્જુન, સંગીતા, પરિતેશ, અતુલ, ઈન્દુબેન અને શીલાબેન ઘાયલ થયા હતા. આ તમામને સિકર અને ફતેહપુરની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડાયા હતા.
ફતેહપુર સદર પોલીસ સ્ટેશનના એસએચઓ સુરેન્દ્ર દેગડાએ જણાવ્યું હતું કે અકસ્માત મોડીરાત્રે થયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, સ્લીપર બસ બિકાનેરથી જયપુર તરફ જઈ રહી હતી, જ્યારે ટ્રક જયપુરથી બિકાનેર તરફ આવી રહી હતી. હાઈવે પર વિરુદ્ધ દિશામાંથી આવી રહેલાં બંને વાહનો વચ્ચે સામસામે ભયાનક ટક્કર થઈ હતી. અકસ્માત પછી ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ અને મુસાફરોમાં ભય તથા દહેશતનો માહોલ છવાઈ ગયો. સ્થાનિક લોકોએ તરત જ બચાવ ટુકડી અને પોલીસને જાણ કરી હતી. પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્યમાં લાગી ગયા અને ઘાયલોને બહાર કાઢવા માટે સઘન પ્રયાસો કરવામાં આવ્યા હતા.
ઘણા મુસાફરો સીટોમાં જ ફસાઈ ગયા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે ચીસાચીસ મચી જતાં હાઈવે પરથી પસાર થઈ રહેલા વાહનો રોકાઈ ગયા અને સ્થાનિક લોકોએ તુરંત જ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી. બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી, ઘાયલોને તરત જ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.