મુંબઈમાં તરબૂચ ખાધા બાદ એક જ પરિવારના ચાર સભ્યોનાં મોત
મુંબઈમાં તરબૂચ ખાધા બાદ એક જ પરિવારના ચાર સભ્યોનાં મોત
April 28, 2026 11:30 AM
મુંબઈમાં એક પરિવાર માટે શનિવારની રાતનું ભોજન દુર્ભાગ્યપૂર્ણ સાબિત થયું. ભેંડી બજારમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યો પિતા, માતા અને તેમની બે દીકરીઓ તરબૂચ ખાધા પછી થોડા જ કલાકોમાં મૃત્યુ પામ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ તબીબો અને પોલીસ બંનેને આશ્ચર્યમાં મૂકી દીધા છે. મૃતકોમાં અબ્દુલ્લા દોડાકિયા (૪૪), તેમની પત્ની નસરીન (૩૫), અને દીકરીઓ આયેશા (૧૬) અને ઝૈનબ (૧૨)નો સમાવેશ થાય છે. અબ્દુલ્લા અંધેરીમાં મોબાઇલ એકસેસરીઝની દુકાન ચલાવતા હતા. શનિવારે રાત્રે લગભગ ૧૦:૩૦ વાગ્યે પરિવાર અને તેમના સંબંધીઓએ સાથે મળીને બિરયાની અને પુલાવનો જમણવાર કર્યેા હતો. આ ભોજન લીધેલા અન્ય પાંચ સંબંધીઓને કોઈ લક્ષણો જોવા મળ્યા નહોતા. પરંતુ રાત્રે લગભગ ૧ વાગ્યે આ ચારેય સભ્યોએ તરબૂચ ખાધું હતું, જે માત્ર તેમણે જ લીધું હતું. સવારે ૫ થી ૫:૩૦ વચ્ચે ચારેયને ઉલટી અને ડાયરીયાની ફરિયાદ શ થઈ. સ્થિતિ ઝડપથી બગડતાં પડોશીઓએ મદદ માટે દોડધામ કરી.સવારે લગભગ ૧૦:૩૦ વાગ્યે ઝૈનબનું પ્રથમ મૃત્યુ થયું. ત્યારબાદ નસરીનનું લગભગ ત્રણ કલાક પછી અવસાન થયું. સાંજે ૫:૧૫ વાગ્યે આયેશા અને રાત્રે ૧૦:૧૫ વાગ્યે અબ્દુલ્લાનું મૃત્યુ થયું. ત્રણેયને જેજે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી, પરંતુ તબીબો તેમને બચાવી શકયા નહોતા.જેજે હોસ્પિટલના ડોકટરોએ જણાવ્યું કે માત્ર બાસી તરબૂચથી આટલી ગંભીર સ્થિતિ સર્જાવું ખૂબ જ અસંભવ છે. દર્દીઓમાં સામાન્ય ફડ પોઇઝનિંગ જેવા લક્ષણો હતા, પરંતુ તેમની કિડની પર ગંભીર અસર થઈ હતી. ડોકટરોના મતે તેમાં કોઈ ઝેરી પદાર્થ અથવા અન્ય કારણ હોઈ શકે છે.પોલીસે આ મામલે ચાર અકસ્માતજન્ય મૃત્યુના કેસ નોંધ્યા છે અને તપાસ ચાલુ છે. અબ્દુલ્લા અને આયેશાના નિવેદન મુજબ, તરબૂચ ખાધા પછી તેમને ઉલટી અને ડાયરીયા શ થયા હતા. હાલ સુધી કોઈ ગુનાહિત શંકા વ્યકત કરવામાં આવી નથી.તરબૂચના નમૂનાઓ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આ ઘટના પછી સમગ્ર વિસ્તારમાં શોક અને ચિંતા ફેલાઈ છે.