BREAKING NEWS

ગુજરાતમાં તોફાની વરસાદનો કહેર: વૃક્ષો-હોર્ડિંગ ધરાશાયી થતાં ચાર લોકોના મોત, ધંધુકામાં સૌથી વધુ 3.74 ઈંચ વરસાદ ખાબક્યો

  • June 02, 2026 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. રાજ્યના અમદાવાદ સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધૂળની ડમરીઓ અને પ્રચંડ પવન સાથે તોફાની વરસાદ ખાબક્યો હતો. ગઈકાલે દિવસભરના અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ સાંજે અને રાત્રિના સમયે આવેલા મીની વાવાઝોડાને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ અનેક સ્થળોએ ભારે તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. આ કુદરતી આફતમાં રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં કુલ ચાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેના કારણે પ્રશાસન પણ દોડતું થઈ ગયું છે.

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં એટલે કે ગઈકાલ સવારના ૬ થી આજે સવારના ૬ વાગ્યા સુધી વ્યાપક વરસાદ નોંધાયો છે. રાજ્યના 150 તાલુકામાં વાવાઝોડા સાથે વરસાદ નોંધાયો છે. ધંધુકામાં સૌથી વધુ ૩.૭૪ ઈંચ અને ઉમરપાડામાં ૨.૭૬ ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત, રાજ્યના અન્ય ૧૬ તાલુકાઓમાં એક થી પોણા બે ઈંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે. જ્યારે ૨૭ તાલુકાઓમાં અડધાથી એક ઈંચ અને બાકીના વિસ્તારોમાં હળવા ઝાપટાંથી લઈ અડધો ઈંચ વરસાદ નોંધાતા સર્વત્ર ઠંડક પ્રસરી ગઈ છે.


અચાનક ત્રાટકેલા આ વાવાઝોડાએ ક્યાંક વૃક્ષો ઉખેડી નાખ્યા તો ક્યાંક હોર્ડિંગ્સ અને શેડ જમીનદોસ્ત કરી દીધા હતા. અમદાવાદ શહેરમાં મોડી રાત્રે વાતાવરણ અચાનક વણસ્યું હતું. ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઊડતા વાહનચાલકોને રસ્તા પર જોવામાં ભારે હાલાકી પડી હતી અને વિઝિબિલિટી ઘટી ગઈ હતી. અમદાવાદમાં સર્જાયેલા આ ખરાબ અને જોખમી વાતાવરણના પગલે હવાઈ સેવાને પણ મોટી અસર પહોંચી હતી. અત્યાર સુધીમાં ૭ ફ્લાઈટ્સને અમદાવાદ એરપોર્ટ પર ઉતારવાને બદલે સુરત એરપોર્ટ ખાતે ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી, જેને પગલે મુસાફરો પણ અટવાયા હતા.


દાહોદ જિલ્લામાં ફૂંકાયેલા પ્રચંડ વાવાઝોડાના કારણે ભારે વિનાશના દ્રશ્યો સર્જાયા છે, જ્યાં સૌથી મોટી દુર્ઘટના નોંધાઈ છે. ગરબાડા ચોકડી નજીક વહીવટી તંત્ર દ્વારા લગાવવામાં આવેલું સ્માર્ટ સિટીનું એક વિશાળ અને ભારેખમ સાઈન બોર્ડ કાળમુખા પવનના દબાણને સહન ન કરી શકતા પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયું હતું. આ લોખંડી બોર્ડ નીચે દબાઈ જવાના કારણે ત્યાંથી પસાર થઈ રહેલા બે નિર્દોષ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ ભયાનક અકસ્માતમાં અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


બીજી તરફ, વડોદરા શહેરમાં પણ મોડી સાંજે વીજળીના પ્રચંડ કડાકા-ભડાકા અને તેજ ગતિએ ફૂંકાયેલા પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો. વડોદરાના ડેસર તાલુકાના વક્તાપુરા ગામે એક હૃદયદ્રાવક દુર્ઘટના બની હતી. અહીં ભારે પવનના કારણે ખેતરમાં ઉભેલું એક વિશાળ વૃક્ષ અચાનક ધરાશાયી થયું હતું, જેની નીચે દબાતા એક વૃદ્ધ ખેડૂતનું કસમયે મોત નીપજ્યું હતું. ઘટનાસ્થળે ગ્રામજનોની ભારે ભીડ એકત્ર થઈ ગઈ હતી અને હોનહાર ખેડૂતના મોતથી સમગ્ર ગામમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. આ અંગે સ્થાનિક તંત્રને લેખિત જાણકારી આપવામાં આવી છે.


સરહદી જિલ્લા બનાસકાંઠાના વાવ-થરાદ પંથકમાં પણ વાવાઝોડાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. વાવ તાલુકાના માડકા ગામમાં ભારે પવનના કારણે ઘર પર બનાવેલો પતરાનો શેડ અચાનક ધરાશાયી થઈ ગયો હતો. આ સમયે વાવાઝોડાથી પોતાની વાછરડીને બચાવવા જતા ૪૨ વર્ષીય વ્યક્તિ આ ભારેખમ પતરાના શેડ નીચે દબાઈ ગયો હતો. શેડ માથે પડતા આ વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાથી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે, અને મૃતદેહને પીએમ માટે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો છે.


મહીસાગર જિલ્લાના લુણાવાડા અને કડાણા પંથકમાં પણ રાત્રિના સમયે વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી. આ વિસ્તારોમાં પ્રચંડ પવનને કારણે અનેક સ્થળોએ મહાકાય વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા હતા. લુણાવાડાના એક મુખ્ય માર્ગ પર વૃક્ષ પડવાના કારણે ત્યાંથી પસાર થઈ રહેલો એક બાઈકચાલક તેની ચપેટમાં આવી ગયો હતો અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સ્થાનિક લોકોની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.


અરવલ્લી જિલ્લામાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ધનસુરા-મોડાસા હાઇવે પર એક વિશાળ વૃક્ષ ધરાશાયી થતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો અને હાઈવે બ્લોક થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી ગયો હતો અને ભારે જહેમત બાદ વૃક્ષને હટાવી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. જ્યારે માલપુરની બગીચા સોસાયટીમાં નીચાણવાળા ભાગોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા, જેનાથી સ્થાનિકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને આસપાસના વિસ્તારોમાં જોરદાર પવનના કારણે વીજ લાઈનોને મોટું નુકસાન થતાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કલાકો સુધી અંધારપટ છવાયો હતો.


એકતરફ આ વરસાદથી લોકોને અસહ્ય બફારાથી મુક્તિ મળી છે, તો બીજી તરફ પ્રિ-મોન્સૂનની નબળી કામગીરી અને વીજ કંપનીઓની પોલ પણ આ મિની વાવાઝોડાએ ખોલી નાખી છે. સામાન્ય પવનમાં પણ વીજળી ગુલ થઈ જવાની અને રસ્તાઓ ધોવાઈ જવાની ઘટનાઓએ તંત્ર સામે સવાલો ઉભા કર્યા છે.


પંચમહાલના ગોધરામાં ગત રાત્રે પડેલા ધોધમાર વરસાદને પગલે આનંદનગર વિસ્તારમાં નવનિર્મિત થઈ રહેલા પુલ નજીક રસ્તાનું મોટાપાયે ધોવાણ થયું છે. આનંદનગરથી કનેલાવને જોડતા કોઝવેની કામગીરી ચાલતી હોવાથી વાહનવ્યવહાર માટે વહીવટી તંત્ર દ્વારા બનાવાયેલું કામચલાઉ માટીનું ડાયવર્ઝન પહેલા જ વરસાદના પાણીમાં વહી ગયું છે, જેને કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.​​​​​​​


અનેક જિલ્લાઓમાં અંધારપટ, જનજીવન અસ્તવ્યસ્ત

છોટા ઉદેપુર અને જેતપુર પાવી તાલુકામાં ભારે પવન ફૂંકાતા બજારોમાં અફરાતફરી મચી હતી. ધૂળની તીવ્ર ડમરીઓને કારણે વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકો હેડલાઈટો ચાલુ રાખીને આગળ વધવા મજબૂર બન્યા હતા. અહીં પણ વીજ લાઈનોમાં મોટી ટેકનિકલ ખામીઓ સર્જાતા અનેક વિસ્તારોમાં કલાકો સુધી અંધારપટ છવાયો હતો. ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના કાનપુર અને વાસણા ચૌધરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગાજવીજ અને તીવ્ર પવન સાથે વરસાદ પડવાના અહેવાલ છે. ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ સહિત મહેમદાવાદ, મહુધા, કઠલાલ, કપડવંજ, ડાકોર, ઠાસરા અને માતર પંથકમાં મિની વાવાઝોડું ત્રાટક્યું હતું. માતરમાં તીવ્ર વંટોળ સાથે ધૂળની ડમરીઓ ઊડી હતી અને પતરા ઉડવાના બનાવો બન્યા હતા. આનંદના ખંભાત પંથકમાં પણ ગત રાત્રે એકાએક વાવાઝોડા જેવો ભયાનક માહોલ સર્જાયો હતો અને વીજળીના પ્રચંડ કડાકા-ભડાકા સાથે તોફાની વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ પવન સાથે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી ચાલુ રહી શકે છે, જેથી તંત્રને એલર્ટ રહેવા જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application