BREAKING NEWS

સુરતમાં કેમિકલની ટાંકી સાફ કરતી વખતે ચાર શ્રમિકના ગૂંગળામણથી મોત, પરિવારોનું આક્રંદ

  • March 07, 2026 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એક ડાઈંગ મિલમાં હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. મિલમાં કેમિકલની ટાંકી સાફ કરવા ઉતરેલા ચાર શ્રમિકોના ઝેરી ગેસની ગૂંગળામણને કારણે ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે ઔદ્યોગિક એકમોમાં શ્રમિકોની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે.


મળતી માહિતી મુજબ, પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી ન્યુ પારસ ડાઈંગ મિલમાં ગુરુવાર, ૫ માર્ચ ૨૦૨૬ના રોજ રાત્રે કેમિકલની ટાંકી સાફ કરવાનું કામ ચાલી રહ્યું હતું. ટાંકીમાંથી ઇલેક્ટ્રિક મોટરની મદદથી પાણી બહાર કાઢવા અને જમા થયેલો કચરો સાફ કરવા માટે ચાર શ્રમિકો ટાંકીની અંદર ઉતર્યા હતા. સફાઈ કામગીરી દરમિયાન ટાંકીમાં રહેલી ગેસની પાઈપમાંથી અચાનક ઝેરી કેમિકલ ગેસ લીકેજ થવાનું શરૂ થયું હતું. જોતજોતામાં આખા ટાંકી પરિસરમાં ગેસ ફેલાઈ જતાં અંદર રહેલા ચારેય શ્રમિકોને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી અને ગણતરીની મિનિટોમાં જ તેઓ બેભાન થઈ ગયા હતા.


આ ઘટનામાં જીવ ગુમાવનાર શ્રમિકોમાં સોનુકુમાર ઉર્ફે ધનંજય કમલેશ પાસવાન (૨૩ વર્ષ), દિનુકુમાર ઉર્ફે અંકિત રવિન્દ્ર પાસવાન (૨૦ વર્ષ), મહેન્દ્ર મેસર પાસવાન અને સંદીપ સંતોષ પાસવાનનો સમાવેશ થાય છે. આ તમામ શ્રમિકો પાંડેસરાના ગણેશનગર વિસ્તારના રહેવાસી હતા. ઘટનાની જાણ થતાં જ મિલના મેન્ટેનન્સ વિભાગે ભારે જહેમત બાદ ચારેયને બહાર કાઢી ડીંડોલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે, સારવાર દરમિયાન ગુરુવારે મોડી રાત્રે જ ધનંજયનું મોત થયું હતું. ત્યારબાદ શુક્રવારે સવારે અંકિત અને સાંજે મહેન્દ્ર તથા સંદીપનું પણ કરૂણ મોત નીપજ્યું હતું. મૃતક ધનંજયના પાંચ વર્ષ પહેલા જ લગ્ન થયા હોવાથી પરિવાર પર આભ ફાટી પડ્યું છે.


બનાવની જાણ થતા પાંડેસરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે પ્રાથમિક તપાસ બાદ જણાવ્યું કે, આ ચારેય યુવકો કંપનીના કાયમી કર્મચારી નહોતા, પરંતુ તેમને કોન્ટ્રાક્ટ હેઠળ માત્ર ટાંકી સાફ કરવા માટે બહારથી બોલાવવામાં આવ્યા હતા. પોલીસે ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યા છે. શું સફાઈ દરમિયાન સુરક્ષાના સાધનો પૂરા પાડવામાં આવ્યા હતા? ગેસ લીકેજ માટે જવાબદાર કોણ? તે દિશામાં પોલીસે ઊંડી તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application