BREAKING NEWS

મહિલા સાથેના આડા સંબંધમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી, ધારિયાથી માથું, હાથ-પગ કાપી બોરમાં નાખ્યા, ધડ જમીનમાં દાટ્યું, કચ્છનો ચોંકવાનારો બનાવ

  • December 09, 2025 06:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કચ્છના નખત્રાણામાં હાહાકાર મચાવી દે તેવી ઘટના સામે આવી છે. મુરૂ ગામનો 20 વર્ષનો યુવાન છ દિવસ પહેલા ગુમ થયો હતો. આથી પોલીસને શંકા જતા તેના મિત્રને ઉઠાવી લીધો હતો અને આગવી ઢબે પૂછપરછ કરતા વટાણા વેરી દીધા હતા. મિત્રએ કેફિયત આપી કે તેણે અન્ય એક સાથી સાથે મળી આ યુવાનને પતાવી દીધો હતો. યુવકના માથું અને હાથ-પગ કાપી બોરવેલમાં ફેંકી દીધા હતા. જ્યારે ધડને જમીનમાં દાટી દીધું હતું. આ સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. હત્યા કરવા પાછળનું કારણ મૃતક યુવાનના મહિલા સાથે આડાસંબંધ હોય મનદુખમાં મિત્રએ આ કૃત્ય કર્યાનું ખુલ્યું છે.


રમેશને એક મહિલા સાથે સંબંધ હતો

મળતી માહિતી મુજબ, 6 દિવસ અગાઉ નખત્રાણાના મુરૂ ગામનો 20 વર્ષીય રમેશ મહેશ્વરી નામનો યુવક ગુમ થયો હતો. જેને પગલે પોલીસે શોધખોળ શરૂ કરી હતી. રમેશના મિત્રો તેમજ અન્ય લોકો સાથે તેના સંબંધોની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન રમેશના મિત્ર પાસેથી રમેશનો મોબાઈલ ફોન પણ રિકવર કરવામાં આવ્યો હતો. રમેશ અને તેનો મિત્ર કિશોર મહેશ્વરી વચ્ચે એક મહિલા સાથેના સંબંધને લઈ વારંવાર ઝગડો થતો હતો. રમેશને એક મહિલા સાથે સંબંધ હતો તેની જાણ કિશોરને થઈ હતી. રમેશ મહેશ્વરીની મહિલા મિત્ર સાથે તેના જ મિત્ર કિશોરે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી તેની સાથે પણ સંબંધ રાખવાનું કહ્યું હતું, જે બાદ મહિલાએ રમેશને તેનો મિત્ર સંબંધ રાખવાનું દબાણ કરતો હોવાની વાત જણાવી હતી, જે બાબતે રમેશ અને કિશોર વચ્ચે બબાલ થઇ હતી.


કિશોરે રમશની હત્યા કરવા પ્લાન ઘડ્યો

આ વાતનું મનદુઃખ રાખી કિશોરે રમેશની હત્યા નીપજાવાનું નક્કી કર્યું હતું. હત્યાના પ્લાન મુજબ કિશોરે રમેશને પોતાની વાડી પર જમવા માટે બોલાવ્યો હતો, જ્યાં મહિલા બાબતની બંને વચ્ચે બબાલ શરૂ થઇ હતી ત્યારબાદ કિશોર મહેશ્વરી અને કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરવયના આરોપીએ કોઈ હથિયારથી વારંવાર ઘા મારી હત્યા રમેશની નીપજાવી હતી. બે ડિસેમ્બરના યુવક ગુમ થઇ જતા નખત્રાણા પોલીસે ગુમ નોંધ દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી હતી, એ દરમિયાન આરોપી કિશોર શંકાના દાયરામાં આવતા નખત્રાણા પોલીસે તેને ઉઠાવ્યો હતો. જેની પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી.​​​​​​​


હત્યા કર્યા બાદ લાશને સગેવગે કરવા શરીરના અંગો કાપી નાખ્યાં

પોલીસ સમક્ષ કિશોરે હત્યા કર્યા બાદ લાશને ક્યા સગેવગે કરી તે અંગે વિગતો આપતા જણાવ્યું કે, રમેશની હત્યા કર્યા બાદ પોલીસને લાશ અને કોઈ પૂરાવા ન મળે તે માટે સૌથી પહેલા કુહાડી અને ધારિયાની મદદથી રમેશનું માથું અલગ કરી નાખ્યું હતું. જે બાદ માથાને ખેતરના બોરવેલમાં નાખી દીધું હતું અને તેના પર પથ્થર નાખી દીધો હતો. જે બાદ રમેશના બન્ને હાથ અને પગ કાપી નાખ્યા હતા અને હાથ-પગને બીજા એક બોરવેલમાં નાખ્યા હતા. તેમજ રમેશના ચપ્પલને પણ તે બોરવેલમાં નાખી દીધા હતા.


અઢી ફૂટનો ખાડો ખોદી તેમાં ધડને દાટી દીધું

આ ઉપરાંત અન્ય એક બોરવેલમાં કુહાડી અને ધારિયું નાખ્યું હતું. ત્યા માટીમાં લોહી વહ્યુ હતું તે લોહી વાળી માટીને એક કૂવામાં નાખી દીધી હતી. આ ઉપરાંત ધડને પ્લાસ્ટીકમાં વિંટીને જમીનમાં અઢી ફૂટનો ખાડો ખોદીને તેમાં દાટી દીધું હતું. પોલીસ જ્યારે રમેશની શોધખોળ કરી રહી હતી, ત્યારે કિશોરે જ રમેશનો મોબાઈલ પોલીસને સોંપ્યો હતો અને પોલીસને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે કિશોરની કબૂલાત બાદ તમામ બોરવેલમાંથી શરિરના અંગોને જપ્ત કર્યા છે. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News