ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (જીએસઆરટીસી)ની સત્તાવાર મોબાઇલ એપ્લિકેશને ડિજિટલ બુકિંગના ક્ષેત્રે એક નવો અને ઐતિહાસિક વિક્રમ સર્જ્યો છે. રક્ષાબંધન જેવા આગામી તહેવારો અને રજાઓના માહોલ વચ્ચે ૨૬ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ મુસાફરોએ જીએસઆરટીસી એપનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કર્યો હતો. આ દિવસે એક જ દિવસમાં વિક્રમજનક ૮૮,૬૨૬ ટિકિટોનું ઓનલાઇન બુકિંગ નોંધાયું હતું. જીએસઆરટીસી મોબાઇલ એપ લોન્ચ થયા પછી એક જ દિવસમાં નોંધાયેલું આ અત્યાર સુધીનું સૌથી વધુ ટિકિટ બુકિંગ છે.
આ અગાઉ એક દિવસમાં સૌથી વધુ બુકિંગ કરવાનો રેકોર્ડ ચોથી નવેમ્બર, ૨૦૨૪ના રોજ નોંધાયો હતો, ત્યારે ૮૫,૨૪૭ ટિકિટો બુક થઈ હતી. ગઈકાલના નવા રેકોર્ડે જૂના રેકોર્ડને ૩,૩૭૯ બુકિંગ (આશરે ચાર ટકા)ના વધારા સાથે પાછળ છોડી દીધો છે. આ ઉપરાંત, ૨૪ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ થયેલા ૮૫,૨૦૫ બુકિંગની સરખામણી કરવામાં આવે તો નવા રેકોર્ડમાં ૩,૪૨૧ ટિકિટોનો નોંધપાત્ર વધારો થયો છે.
જીએસઆરટીસી દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર, મોબાઇલ એપ પરથી એક દિવસમાં સૌથી વધુ બુકિંગ મેળવનાર 'ટોપ-૧૦' દિવસોમાં વર્ષ ૨૦૨૬ના બે દિવસોનો સમાવેશ થાય છે. ૨૬ ઓગસ્ટે ૮૮,૬૨૬ બુકિંગ સાથે પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે, જ્યારે ૨૫ ઓગસ્ટે ૭૬,૨૫૮ બુકિંગ સાથે આઠમું સ્થાન મેળવ્યું છે. ઉલ્લેખનીય છે કે ટોપ-૧૦ યાદીના બાકીના મોટા ભાગના રેકોર્ડ વર્ષ ૨૦૨૪ અને ૨૦૨૫ના તહેવારી સમયગાળા દરમિયાન બનેલા છે, જે દર્શાવે છે કે તહેવારોમાં મુસાફરો ઓનલાઇન માધ્યમ વધારે પસંદ કરે છે.
રક્ષાબંધન સહિતના તહેવારોમાં મુસાફરી દરમિયાન એડવાન્સ રિઝર્વેશનની સુવિધાના કારણે બસ સ્ટેશનો પર લાંબી લાઈનોમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ મળે છે. જીએસઆરટીસી તેની ઓનલાઇન અને મોબાઇલ સિસ્ટમ દ્વારા પ્રીમિયમ તેમજ સામાન્ય સહિતની તમામ બસ સેવાઓ માટે સરળતાથી એડવાન્સ બુકિંગ કરવાની ક્ષમતા પૂરી પાડે છે. મુસાફરો ઘરબેઠા બસનો સમય, રૂટ અને પોતાની પસંદગીની સીટ પસંદ કરી શકે છે.
એક જ દિવસમાં ૮૮ હજારથી વધુ ટિકિટો માત્ર મોબાઇલ એપ મારફતે બુક થવી એ બાબત સાબિત કરે છે કે ગુજરાતના મુસાફરોમાં પરંપરાગત ટિકિટ બારીની સરખામણીએ ડિજિટલ સેવાઓ તરફનો ઝોક સતત વધી રહ્યો છે. જીએસઆરટીસીની આ ઓનલાઇન સિસ્ટમ મુસાફરો માટે માત્ર સુવિધાયુક્ત જ નથી બની, પરંતુ તે નિગમ માટે પણ સુચારૂ સંચાલનનું એક સશક્ત માધ્યમ બની રહી છે.