રાજકોટ મહાપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં ઢેબર રોડ અને ગોંડલ રોડને જોડતા રસ્તે આવેલા પી.ડી.માલવીયા કોલેજ સામેના રેલવે ફાટકને દૂર કરી ત્યાં આગળ અન્ડર પાસ બનાવવા ૨૦૨૧થી આયોજન અને તૈયારીઓ ચાલુ હતી, અહીં અન્ડર પાસ બનાવવો કે ઓવરબ્રિજ તે સહિતની બાબતો વિચારાધિન હતી અને આ માટેનો ડીપીઆર તેમજ ડિઝાઇન તૈયાર કરવા કન્સલ્ટન્ટ એજન્સીને કામ સોંપવામાં આવ્યું હતું. દરમિયાન હાલ ૨૦૨૫માં અહીં અન્ડર પાસ બનાવવા રાજ્ય સરકારના ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન (જીયુડીએમ) તરફથી સૈધ્ધાંતિક મંજૂરી મળી ગઇ છે. હવે આગળની કાર્યવાહી હાથ ધરવા મહાપાલિકા અને રેલવેના ઇજનેરોની એક મહત્વપૂર્ણ મિટિંગ મળી હતી.
વિશેષમાં મ્યુનિ.સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, જીયુડીએમ તરફથી સૈધ્ધાંતિક મંજૂરી મળી જતા પ્રોજેક્ટની આગળની કાર્યવાહી હાથ ધરવા માટે મહાપાલિકા અને રેલવેના અધિકારીઓની મિટિંગ મળી હતી, આ પ્રોજેક્ટમાં અંદાજે રૂ.પચાસેક કરોડનો ખર્ચ થાય તેમ છે જેની પચાસ ટકા રકમ રાજ્ય સરકાર આપશે, જ્યારે અન્ય પચાસ ટકા રકમ મહાપાલિકાએ ભોગવવાની રહે તેમ છે. દરમિયાન રેલવે ટ્રેકને ફાટક મુક્ત બનાવવા માટે રેલવે ડિપાર્ટમેન્ટનો પણ એક સ્વાયત્ત પ્રોજેક્ટ ચાલે છે અને તે પ્રોજેક્ટ અંતર્ગત રેલવે ડિપાર્ટમેન્ટ પણ આર્થિક સહયોગ આપે છે, આથી પી.ડી.માલવીયા ફાટકના અન્ડર પાસ પ્રોજેક્ટ માટે રેલવે આર્થિક સહયોગ આપે તે માટે મહાપાલિકાના ઇજનેરોએ આ મિટિંગમાં ચર્ચા કરી હતી તેમજ આ અંગે જીયુડીએમનો સર્ક્યુલર પણ રેલવે વિભાગને સુપ્રત કર્યો હતો. અલબત્ત રેલ્વે વિભાગે નિર્માણમાં આર્થિક સહયોગ આપવા કોઇ ખાતરી આપી ન હતી પરંતુ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ આ અંગે રજૂઆત કરશે અને એપ્રૂવલ મળશે તો સહયોગ કરશે તેવો પ્રત્યુતર આપ્યો હતો.
મ્યુનિ.સૂત્રોએ ઉમેર્યું હતું કે પીડીએમ ફાટક સતત ટ્રાફિકથી ધમધમતો અને બે મુખ્ય માર્ગોને જોડતા રસ્તે આવેલું હોય તેમજ અહીંથી અનેક એસટી બસોની અવરજવર હોય અહીં દસ્તુર માર્ગ જેવું નાનું નાલુ નહીં પરંતુ લક્ષ્મીનગર અને આમ્રપાલી અંડરપાસ જેવો અંદાજે ૭૦૦ મીટર લંબાઇ નો આધુનિક અંડરપાસ નિર્માણ કરવામાં આવશે. પ્રોજેક્ટની ફાઇનલ ડિઝાઇન તૈયાર થયા બાદ કેટલી મિલકતો કપાતમાં જશે તેનો સંપૂર્ણ ખ્યાલ આવશે, પરંતુ અગાઉ કરેલા કપાતના પ્રાથમિક સર્વે અનુસાર ઢેબર કોલોનીથી ગોપાલ નગર શેરી નં.૧ કોર્નર સુધીની અંદાજે ૬૦થી ૬૫ મિલકતો કપાતમાં જાય તેમ છે