ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સરકારી કચેરીઓ, કોર્ટ અને મહત્વની સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેલ મળવાનો સિલસિલો યથાવત છે. ત્યારે ગાંધીનગર જિલ્લા કોર્ટને ફરી એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં કોર્ટ પરિસરમાં ચકચાર મચી ગઈ હતી. ખાસ કરીને એક અઠવાડિયાની અંદર ગાંધીનગર કોર્ટને બીજી વખત ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે.
મળતી માહિતી મુજબ, ગાંધીનગર બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ લાલસિંહ ગોહિલના પર્સનલ ઈ-મેલ આઈડી પર ધમકીભર્યો ઈ-મેલ આવ્યો હતો. ઈ-મેલની જાણ થતાં જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. પોલીસની ટીમો તાત્કાલિક કોર્ટ પરિસરમાં પહોંચી હતી અને ડોગ સ્ક્વોડ સહિતની ટીમો દ્વારા કોર્ટ બિલ્ડિંગ તેમજ આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.
સાવચેતીના પગલારૂપે કોર્ટમાં પ્રેક્ટિસ માટે આવેલા વકીલો તેમજ પોતાના કેસના કામ માટે આવેલા પક્ષકારોને પરિસરની બહાર મોકલી દેવામાં આવ્યા હતા. કોર્ટની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ મળી આવી હોવાની માહિતી સામે આવી નથી.
પહેલા પણ મળી હતી ધમકી
ગાંધીનગર કોર્ટને અગાઉ પણ ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો. એક અઠવાડિયામાં બીજી વખત સમાન પ્રકારની ધમકી મળતાં કોર્ટ સાથે સંકળાયેલા વકીલો અને પક્ષકારોમાં ચિંતા સાથે રોષ જોવા મળી રહ્યો છે. વારંવાર આવી ધમકીઓથી કોર્ટનું સામાન્ય કામકાજ ખોરવાતું હોવાનો મત પણ વ્યક્ત થઈ રહ્યો છે.
મહાત્મા મંદિર-રાજકોટ કોર્ટ પણ નિશાન પર
ઉલ્લેખનીય છે કે મંગળવારે ગાંધીનગરના મહાત્મા મંદિર તેમજ રાજકોટ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેલ મળ્યા હતા. આ ઉપરાંત ચાર દિવસ પહેલાં ધમકીભર્યા ઈ-મેલ મોકલવાના મામલે ગુજરાત સાયબર ક્રાઇમે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમ છતાં ફરી કોર્ટને ધમકી મળતાં સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે.
હાલ નવા ઈ-મેલના ટેકનિકલ ડેટા, મોકલનારનું લોકેશન અને અગાઉ મળેલા ઈ-મેલ સાથેની કડી સહિતના મુદ્દે પોલીસ તથા સાયબર ક્રાઇમની ટીમો તપાસ કરી રહી છે. જવાબદાર સુધી પહોંચવા માટે ટેકનિકલ તપાસ તેજ કરવામાં આવી છે.