ધોરાજી અને વિંછીયા પંથકમાં એલ્યુમિનિયમ અને કોપર વાયર ચોરીને અંજામ આપતી આંતરજિલ્લા ગેંગને રૂરલ એલસીબી ટીમે ઝડપી લેતા ચાર ચોરીનો ભેદ ઉકેલાયા છે. પોલીસે એલ્યુમિનિયમ વાયર, બે વાહનો મળી કુલ રૂ. 9.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
રાજકોટ જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જર દ્વારા ચોરીના વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢી આરોપીઓને પકડી પાડવા સૂચના આપવામાં આવી હતી છે. જે સૂચના અનુસંધાને રાજકોટ રૂરલ એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એચ.સી. ગોહિલ તથા ટીમ વણશોધાયેલા ચોરીના ગુના શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ બાવળિયા, વાઘાભાઈ આલ, પ્રણયભાઈ સાવરીયા અને કોન્સ્ટેબલ મેહુલભાઈ સોનરાજને હ્યુમન સોર્સમાથી મળેલી બાતમીના આધારે વિંછીયા તાલુકાના મોટા માત્રા ગામ નજીકથી દેવરાજ ઉર્ફે નાનો અશોકભાઈ ઠક્કર (રહે.અંજાર, ગાંધીધામ, કચ્છ) અને હીરા ઉર્ફે પરસોત્તમ બાબુભાઈ વડેચા (રહે અંજાર, ગાંધીધામ,કચ્છ)ને 2360 કિલોગ્રામ એલ્યુમિનિયમ વાયર જેની કિંમત રૂ.4,38,960 ઉપરાંત બે અલગ અલગ વાહનો જેમાં અશોક લીલેન્ડ બડા દોસ્ત વાહન જેના નંબર જીજે-12-બીઝેડ-3726 અને બોલેરો પીકઅપ જેના નંબર જીજે-12-બીવી-5564 મા લઇ હેરફેર કરતા મળી આવતા કુલ રૂ. 9,50,160 ના મુદ્દામાલ સાથે પકડી બંને શખસોની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી હતી.
પૂછપરછ દરમિયાન બંને શખસોએ કબુલાત આપી હતી કે, તેમણે રાજકોટ ગ્રામ્ય જિલ્લાના વિંછીયા અને ધોરાજી પંથકમાં ચાર એલ્યુમિનિયમ અને કોપર વાયર ચોરીને અંજામ આપ્યો છે. જેથી બંને પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ અલગ અલગ ચાર ચોરીના ગુનાનો એલસીબીની ટીમે ભેદ ઉકેલ્યો હતો.
વધુમાં ચોરીના ગુનામાં સંડોવાયેલ લાલા ગોરધનભાઈ ભોજયા (રહે. મોટા ભડલા, સાયલા, સુરેન્દ્રનગર), રૂડા ભચ્છુભાઈ ઠાકોર (હળવદ, મોરબી), દિનેશ ઠાકોર(રહે. અંજાર, ગાંધીધામ, કચ્છ) અને અજય ધનજીભાઈ કોળી (રહે. અંજાર, ગાંધીધામ, કચ્છ)નું નામ ખુલતા પોલીસે તસ્કર ટોળકીના અન્ય ચારેય શખસોની શોધખોળ શરૂ કરી હતી.તસ્કર ટોળકીના સૂત્રધાર લાલા ભોજયા વિરુદ્ધ કચ્છમાં ચોરી સહિતના સાત ગુના નોંધાઈ ચુક્યાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે.
આ કામગીરીમાં રાજકોટ રૂરલ એલસીબી પીઆઈ વી.વી. ઓડેદરા, પીએસઆઈ એચ.સી. ગોહિલ, આર વી ભીમાણી, એએસઆઈ બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, અમિતસિંહ જાડેજા, ઇન્દ્રસિંહ જાડેજા, જયવીરસિંહ રાણા, હેડ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ બાવળીયા, વાઘાભાઈ આલ, પ્રણયભાઈ સાવરીયા, હરેશભાઇ જોષી, અરવિંદસિંહ જાડેજા, કૌશિકભાઈ જોષી, રસિકભાઈ જમોડ, ઘનશ્યામસિંહ જાડેજા, કોન્સ્ટેબલ મેહુલભાઈ સોનરાજ, મહિપાલસિંહ ચુડાસમા, ભાવેશભાઈ મકવાણા, વિજયભાઈ સિંહાર, અનિરુદ્ધસિંહ જાડેજા અને દિલીપસિંહ જાડેજા રોકાયા હતા.
બેલડીએ આપેલી ચોરીની કબુલાત
બાર દિવસ પૂર્વે વિંછીયાના ગોરૈયા ગામમાં ખુલ્લા પ્લોટમાં રાખેલ એલ્યુમિનિયમ વાયરની ચોરીને અંજામ આપ્યો હતો. બે મહિના પૂર્વે વિંછીયાના અમરાપર ગામની સીમમાં ધાર ઉપર આવેલ પવનચક્કીના ટાવરમાંથી કોપર અને એલ્યુમિનિયમ વાયરની ચોરી, અઢી મહિના પૂર્વે ધોરાજીમાં મોટી પીપળીયા ગામની સીમમાં આવેલ એક ખેતરમાંથી એલ્યુમિનિયમ વાયરની ચોરી અને અઢી માસ પહેલા ધોરાજીના મોટી પરબડી ગામે ખેતરમાંથી એલ્યુમિનીયમ વાયરની ચોરીને અંજામ આપ્યો હતો.