BREAKING NEWS

જામનગરમાં નિયમો નેવે મૂકી મુખ્ય માર્ગો પર મૂકાયેલા ગેપ શહેરીજનો માટે આફત..!

  • December 17, 2025 01:32 PM 



જામનગરમાં નિયમો નેવે મૂકી મુખ્ય માર્ગો પર મૂકાયેલા ગેપ શહેરીજનો માટે આફત બન્યા છે. કારણ કે, શહેરમાં ટ્રાફીકથી વ્યસ્ત મુખ્ય માર્ગો પર ગેપમાં જંકશન ટુ જંકશન અને મેઇન રોડ ટુ ક્રોસીંગના માપદંડનો મનપાના સતાધીશોના ઇશારે ભંગ કુરવામાં આવ્યો છે કે કેમ તે સવાલ તપાસનો વિષય બન્યો છે. અણધડ ગેપથી શહેરીજનો ટ્રાફીક સમસ્યાથી પીડાઇ રહ્યા છે તો અકસ્માતનો ખતરો પણ ઝંળુબી રહ્યો છે. ત્યારે મુખ્ય માર્ગો પરના બીનજરૂરી ગેપ બુરવામાં ઇરાદાપૂર્વક આંખા આડા કાન કરવામાં આવી રહ્યા છે કે રાજકીય દબાણ કારણભૂત છે તે શહેરીજનોને સમજાતું નથી.


 જામનગરમાં ટ્રાફીકથી સતત ધમધમતા મુખ્ય માર્ગો પર આડેધડ ગેપના કારણે ટ્રાફીક સમસ્યા કેન્સરની જેમ વકરી છે.  ત્યારે આજકાલ દ્રારા ઝુંબેશ શરૂ કરી ગેપના કારણે માર્ગો પર ચકકાજામની સ્થિતિ સર્જાઇ રહી હોવાના તસ્વીર સાથેના અહેવાલ પ્રકાશીત કરવામાં આવી રહ્યા છે. જેમાં પ્રથમ શહેરના ટ્રાફીકથી ધમધમતા ખોડીયાર કોલોનીથી દિગ્જામ સર્કલ સુધીનો માર્ગ અને ત્યારબાદ પીએન માર્ગ પર અંબર સર્કલથી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ, શરૂ સેકશન રોડ, અન્નપૂર્ણા ચોકડીથી હાપા માર્કેટીંગ યાર્ડ અને ગુલાબનગર, જનતા ફાટક તથા સાધના કોલોનીથી લાલપુર બાયપાસ ચોકડી સુધીનો માર્ગ તથા પવનચકકીથી દિગ્વિજય પ્લોટ એટલે કે ઓશવાળ હોસ્પિટલ સુધીના માર્ગ પર ગેપની હારમાળાથી  દરરોજ ચકકાજામના વરવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જેના કારણે વાહનચાલકો ટ્રાફીકમાં અટવાતા સમય અને નાણાંનો વેડફાટ થતા ત્રાહીમામ પોકારી ગયા છે. બીનજરૂરી અને અણધડ ગેપમાં વાહનચાલકો છાશવારે ટર્ન લેતા હોય અકસ્માતનો ખતરો ઝંળુબી રહ્યો છે. આટલું જ નહીં શહેરીજનો ટ્રાફીક સમસ્યાથી રીતસર પીડાઇ રહ્યા છે. ત્યારે શહેરના અમુક મુખ્ય માર્ગો પર ગેપ બુરવામાં રાજકીય અડચણ પણ કારણભૂત હોવાનું સરેઆમ ચર્ચાઇ રહ્યું છે.

​​​​​​​


શહેરના ટ્રાફીકથી અતિ વ્યસ્ત માર્ગો પર ગેપ મુકવામાં માપદંડનો પણ ઉલાળીયો કરવામાં આવ્યાનું મનપાના અતરંગ સૂત્રોએ જણાવ્યું છે. કારણ કે, શહેરમાં ટ્રાફીકથી ધમધમતા મુખ્ય માર્ગો પર જંકશન ટુ જંકશન અને મેઇન રોડ ટુ ક્રોસીંગ હોય તે સ્થળે ગેપ મુકવાનો માપદંડ એટલે કે નિયમ છે. પરંતુ શહેરના મોટા ભાગના મુખ્ય માર્ગો પર ગેપ મૂકવામાં આ માપદંડનું પાલન કરવામાં ન કરવામાં આવ્યાની સ્થિતિ જોવા મળી છે. કારણ કે, અડધા કીમીના માર્ગમાં અધધ ૫ થી ૧૦ ગેપ મૂકવામાં આવ્યા છે. આટલું જ નહીં મુખ્ય માર્ગો પર કયાં અંતરે કેટલા ગેપ મૂકવા તે માટે સર્વે પણ કરવામાં આવે છે.


પરંતુ આ સર્વે કાગળ સુધી સીમીત રહી જાય છે. કારણ કે, શહેરમાં ટ્રાફીકથી વ્યસ્ત મુખ્ય માર્ગો પર ગેપ મૂકવાનો આખરી નિર્ણય કમીટીનો  હોય  જંકશન ટુ જંકશન અને મેઇન રોડ ટુ ક્રોસીંગના માપદંડનો મનપાના સતાધીશોના ઇશારે ભંગ કરવામાં આવી રહ્યાનું પણ અતરંગ સૂત્રોએ જણાવ્યું છે. ત્યારે શહેરમાં વસતીની સાથે વાહન વિસ્ફોટ થતા ટ્રાફીકની સમસ્યાએ માઝા મૂકી છે. આમ છતાં સમયની સાથે પરિવર્તનરૂપ પગલાં લઇ ગેપ બુરી ટ્રાફીક સમસ્યા હળવી કરવાની તસ્દી મહાનગરપાલીકા દ્રારા લેવામાં આવી રહી નથી. જેના કારણે ટ્રાફીક સમસ્યાનો ભોગ શહેરીજનો બની રહ્યા છે. બીજી બાજુ શહેરમાં દિવસભર ટ્રાફીકથી ધમધમતા મુખ્ય માર્ગો પર ગેપ બુરવામાં મનપા દ્રારા ઇરાદાપૂર્વક આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે કે રાજકીય દબાણ કારણભૂત છે તે સવાલ શહેરીજનોમાં જોરશોરથી ઉઠ્યો છે.


લાલબંગલા સર્કલથી જી.જી.હોસ્પિટલ અને ઇન્દીરા માર્ગ પર ક્રોસીંગમાં માપદંડનું પાલન

શહેરમાં ટ્રાફીકથી ધમધમતા મુખ્ય માર્ગો પર જંકશન ટુ જંકશન અને મેઇન રોડ ટુ ક્રોસીંગ પર ગેપ મૂકવાનો માપદંડ છેે. ત્યારે જામનગરમાં લાલબંગલા સર્કલથી જી.જી.હોસ્પિટલ અને ઇન્દીરા માર્ગ પર ગેપ મૂકવામાં આ માપદંડનું પાલન કરવામાં આવ્યું છે. જયારે અન્ય મુખ્ય માર્ગોમાં ગેપ મૂકવાના આ નિયમનો ઉલાળીયો કરાયો છે. શહેરમાં પંચેશ્ર્વર ટાવરથી નીકલંઠ મહાદેવ મંદીર અને ટાઉનહોલ સર્કલથી લાલબંગલા સર્કલ સુધી ફકત એક ગેપ મૂકવામાં આવ્યો છે. જે માપદંડ અનુસાર યોગ્ય છે. તો અન્ય માર્ગો પર ગેપ મૂકવાના આ માપદંડનો અમલ શા માટે નહીં તે સવાલ શહેરીજનોમાં ઉઠ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application