જામનગરમાં સતત ટ્રાફીકથી ધમધમતા ખોડીયાર કોલોનીથી દિગ્જામ સર્કલ તરફના અડધા કીમીના માર્ગમાં એક, બે નહીં ૧૦ ક્રોસીંગ એટલે કે ગેપથી રોજ ટ્રાફીકજામથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ગયા છે. આ સ્થિતિમાં શહેરના આવા જ દિવસભર ટ્રાફીકથી વ્યસ્ત પંડીત નહેરૂ માર્ગ પર અંબર સર્કલથી સેન્ટ આન્સ શાળા સુધી ગેપની હારામાળાથી રોજ આ માર્ગ પર ચકકાજામના દ્રશ્યો સામાન્ય બન્યા છે. જેના કારણે શહેરનો વિકાસ રૂધાઇ રહ્યો છે તો આ માર્ગ પર આવાગમનમાં વાહનચાલકો ભારે હાડમારીનો સામનો કરી રહ્યા છે તો માર્ગની બંને બાજુ દુકાન,ઓફીસ ધરાવતા લોકો ટ્રાફીકની સમસ્યાથી થાકી ગયા છે. આ સ્થિતિમાં જો ગેપ બુરવામાં આવે તો ટ્રાફીક સમસ્યા હળવી બનશે તેમાં બેમત નથી.
જામનગરમાં દિવસભર ટ્રાફીકથી ધમધમતા અને એરપોર્ટ તથા અન્ય સ્થળોએ જવા માટે પણ મહત્વના ખોડીયાર કોલોનીથી દિગ્જામ સર્કલ તરફતા ખૂબજ ટૂંકા માર્ગમાં ૧૦ ક્રોસીંગ એટલે કે ગેપના કારણે ટર્ન લઇ માર્ગની વચ્ચેથી વાહનોની આવાગમનથી આ માર્ગ પર ટ્રાફીક સમસ્યાએ માઝા મૂકી છે. ત્યારે ગેપ પુરવાથી આ સમસ્યાનું નિવારણ થઇ શકે છે. પરંતુ રાજકીય અડચણ અવરોધ બનતી હોવાનું સરેઆમ ચર્ચાઇ રહ્યું છે. આ સમસ્યાનો તસ્વીર સાથેનો અહેવાલ આજકાલ દ્રારા તા.૯ ડીસેમ્બરના પ્રસિઘ્ધ કરાયો હતો. ત્યારે શહેરના ટ્રાફીકથી અતિ વ્યસ્ત પંડીત નહેરૂ માર્ગ પર ગેપના કારણે ટ્રાફીક સમસ્યાએ માઝા મૂકી હોય આજકાલની ટીમ દ્રારા તેનો સર્વે કરાયો હતો. જેમાં આ માર્ગ પણ ગેપની હારમાળાના કારણે દિવસભર ટ્રાફીક જામના વરવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
કારણ કે, આ માર્ગ પર અંબર સર્કલથી જી.જી.હોસ્પિટલ તરફ જઇ ત્યારે એક બાજુ આવેલા મોટા શો-રૂમ પાસે પ્રથમ ગેપ આવે છે. આ ગેપમાંથી મોટરકાર સહીતના વાહનો માર્ગની બંને બાજુથી આવતા વાહનો ટર્ન લેતા હોય છાશવારે ટ્રાફીક જામ થતાં વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ગયા છે. બીજો ગેપ જી.જી.હોસ્પિટલ સામે હનુમાન ગેઇટ પોલીસ ચોકી પાસે છે. આ ગેપમાંથી સ્વસ્તિક સોસાયટી, પટેલકોલોનીથી જી.જી.તરફ આવતા વાહનો ટર્ન લેતા હોય દિવસભર સતત ચકકાજામ સર્જાતા આ સમસ્યા માથાનો દુ:ખાવો બની છે. નવાઇની વાત તો એ છે કે, જી.જી.હોસ્પિટલના દરવાજા સામે સર્કલ હોવા છતાં ત્યારબાદ તદન નજીક આ ગેપથી અનેક સવાલ ઉઠ્યા છે.
ત્યારબાદ જી.જી.હોસ્પિટલ સામેની દુકાનો પૂર્ણ થતાં ડેન્ટલ હોસ્પિટલ જવા માટે આ માર્ગ પર ગેપ આવે છે. આ ગેપમાં હીમંતનગર, ડેન્ટલ હોસ્પિટલ તથા અન્ય વિસ્તારોમાં રહેતા લોકો વાહનોનો ટર્ન લે છે. જેના કારણે આ ગેપમાં પણ દીવસભર ટ્રાફીકજામની સમસ્યા સામાન્ય બની છે. આથી જી.જી.હોસ્પિટલ સર્કલથી પટેલકોલોની, પંચવટી, રેલવે સ્ટેશન સહીતના વિસ્તારોમાં જતા વાહનચાલકોને ભારે હાડમારીનો સામનો કરવો પડે છે. બીજી આશ્ર્ચર્યની વાત એ છે કે, આ ગેપ પછી આ માર્ગ પર આવેલા પ્રતાપેશ્ર્વર મહાદેવ મંદીર સામે એટલે કે સેન્ટ ઝેવિયર્સ શાળા પાસેના માગમાં જવા માટે ગેપ રાખવામાં આવ્યો છે. ત્યારે શાળા છૂટે ત્યારે તથા દિવસમાં અન્ય સમય દરમ્યાન આ ગેપમાં પણ ટ્રાકીક સમસ્યા શીરદર્દ બની છે.
નવાઇની વાત તો એ છે કે, આ ગેપની તદન નજીક ડીકેવી સર્કલ આવેલું છે. આમ, ખોડીયાર કોલોનીથી દિગ્જામ સર્કલ સુધીના માર્ગની જેમ પીએન માર્ગ પર અંબર સર્કલથી સેન્ટ ઝેવીયર્સ સ્કૂલ સુધી ગેપની હારમાળાથી આ માર્ગ પર ટ્રાફીક સમસ્યાએ હદ વટાવતા વાહનચાલકો માટે આવાગમન દુષ્કર બન્યું છે. ત્યારે આ ગેપ બુરવામાં પણ શું રાજકીય ગ્રહણ નડી રહ્યું છે કે કેમ તે સવાલ શહેરીજનોમાં ઉઠ્યો છે.
કોમ્પ્લેકસના સેલર પાર્કીગ શોભાના ગાંઠીયા, નિયમોની અમલવારી કાગળ પર..
શહેરના પીએન માર્ગ પર અંબર સર્કલથી જી.જી.હોસ્પિટલ સુધી અનેક કોમ્પલેકસ આવેલા છે. જેમાં મોટા શો-રૂમ અને ઓફીસ આવેલી છે. આ કોમ્પલેકસમાં સેલર પાર્કીંગની સુવિધા છે. આમ છતાં શો-રૂમ અને ઓફીસોમાં આવતા લોકો પાર્કીંગના બદલે માર્ગો પર આડેધડ વાહનોના ખડકલા કરી દે છે. જેના કારણે ટ્રાફીક સમસ્યા બેવડાઇ રહી છે. નવાઇની વાત તો એ છે કે, આ માર્ગ પર જાહેર માર્ગો પર પાર્ક કરેલા વાહન ટોઇંગના નિયમની અમલવારી થતી નથી. જયારે શહેરના અમુક ચોકકસ વિસ્તારોમાં દીવસમાં કલાકે કલાકે વાહન ટોઇંગ કરવામાં આવતા હોય અનેક સવાલ ઉઠ્યા છે.
ઇમરજન્સી કેસમાં ૧૦૮ એમ્બ્યુલન્સ પણ ટ્રાફીકમાં અટવાઇ જાય છે.
શહેરમાં સતત ટ્રાફીકથી ધમધમતા પંડીત નહેરૂ માર્ગ પર ગેપના કારણે ચકકાજામની સમસ્યા રોજીંદી બની છે. અંબર સર્કલથી સેન્ટ ઝેવીયર્સ સ્કૂલ સુધી ગેપની હારમાળાથી મોટરકાર સહીતના વાહનો ટર્ન લેતા હોય આ માર્ગ પર ટ્રાફીક સમસ્યા કેન્સરની જેમ વકરતા ઇમરજન્સી કેસમાં ૧૦૮ એમ્બ્યુલન્સ પણ આ ટ્રાફીકમાં અટવાઇ જાય છે. ત્યારે ગેપના કારણે સર્જાતા ટ્રાફીકજામમાં ૧૦૮ એમ્બ્યુલન્સ અટવાતા હોસ્પિટલ લઇ જવામાં આવતા દર્દીને સમયસર સારવાર નહીં મળે અને તેનો જીવ જોખમમાં મૂકાશે તો જવાબદાર કોણ તે સવાલ પણ ઉઠ્યો છે.