જેતપુરના નવાગઢ વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરાના ઘરમાં ઘૂસી ગેરેજ સંચાલક શખસે તેના પર દુષ્કર્મ આચાર્ય હતું. જે અંગે સગીરાએ પરિવારજનોને વાત કર્યા બાદ આ મામલે જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી પિયુષ ખાનપરા સામે દુષ્કર્મ-પોકસો એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લઈ જરૂરી કાર્યવાહી કરી હતી.
સગીરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી
દુષ્કર્મના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જેતપુરમાં નવાગઢ વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરાના વાલી દ્વારા જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે જેતપુરમાં રહેતા પિયુષ ખાનપરાનું નામ આપ્યું છે. જે ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ, પોકસો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
સગીરાની એકલતાનો લાભ લઇ કુકર્મ કર્યું
ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ 17 વર્ષીય સગીરા ઘરે એકલી હતી. ત્યારે આરોપી પિયુષ ખાનપરા (રહે. જેતપુર) અહીં ધસી આવ્યો હતો અને સગીરાની એકલતાનો લાભ લઇ તેની સાથે બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું. સગીરા ગુમસૂમ રહેતી હોય દરમિયાન પરિવારજનોને શંકા જતા આ બાબતે તેને પૂછતા અંતે સગીરાએ પોતાના સાથે બનેલી આ ઘટનાની આપવીતી પરિવારજનોને જણાવતા પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. બાદમાં તેમણે આ મામલે ફરિયાદ નોંધાવાનું નક્કી કરી જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસે નરાધમને ઝડપી પાડ્યો
દુષ્કર્મ અને પોકસોના આ બનાવે લઇ પોલીસે તપાસ હાથ ધરી સગીરાના ઘરમાં ઘૂસી તેના પર દુષ્કર્મ આચારનાર આરોપી પિયુષ ખાનપરાને તાકીદે ઝડપી લીધો હતો. આરોપી જેતપુરમાં ગેરેજ ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.