ગુજરાતના આધારસ્તંભ સમાન અને મા અંબાની આરાધનાના મહાપર્વ નવરાત્રિને લઈને સમગ્ર રાજ્ય ઉત્સવના રંગે રંગાયું છે. રાજકોટ, અમદાવાદ, સુરત. વડોદરા સહિત રાજ્યના તમામ નાના-મોટા શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં મળીને આશરે 22 હજારથી વધુ સ્થળોએ ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સંસ્કૃતિ અને ભક્તિના આ મહાકુંભમાં ખેલૈયાઓ સુરક્ષિત વાતાવરણમાં ગરબે ઘૂમી શકે તે માટે ગુજરાત પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. સુરક્ષાની વ્યવસ્થાને સુનિશ્ચિત કરવા માટે રાજ્યના પોલીસ વડા જી. એસ. મલિકે તમામ જિલ્લાઓ અને શહેરોના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે એક અગત્યની હાઈલેવલ બેઠક યોજીને સુરક્ષા સંબંધી જરૂરી દિશાનિર્દેશો જાહેર કર્યા છે.
રાજ્યભરમાં યોજાનારા આયોજનોની વિગત જોઈએ તો ૩૭૦થી વધુ નામાંકિત પાર્ટી પ્લોટ, ૩,૦૦૦ જેટલા જાહેર ગરબા મંડળો તથા ૧૯,૦૦૦થી વધુ નાના-મોટા શેરી ગરબાનો સમાવેશ થાય છે. આટલા મોટા પાયે યોજાતા ઉત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે પોલીસે ત્રિ-સ્તરીય સુરક્ષા ચક્ર તૈયાર કર્યું છે. ગરબા સ્થળો પર પ્રવેશ અને નિકાસ દ્વાર (એન્ટ્રી-એક્ઝિટ ગેટ) પર સઘન ચેકિંગ, સીસીટીવી (CCTV) કેમેરાનું સતત મોનિટરિંગ અને મેટલ ડિટેક્ટરની સુવિધા ફરજિયાત બનાવવામાં આવી છે. મોટા આયોજનોમાં કોઈ નશાખોર કે અસામાજિક તત્વો પ્રવેશ ન કરે તે માટે બ્રેથ એનાલાઈઝરથી ચેકિંગ કરવાની કડક સૂચના આપવામાં આવી છે.
મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે. ગરબા સ્થળો અને આસપાસના રસ્તાઓ પર છેડતી કે અસભ્ય વર્તનની ઘટનાઓ રોકવા માટે વિશેષ 'શી-ટીમ' ને મેદાનમાં ઉતારવામાં આવી છે. આ મહિલા પોલીસકર્મીઓ માત્ર ગણવેશમાં જ નહીં, પરંતુ સાદા કપડાં તેમજ ટ્રેડિશનલ ચણિયાચોળી પહેરીને ખેલૈયાઓ વચ્ચે હાજર રહેશે. આ ગુપ્ત દેખરેખના કારણે કોઈ પણ અસામાજિક તત્વ અસભ્ય વર્તન કરવાનો પ્રયાસ કરશે તો તેના પર તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જેથી મહિલાઓ કોઈપણ ડર વિના નવરાત્રિનો આનંદ માણી શકે.
આધુનિક સમયમાં ડિજિટલ માધ્યમો દ્વારા શાંતિ ડહોળવાના પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે પણ પોલીસે ખાસ પ્લાનિંગ કર્યું છે. સોશિયલ મીડિયા પર કોઈ વ્યક્તિ કે જૂથ દ્વારા ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે તેવી કે વાંધાજનક પોસ્ટ મૂકીને વાતાવરણ ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં ન આવે તે માટે સાયબર ક્રાઈમ અને સ્પેશિયલ ટીમ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ચોવીસે કલાક વોચ રાખવામાં આવી રહી છે. જો કોઈ વ્યક્તિ વાંધાજનક સામગ્રી ફેલાવતી જણાશે તો તેની સામે વિલંબ કર્યા વિના તાત્કાલિક એફઆઈઆર (FIR) નોંધી કડક પગલાં ભરવામાં આવશે.
તહેવાર દરમિયાન વાહનવ્યવહાર સુચારૂ રહે અને નાગરિકોને સુગમતા રહે તે માટે પણ સઘન આયોજન કરાયું છે. સમગ્ર નવરાત્રિ દરમિયાન હોમગાર્ડ, સ્થાનિક પોલીસ અને ટ્રાફિક શાખાના હજારો જવાનોને રસ્તાઓ તથા ગરબા ગ્રાઉન્ડ્સની બહાર તૈનાત રાખવામાં આવશે. રાત્રિના સમયે ટ્રાફિક જામ ન થાય અને લોકો સુરક્ષિત રીતે પોતપોતાના ઘરે પહોંચી શકે તે માટે ટ્રાફિક વ્યવસ્થાનું સંચાલન સજ્જડ રખાશે. આમ, સમગ્ર રાજ્યમાં ભક્તિ, ઉલ્લાસ અને સુરક્ષાના ત્રિવેણી સંગમ સાથે નવરાત્રિ મહોત્સવની ઉજવણી માટે તંત્ર આખરી ઓપ આપી ચૂક્યું છે.