જ્યોર્જિયાની રાજધાની ત્બિલિસી (Tbilisi) માં ગુરુવારે એક ભીષણ ગેસ વિસ્ફોટની ઘટના બની છે. આ દુર્ઘટનામાં પાંચ માળની એક રહેણાંક ઇમારતનો મોટો ભાગ ધરાશાયી થઈ ગયો છે. મળતી માહિતી મુજબ, આ ગમખ્વાર અકસ્માતમાં એક બાળક સહિત ઓછામાં ઓછા છ લોકોના મોત નિપજ્યા છે.
અલ જઝીરાના અહેવાલ અનુસાર, આ વિસ્ફોટ ગુરુવારે સવારે શહેરના ઉપનગરીય પોનિચાલા (Ponichala) જિલ્લામાં થયો હતો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ઇમારતના બે ભાગો સંપૂર્ણપણે નાશ પામ્યા હતા, જેના કારણે અનેક રહેવાસીઓ કાટમાળ નીચે દબાઈ ગયા હતા.
બચાવ કામગીરી અને ચમત્કારિક બચાવ
જ્યોર્જિયાના ગૃહ પ્રધાન સુલ્ખાન તમાઝાશવિલીએ જણાવ્યું કે ઘટનાસ્થળે પહોંચેલી બચાવ ટીમોએ કાટમાળમાંથી છ મૃતદેહો બહાર કાઢ્યા છે. મૃતકોમાં એક નાનું બાળક પણ સામેલ છે. જોકે, આ દુર્ઘટના વચ્ચે એક રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. ત્રણ વર્ષની એક બાળકીને કાટમાળ નીચે અનેક કલાકો દબાઈ રહેવા છતાં ચમત્કારિક રીતે જીવતી બચાવી લેવામાં આવી છે.
જ્યોર્જિયન પબ્લિક બ્રોડકાસ્ટર (1TV) ના અહેવાલ મુજબ, બચાવી લેવાયેલી બાળકીને તાત્કાલિક ઇન્ગોરોક્વા યુનિવર્સિટી ક્લિનિકમાં દાખલ કરવામાં આવી હતી. ડોક્ટરોએ જણાવ્યું કે બાળકીની હાલત સ્થિર છે અને તેના મેડિકલ સ્કેનમાં કોઈ ગંભીર ઈજાઓ જોવા મળી નથી. આ ઉપરાંત, 11 વર્ષના એક અન્ય બાળકને પણ ઇન્ટેન્સીવ કેર (ICU) માં સારવાર આપવામાં આવી રહી છે, અને તેની સ્થિતિ પણ હાલમાં સુધારા પર છે. એએફપીના અહેવાલ મુજબ, મૃત્યુ પામેલી મહિલાઓમાંની એક તે ત્રણ વર્ષની બાળકીની માતા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગેસ કંપની અને તપાસ
સ્થાનિક ગેસ સપ્લાયર કંપની 'ત્બિલિસી એનર્જી' એ જણાવ્યું કે જે એપાર્ટમેન્ટમાં વિસ્ફોટ થવાની સંભાવના છે, તે કંપનીના રેકોર્ડમાં 'ખાલી' તરીકે નોંધાયેલું હતું. છેલ્લા એક વર્ષથી ત્યાં ગેસનો કોઈ જ વપરાશ થયો ન હતો. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે હાલની પરિસ્થિતિને જોતા તેઓ હજુ સુધી ક્ષતિગ્રસ્ત સ્થળનું નિરીક્ષણ કરી શક્યા નથી.
ઇમારતના માળખાની તપાસ કર્યા બાદ ત્બિલિસીના મેયર કાખા કલાડ્જેએ જણાવ્યું કે, અકસ્માત બાદ ઇમારતના બે ભાગોને 'અસુરક્ષિત' જાહેર કરવામાં આવ્યા છે. સાવચેતીના ભાગરૂપે, આ આખી ઇમારતમાં રહેતા કુલ 28 પરિવારો, જેમાં 100 થી વધુ લોકોનો સમાવેશ થાય છે, તેમને હાલ પૂરતા હોટલમાં ખસેડવામાં આવી રહ્યા છે.
આ ઘટનાની ગંભીરતાને જોતા, પ્રોસિક્યુટર લેવન વેપખવાद्જેએ જાહેરાત કરી છે કે અધિકારીઓએ સુરક્ષા નિયમોના સંભવિત ઉલ્લંઘનને ધ્યાનમાં રાખીને એક ફોજદારી તપાસ શરૂ કરી દીધી છે.