BREAKING NEWS

સૂકા ઘાસચારાની સહાય મેળવવા ગૌશાળા સંચાલકોની દોડધામ યથાવત

  • September 18, 2026 02:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લામાં ઓછા વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પશુઓ માટે ઘાસચારાની અછતની સ્થિતિ ઊભી થઈ રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે વિવિધ ગૌશાળાઓના સંચાલકો દ્વારા સૂકા ઘાસચારાની સહાય મેળવવા માટેની દોડધામ યથાવત જોવા મળી રહી છે. આજે ફરી એકવાર ગૌશાળાના સંચાલકો દ્વારા રાજકોટ જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી પશુઓના નિભાવ માટે તાત્કાલિક મદદ કરવાની માંગ કરવામાં આવી હતી.ગૌશાળા સંચાલકોના જણાવ્યા મુજબ, વરસાદની અછતના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓ માટે લીલો તેમજ સૂકો ઘાસચારો મેળવવો મુશ્કેલ બની રહ્યો છે. બીજી તરફ ઘાસચારાના ભાવમાં પણ વધારો થતાં ગૌશાળાઓ માટે મોટી સંખ્યામાં પશુઓનું ભરણપોષણ કરવું આર્થિક રીતે પડકારરૂપ બની રહ્યું છે. ગૌશાળાઓમાં આશ્રિત પશુઓને પૂરતા પ્રમાણમાં ઘાસચારો મળી રહે તે માટે સરકાર તરફથી સહાય અને વહીવટી તંત્રની તાત્કાલિક મદદ જરૂરી હોવાનું સંચાલકોએ રજૂઆતમાં જણાવ્યું હતું. રાજકોટ જિલ્લામાં આશરે ૧૮૫ ગૌશાળાઓ અને પાંજરાપોળોમાં મોટી સંખ્યામાં ગૌવંશ સહિતના પશુઓ આશ્રિત છે. હાલમાં સર્જાયેલી પરિસ્થિતિ લાંબી ચાલે તો પશુઓના નિભાવની મુશ્કેલી વધુ ગંભીર બની શકે તેવી ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે. જેથી સરકાર દ્વારા સૂકા ઘાસચારાની સહાયની પ્રક્રિયા સરળ બનાવી ઝડપથી લાભ આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. તેમજ ગૌશાળાઓ સુધી સમયસર ઘાસચારો કે તેની સહાય પહોંચે તે માટે તંત્ર દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવે. પશુઓના હિતમાં આ મુદ્દે સંવેદનશીલતા દાખવી વહેલી તકે નિર્ણય કરવામાં આવે તેવી માંગ સાથે સંચાલકોએ મદદ માટે પોકાર કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application