રાજકોટ શહેરમાં મચ્છરોના ઉપદ્રવ અને ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા સહિતના રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે મહાનગરપાલિકાએ કાયદાકીય જોગવાઈઓ વધુ કડક બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન જયરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં તૈયાર કરવામાં આવેલી ચારેય દરખાસ્તોને આજે મળેલી મહાનગરપાલિકાની સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે. જેમાં વર્ષ 1983ના જૂના બાયલોઝ રદ કરી નવા વાહકજન્ય રોગવાહક મચ્છર તથા અન્ય જીવાતોના નિયંત્રણ અને નિવારણ અંગેના બાયલોઝ-2026ને મંજૂરી આપવાનો મહત્વપૂર્ણ ઠરાવ કરવામાં આવ્યો હતો.
નવા બાયલોઝમાં મચ્છરોની ઉત્પત્તિ અટકાવવામાં બેદરકારી દાખવનારાઓ સામે રૂ. 20 હજાર સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. જૂના બાયલોઝમાં માત્ર રૂ. 500 સુધીના દંડની જોગવાઈ હતી. હવે પ્રથમ વખત નિયમભંગ બદલ રૂ. 2 હજાર, બીજી વખત રૂ. 5 હજાર અને ત્રીજી કે વારંવાર નિયમભંગ બદલ રૂ. 10 હજાર સુધીનો દંડ થઈ શકશે. અન્ય જોગવાઈઓના ભંગ બદલ રૂ. 20 હજાર સુધીના દંડની જોગવાઈને પણ સામાન્ય સભાએ મંજૂરી આપી છે.
રાજકોટ મહાનગરપાલિકાએ વર્ષ 1983માં મચ્છરો અને અન્ય જીવાતોના નિયંત્રણ માટે બાયલોઝ બનાવ્યા હતા, જેને રાજ્ય સરકારે વર્ષ 1985માં મંજૂરી આપી હતી. જોકે, છેલ્લા ચાર દાયકામાં રાજકોટ શહેરનો વિસ્તાર વધવાની સાથે બહુમાળી ઇમારતો, બાંધકામ સાઇટો, બેઝમેન્ટ, ખુલ્લા પ્લોટ અને ભંગારના વાડાઓમાં પાણીના ભરાવાને કારણે મચ્છરોની ઉત્પત્તિના સ્થળો વધ્યા છે. જૂના નિયમો હાલની શહેરી પરિસ્થિતિને પહોંચી વળવા અપૂરતા બનતા નવા બાયલોઝ તૈયાર કરવામાં આવ્યા હતા.
કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન જયરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં નવા બાયલોઝ અંગે વિસ્તૃત વિચારણા કરવામાં આવી હતી. સમિતિએ મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે કડક જોગવાઈઓ સાથેના નવા નિયમોને મંજૂરી આપી સામાન્ય સભાને ભલામણ કરી હતી. આજે સામાન્ય સભાએ આ ભલામણને સર્વાનુમતે સ્વીકારી લીધી છે.
નવા બાયલોઝ હેઠળ રહેણાંક મકાનો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, ઔદ્યોગિક એકમો, બાંધકામ સાઇટો, ખુલ્લા પ્લોટ, ભંગારના વાડા, પાણીની ટાંકીઓ, અગાશીઓ અને બેઝમેન્ટ સહિતના સ્થળોએ મચ્છરોની ઉત્પત્તિ અટકાવવાની જવાબદારી સંબંધિત મિલકત માલિકો અને કબજેદારોની રહેશે. બિલ્ડરો, કોન્ટ્રાક્ટરો અને સોસાયટીના સંચાલકો માટે પણ વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે.
નોટિસ આપ્યા બાદ પણ નિયમભંગ ચાલુ રહે તો દરરોજ રૂ. 200 સુધીની વધારાની શિક્ષા થઈ શકશે. વારંવાર નિયમભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવાની જોગવાઈઓને પણ મંજૂરી આપવામાં આવી છે.
જેટલી વખત મચ્છર મળે તેટલી વખત દંડ વધશે
પ્રથમ વખત નિયમભંગ : રૂ. 2,000 સુધી
બીજી વખત નિયમભંગ : રૂ. 5,000 સુધી
ત્રીજી કે વારંવાર નિયમભંગ : રૂ. 10,000 સુધી
અન્ય જોગવાઈના ભંગ બદલ : રૂ. 20,000 સુધી
નોટિસ છતાં નિયમભંગ ચાલુ રહે તો : દરરોજ રૂ. 200 સુધી