જૂનાગઢમાં દર વર્ષે દેવ દિવાળીએ યોજાતી ગિરનારની લીલી પરિક્રમાં આ વર્ષે કમોસમી વરસાદને કારણે મોકૂફ રાખવામાં આવી છે. ભારે વરસાદથી પરિક્રમાનો રૂટ ધોવાઈ ગયો છે અને ઠેર ઠેર કાદવ-કીચડના થર જામી ગયા છે. જેનાથી પરિક્રમામાં આવતા ભાવિકોને ભારે મુશ્કેલી પડે શકે તેમ હતી. આથી જુનાગઢ વહીવટી તંત્ર અને સાધુ-સંતોએ આ વર્ષે કોઈ ભાવિક મુશ્કેલીમાં ન મુકાય તે માટે પરિક્રમા મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે પરંપરા તૂટે નહીં તે માટે ગતરાત્રે પરિક્રમાનું મુહૂર્ત કરી આજે સવારે મર્યાદિત સંખ્યામાં સાધુ-સંતોએ પ્રતિકાત્મક પરિક્રમાનો પ્રારંભ કર્યો છે.
આ પ્રતિકાત્મક પરિક્રમામાં મર્યાદિત સંખ્યામાં સંતો-મહંતો, ઉતારા મંડળના આગેવાનો જોડાયા છે. સાથે એસડીઆરએફ, આરોગ્ય, વન અને પોલીસની ટીમ પણ જોડાઈ છે. આ પ્રતિકાત્મક પરિક્રમાં આજે સાંજે પૂર્ણ કરવામાં આવશે. જેનાથી પરંપરા પણ જળવાઈ રહે. મોડીરાતે 'હર હર મહાદેવ' અને 'જય ગિરનારી'ના નાદથી ગિરનારનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. પરિક્રમા રદ કરાઈ હોવા છતાં મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો ગિરનાર તળેટીએ જોવા મળી રહ્યો છે.

પરિક્રમાનું ધાર્મિક મહત્ત્વ અને મુહૂર્ત જાળવવા માટે રાત્રે 12 વાગ્યે ભવનાથ તળેટી સ્થિત રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ પ્રવેશદ્વારથી વિધિવત રીતે પ્રારંભ કરાયો હતો. પરંપરા મુજબ સૌપ્રથમ ભગવાન ગુરુ દત્તાત્રેયનું પૂજન કરવામાં આવ્યું હતું. બાદમાં દિપ પ્રાગટ્ય કરી અને શ્રીફળ વધેરીને શુભ મુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સમગ્ર વિધિ દરમિયાન 'હર હર મહાદેવ' અને 'જય ગિરનારી'ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

આ પ્રસંગે સાધુ-સંતો, કલેકટર, કમિશનર અને અલગ વિભાગના અધિકારીઓ-પદાધિકારીઓની ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં ગિરનાર તીર્થક્ષેત્રના શેરનાથ બાપુ, ઇન્દ્રભારતી બાપુ, મહેન્દ્રાનંદગીરી બાપુ, શૈલજા દેવી માતાજી, કિન્નર અખાડા અને સાધુ-સંતો ઉપસ્થિત રહ્યાં હતાં.