BREAKING NEWS

રાજકોટમાં છરીની અણીએ સોનાની લગડીની લૂંટ, ધનતેરસ ટાણે જ લૂંટારા બેફામ બનતા સોની બજારમાં ફફડાટ

  • November 05, 2026 11:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટની સોની બજારમાં તહેવારોની ખરીદી માટે લોકોની ભીડ વચ્ચે રાતના સમયે છરીની અણીએ આશરે રૂ.4 લાખની સોનાની લગડીની લૂંટની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો હતો. માંડવી ચોકથી કોઠારીયા ચોકી સામે સોનાની લગડી પહોંચાડવા નીકળેલા કારીગરને રસ્તામાં રોકી એક શખસે એક્ટિવામાં લિફ્ટ માગવાના બહાને પાછળ બેસી ચાકુ બતાવી ધમકી આપી લગડી લૂંટી લીધી હતી. બનાવને પગલે એ.ડિવિઝન પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ અને એલસીબીની ટીમે તપાસ હાથ ધરી લુંટારૂને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે.


બનાવ અંગે મૂળ રાજસ્થાનના અને હાલ માંડવી ચોક પાસે જુઠા દોષીની શેરીમાં બાલાજી તારવાળાની દુકાનમાં રહેતા સચિન મુલારામ મીણા (ઉ.વ.19)એ અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.


ફરિયાદમાં જણાવ્યા મુજબ, સચિન ઓળખીતા ઉમેદારામ હીરારામ ચૌહાણ સાથે રહી સોનીકામની મજૂરી કરે છે. ગઈકાલે તેના શેઠ ઉમેદારામે સોનાની તારની લગડી તૈયાર કરાવવા માટે આશરે 43 ગ્રામ ફાઇન સોનું નિર્મલભાઈ પરમાર પાસેથી કોઠારીયા ચોકી સામેની દુકાનેથી મંગાવ્યું હતું. આથી સચિન રાતે આઠેક વાગ્યે શેઠની એક્ટિવા નં. જીજે 03 પીબી 7506 લઈને સોનું લેવા ગયો હતો.


ત્યારબાદ સોનાની તારની લગડી તૈયાર થતાં રાતે સાડા નવેક વાગ્યે તેને પહોંચાડવા જવાનું કહેવામાં આવ્યું હતું. સચિન 43 ગ્રામની લગડી પેન્ટના ડાબા ખિસ્સામાં રાખી એક્ટિવા લઈને નીકળ્યો હતો. દુકાનથી આશરે પચાસ ફૂટ આગળ પહોંચતાં જ એક અજાણ્યો શખસ તેની એક્ટિવા સામે આવ્યો હતો અને હિન્દીમાં 'મુઝે પેર મેં ચોટ લગી હે, આગે તક છોડ દે' કહી પાછળ બેસી ગયો હતો.


થોડે આગળ જતાં જ શખસે ચિલ્લાયા તો ચાકુ લગા દુંગા કહી ધમકી આપી હતી. તેના જમણા હાથમાં રૂમાલમાં વીંટાળેલું અણીદાર હથિયાર હોવાનું જણાવી સચિનને ગાડી આગળ ચલાવવા મજબૂર કર્યો હતો. બાદમાં માંડવી ચોકના ઢાળિયા પાસે એક્ટિવા ઊભી રખાવી સચિનના પેન્ટના ડાબા ખિસ્સામાંથી સોનાની લગડી કાઢી લીધી હતી. આસોપાલવ જવેલર્સ સામે એક્ટિવા ઊભી રખાવી આરોપીએ પાછળ ન આવવાની ધમકી આપી ઢાળિયા તરફ ચાલતો ચાલતો નાસી ગયો હતો.

બાદમાં થોડે આગળ જઇ સચિને શેઠ ઉમેદારામને ફોન કરી બોલાવ્યા હતા અને ત્યારબાદ પોલીસને જાણ કરી હતી. ફરિયાદ મુજબ લૂંટાયેલી 43 ગ્રામ, 16 કેરેટની સોનાની લગડીની કિંમત આશરે રૂ.4 લાખ હતી.

લૂંટની ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ એ.ડિવિઝન પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને એલસીબીની ટીમોએ સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ફરિયાદીની પણ ઉલટતપાસ કરવામાં આવી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ લૂંટ ચલાવનાર શખસ નજીકમાં જ હોવાનું અને ટૂંક સમયમાં મુદ્દામાલ રિકવર થવાની શક્યતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application