રાજકોટમાં સોની વેપારી સાથે પાડોશીની રૂ. 15.81 લાખની ઠગાઈ

  • April 28, 2025 03:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રણછોડનગરમાં રહેતા અને સોની બજારમાં દુકાન ધરાવનાર વ્હોરા વેપારી પાસેથી પાડોશી શખસ કલાકમાં આરટીજીએસટી પેમેન્ટ કરવાનું કહી સોનાના બે બિસ્કીટ લઈ ગયો હતો. બાદમાં તેણે ફોન સ્વીચ ઓફ કરી દીધો હોય ઘરેથી પણ લાપતા બન્યો હોય વેપારીએ આ શખસ વિરુદ્ધ રૂ. 15.81 લાખની છેતરપિંડી કર્યા આ અંગે ફરિયાદ નોંધાવી છે.


શહેરના રણછોડનગર શેરી નંબર 16/4 ના ખૂણે અમર એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે બ્લોક નંબર 303 માં રહેત વેપારી હુસેનભાઇ સુલેમાનભાઈ જરીવાલા (ઉ.વ 37) દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે રણછોડનગર ડ્રીમ એપાર્ટમેન્ટમાં રહેતા યુસુફ જાકીરભાઇ કપાસીનું નામ આપ્યું છે.


વેપારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ સોની બજારમાં માંડવી ચોકમાં મોદી શેરીમાં જરીવાલા રિફાઇનરી નામની દુકાન ચલાવે છે. અહીં સોનુ ચાંદી ગાળવાનું કામ કરે છે. અહીં તે તથા તેમના પિતા સુલેમાનભાઈ બેસે છે અને રાજુભાઈ કારીયા નામનો વ્યક્તિ અહીં કામ કરે છે. વેપારી જયા રહે છે તેની બાજુમાં જ આરોપી યુસુફ પાસે રહેતો હોય જેથી તેમને વર્ષોથી ઓળખે છે. આ યુસુફ વેપારી તથા તેના પિતાને જ્યારે મળતો ત્યારે પોતે મોટો વેપારી છે તેવી વાતો કરતો હતો.


ગઇ તા. 15-10-2024 ના સાંજના 06:00 વાગ્યા આસપાસ વેપારી પોતાની દુકાને હતા ત્યારે યુસુફ અહીં દુકાને આવ્યો હતો અને કહ્યું હતું કે, રોકાણ માટે બે સોનાના બિસ્કીટ લેવા છે તમે મને અત્યારે બે 100 ગ્રામ ના બિસ્કીટ આપો હું તમને એક કલાકમાં આરટીજીએસથી રૂપિયા તમારા ખાતામાં ટ્રાન્સફર કરી આપીશ. યુસુફ મોટો વેપારી હોય અને મોટો બિઝનેસ કરતો હોય તેવી અવારનવાર વાતો કરતો હોવાથી વેપારીએ તેમના પર વિશ્વાસ કરી તેમને રૂપિયા 15,81,998 ની કિંમતના બે સોનાના બિસ્કીટ આપ્યા હતા. યુસુફે વેપારીની પેઢીની બેંક ડીટેલ લઈ હું તમને રૂપિયા આરટીજીએસ કરી આપીશ તેમ કહ્યું હતું. એક કલાક થવા છતાં રૂપિયા ટ્રાન્સફર ન થતા ફોન કરતા હમણાં પૈસા નાખું છું તેવી વાત કરી હતી. ત્યારબાદ ફરી કોલ કરતા તે બહાના આપવા લાગ્યો હતો.


રાત્રિના આશરે આઠેક વાગ્યે વેપારીએ ફોન કરતા તેનો ફોન બંધ આવતો હતો તેના ઘરે જતા ઘર બંધ હતું. બાદમાં રજપૂતપરામાં મોહમ સન્સ નામની એલ્યુમિનિયમ સેક્શનની તેની દુકાને જતા તે અહીં પણ મળી આવ્યો ન હતો તેમના દીકરાના ઘરે તથા તેની દુકાને જઈ તપાસ કરવા છતાં યુસુફનો સંપર્ક થયો ન હતો. જેથી વેપારીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં તેમણે આ અંગે પ્રથમ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. ત્યારબાદ પોતાની સાથે થયેલી રૂપિયા 15.81 લાખની છેતરપિંડી અંગે આ ફરિયાદ નોંધાવતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application