ગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર

  • June 16, 2025 09:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં છેલ્લા બે દિવસથી જામી રહેલા વરસાદી માહોલે આજે અનેક જિલ્લાઓમાં મેઘતાંડવ સર્જ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને જૂનાગઢમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, જ્યાં નદીઓ ગાંડીતૂર બનીને વહી રહી છે.


સૌરાષ્ટ્રમાં સ્થિતિ ગંભીર:

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનું તલગાજરડા ગામ સંપર્કવિહોણું બની ગયું હતું, જ્યાં કેડ સમા પાણી ભરાયા હતા. વરસાદના કારણે એક શાળામાં વિદ્યાર્થીઓ ફસાયા હતા, જેમને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. ભાવનગરના જેસરમાં આજે સૌથી વધુ સવા 10 ઇંચ (આશરે 260 મિ.મી.) વરસાદ ખાબક્યો હતો, જેણે તંત્ર અને સ્થાનિકોની ચિંતા વધારી છે.

સવારે 6 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધીનો વરસાદ

જિલ્લા            તાલુકા          વરસાદ (ઈંચ)
ભાવનગર       પાલિતાણા       11.26
ભાવનગર       જેસર              10.47
ભાવનગર       સિહોર            10.08
અમરેલી         સાવરકુંડલા      9.09
ભાવનગર       મહુવા             8.86
અમરેલી         રાજુલા            7.4
ભાવનગર       ઉમરાલા          6.34
અમરેલી         અમરેલી          5.91
ભાવનગર       તળાજા            5.75
અમરેલી         લિલિયા           5.43


અમદાવાદમાં પણ અનરાધાર:
સાંજે અમદાવાદ શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના પગલે નીચાણવાળા વિસ્તારો અને અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહનવ્યવહારને અસર થઈ હતી. અમદાવાદ શહેરમાં બે કલાકમાં સરેરાશ દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા એક કલાકમાં સરખેજ, એસજી હાઇવે, મકરબા, બોપલ ઘુમા, શેલા, સાયન્સ સીટી, પાલડી, એલિસબ્રિજ, બોડકદેવ વિસ્તારમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.


હવામાન વિભાગની આગાહી અને એલર્ટ:

હવામાન વિભાગે આગામી ત્રણ કલાક એટલે કે રાત્રે 7 થી 10 વાગ્યા સુધી માટે રાજ્યમાં વરસાદની તીવ્રતા અંગે ખાસ આગાહી કરી છે:


રેડ એલર્ટ (ભારે વરસાદ): મહિસાગર, ખેડા, આણંદ, છોટા ઉદેપુર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી. આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે.


ઓરેન્જ એલર્ટ (મધ્યમ વરસાદ):
બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ.


યલો એલર્ટ (હળવો વરસાદ):
તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદર અને નગરહવેલીના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News