જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલ જુની આરામ કોલોનીમાં રહેતી તામીલનાડુના વતનીના મકાનમાં ત્રાટકેલા તસ્કરો ૬ લાખની કિંમતના દાગીના ચોરી કરી ગયા છે આ અંગે ફરીયાદ કરવામાં આવતા પોલીસ દ્વારા સીસી ફુટેજ ચકાસવા સહિતની તપાસ લંબાવવામાં આવી છે. આજે પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઇ હતી અને એફએસએલની મદદથી તપાસ હાથ ધરી હતી.
જામનગર શહેરમાં ઘરફોડ ચોરી ઉપરાંત વાહનચોરીના બનાવો સામે આવ્યા છે તાજેતરના બનાવોમાં ભેદ ઉકેલી નાખવામાં આવ્યા છે દરમ્યાન મુળ તમીલનાડુના ત્રિચલાપરીના વતની અને હાલ જામનગર ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલ જુની આરામ કોલોની ખાતે રહેતા ખાનગી નોકરી કરતા મરીય મેલવીન એ. મદ્રાસી ના મકાનના પાછલા દરવાજાનું નીચેનુ લાકડુ તોડીને ગઇકાલે કોઇ અજાણ્યા શખ્સોએ અંદર ગેરકાયદે પ્રવેશ કર્યો હતો.
ઘરમાં ત્રાટકેલા શખ્સો હેન્ડબેગમાં રાખેલ સોનાના દાગીના ૨૪ તોલા, ૪ ગ્રામ તેમજ પેડલ સહિતની ડાયમંડની બુટી મળી ૬.૦૧ લાખની ચોરી કરી ગયા છે આ અંગેની જાણ થતા મરીય મેલવીન દ્વારા સીટી-સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંધાવવામાં આવી છે.
આ ફરીયાદના આધારે સીટી-સી પીઆઇ એન.બી. ડાભીના સીધા માર્ગદર્શન હેઠળ પીએસઆઇ સહિતની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ ટુકડી બનાવના પગલે ઘટના સ્થળે દોડી ગઇ હતી, અને ડોગ સ્કવોડ તથા એફએસએલની મદદ લેવામાં આવી છે ઉપરાંત આ વિસ્તારના સીસી કેમેરા ચેક કરવામાં આવી રહયા છે. અને પોલીસ દ્વારા તપાસની કાર્યવાહી આગળ ધપાવી છે.