અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર વધતા તણાવ અને સામ-સામે હુમલાઓના અહેવાલોને કારણે વૈશ્વિક નાણાકીય બજારોમાં અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જાયું છે. આ ભૂરાજકીય પરિસ્થિતિની સીધી અસર શેરબજાર, કોમોડિટી માર્કેટ તેમજ ક્રૂડ ઓઈલના ભાવો પર જોવા મળી રહી છે. રોકાણકારોમાં વધેલી ચિંતાને કારણે વિવિધ બજારોમાં ભારે અસ્થિરતા નોંધાઈ રહી છે.
કિંમતી ધાતુઓના બજારમાં આજે નોંધપાત્ર ઉથલપાથલ જોવા મળી હતી. સામાન્ય રીતે વૈશ્વિક તણાવની સ્થિતિમાં રોકાણકારો સોનાને સુરક્ષિત રોકાણ તરીકે પસંદ કરતા હોય છે, પરંતુ આજે વાયદા બજારમાં સોનાના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો હતો. ગઈકાલે સોનું 1,48,017 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે બંધ થયું હતું. આજે બજાર ખુલતાં જ સોનું 1,46,518 રૂપિયાએ ખુલ્યું હતું અને ત્યારબાદ વધુ ઘટાડા સાથે 1,46,444 રૂપિયાના સ્તરે પહોંચી ગયું હતું. આ પ્રમાણે સોનાના ભાવમાં બજાર ખુલતાની સાથે જ લગભગ 1,573 રૂપિયાનો કડાકો નોંધાયો હતો.
ચાંદીના બજારમાં પણ સમાન સ્થિતિ જોવા મળી હતી. ગઈકાલે ચાંદી 2,35,505 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે બંધ થઈ હતી. આજે તે 2,31,671 રૂપિયાએ ખુલ્યા બાદ સતત દબાણ હેઠળ રહી હતી. દિવસ દરમિયાન ચાંદીનો ભાવ ઘટીને 2,30,493 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. આમ, ચાંદીના ભાવમાં એક જ દિવસમાં લગભગ 5,012 રૂપિયાનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.
બજાર નિષ્ણાતોના જણાવ્યા અનુસાર અમેરિકા અને ઈરાન વચ્ચે વધતી તંગદિલી વૈશ્વિક અર્થતંત્ર માટે ચિંતાજનક બની શકે છે. જો આગામી દિવસોમાં સ્થિતિ વધુ ગંભીર બને તો ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો અને અન્ય કોમોડિટીમાં વધુ અસ્થિરતા જોવા મળી શકે છે. બીજી તરફ, રોકાણકારો હાલ સાવચેતીપૂર્વક રોકાણ કરી રહ્યા હોવાથી બજારમાં વેચવાલીનું દબાણ વધ્યું છે.
આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય રાજકીય ઘટનાઓ અને બંને દેશો વચ્ચેની પરિસ્થિતિ પર વિશ્વભરના રોકાણકારોની નજર રહેશે. બજારના નિષ્ણાતો રોકાણકારોને ઉતાવળા નિર્ણયો ટાળવા અને જોખમનું યોગ્ય સંચાલન કરવાની સલાહ આપી રહ્યા છે.
બજાર ખુલતાં જ સેન્સેક્સ 465 પોઇન્ટ ડાઉન
સેન્સેક્સની વાત કરીએ તો આજે બજાર ખુલતાંની સાથે જ 465 પોઇન્ટ ડાઉન થઇને ૭૩,૫૧૮ના સ્તરે ટ્રેડ થયો હતો. ગઈકાલે સેન્સેક્સનું ક્લૉઝિંગ 73,983.18 પોઈન્ટ રહ્યું હતું જે આજે સીધું 73,615.99 પોઈન્ટ પર ખુલ્યું હતું અને પછી તે એકાએક 73,518.75 ના તળિયે પહોંચી ગયું હતું. જ્યારે નિફ્ટીની વાત કરીએ તો તેમાં 142 પોઇન્ટનો કડાકો બોલાઈ ગયો હતો. ગઈકાલે નિફ્ટી 23,214.95 પર ક્લૉઝ થયો હતો જે આજે 23,104.40 પર ખુલ્યો હતો અને પછી ઘટાડા સાથે 23,072.05 ના તળિયે પહોંચી ગયો હતો. જેના લીધો રોકાણકારોની મૂડીમાં મોટો ઘટાડો નોંધાયો હતો.
અમેરિકા અને ઈરાન યુદ્ધની અસર દેખાઇ: બ્રેન્ટ ક્રૂડમાં ભડકો
બ્રેન્ટ ક્રૂડ ઓઈલમાં ફરી એકવાર અમેરિકા અને ઈરાન યુદ્ધની અસર દેખાઇ છે. ગઈકાલે જે ક્રૂડ ઓઇલ ફરી એકવાર 90 ડૉલરના લેવલ નજીક પહોંચી ગયુ હતું તે આજે ફરી એકવાર 95 ડૉલરની આસપાસ પહોંચી ગયું છે. હાલમાં બ્રેન્ટ ક્રૂડ 94.84 ડૉલરની કિંમતે ટ્રેડ થઈ રહ્યો છે જે મોંઘવારી અને ઈંધણની કિંમત માટે સારા સંકેત નથી.
ડૉલરની સામે રૂપિયો નબળો પડ્યો
બીજી બાજુ રૂપિયો પણ નબળો પડ્યો છે. આજે રૂપિયો ડૉલરની સામે લગભગ 22 પૈસા સુધી કમજોર થયો છે અને હાલમાં એક ડૉલર સામે રૂપિયાએ 95.48 ની સપાટી જાળવી રાખી છે. જે મોંઘવારી માટે મોટો ખતરો માની શકાય તેમ છે.