કેન્દ્ર સરકારના નાણા મંત્રાલય દ્વારા શનિવારે બળતણ નિકાસ (ફ્યુઅલ એક્સપોર્ટ) ના નિયમોમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. સરકારે જારી કરેલા નવા નોટિફિકેશન અનુસાર, દેશમાંથી બહાર મોકલવામાં આવતા પેટ્રોલ પર લાગતી સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી (SAED) ને સંપૂર્ણપણે નાબૂદ કરી દેવામાં આવી છે. બીજી તરફ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ એટલે કે વિમાન ઇંધણ (ATF) ની પરદેશ નિકાસ પર લાગતા ટેક્સમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. વૈશ્વિક સ્તરે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને તેલના પુરવઠા પર સર્જાયેલી અસ્થિરતા વચ્ચે સરકારે આ મહત્વનું પગલું ભર્યું છે.
નાણા મંત્રાલયના નવા આદેશ અનુસાર, પેટ્રોલના નિકાસ પર અત્યાર સુધી લાગતો 2.50 રૂપિયા પ્રતિ લીટરનો ટેક્સ હવે ઘટાડીને શૂન્ય કરી દેવાયો છે, જેનાથી પેટ્રોલ પર હવે કોઈ ડ્યુટી લાગશે નહીં. જોકે, ડીઝલના કિસ્સામાં નિકાસ ડ્યુટીમાં સીધો 3 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરાયો છે. અગાઉ ડીઝલના નિકાસ પર 8.50 રૂપિયા પ્રતિ લીટર ટેક્સ લાગતો હતો, જે હવે વધીને 11.50 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. આ ઉપરાંત વિમાન ઇંધણના નિકાસ પર પણ 50 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે, જેથી ATF પરની ડ્યુટી 10.50 રૂપિયાથી વધીને 11 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે સરકારે નિકાસ ડ્યુટીનો આ નિયમ માર્ચ મહિનાના અંતિમ સપ્તાહમાં અમલમાં મૂક્યો હતો. તે સમયે પશ્ચિમ એશિયામાં વધેલા લશ્કરી તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ખૂબ ઝડપથી વધી ગયા હતા. આંતરરાષ્ટ્રીય સ્તરે ઊંચા ભાવને કારણે રિફાઇનરી કંપનીઓ વધુ નફાની લાલચે દેશની જરૂરિયાતોને બાજુ પર મૂકીને વિદેશમાં ઇંધણ ન વેચે તે સુનિશ્ચિત કરવા સરકારે આ ટેક્સ લાદ્યો હતો.
યુદ્ધ પહેલા ભારત પોતાની જરૂરિયાતનું આશરે 45 ટકા ક્રૂડ ઓઇલ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'ના દરિયાઈ માર્ગે મંગાવતું હતું. આ માર્ગમાં મુશ્કેલીઓ આવતા ભારતે અન્ય વિકલ્પો શોધવાની ફરજ પડી છે. વૈશ્વિક સ્તરે વધતા જોખમો વચ્ચે પણ ભારતીય સરકારે સ્થાનિક ગ્રાહકોને મોંઘવારીના આંચકાથી બચાવવા માટે દેશમાં પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવ સ્થિર રાખ્યા છે અને નિકાસ ડ્યુટી દ્વારા ઇંધણ પુરવઠાનું સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે.