મહુવાના બગદાણામાં નવનીત બાલધિયા પર હુમલાની ઘટનાને લઈને પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા હતા. હુમલાના બનાવને લઈને કોળી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. બગદાણા હુમલા કેસને લઈને કોળી સમાજના નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા હતા. સમગ્ર કેસ મામલે તપાસ માટે SITની રચના કરાઈ છે.
SITમાં કોનો કોનો સમાવેશ
અધ્યક્ષ
1. જયવિર ગઢવી IPS, (મદદનીશ પોલીસ અધિક્ષક ધારી વિભાગ, ધારી જી.અમરેલી)
સભ્યો
2. એમ.જી. જાડેજા પો.ઇન્સ. (એસઓજી બોટાદ)
3. લક્ષ્મણદેવસિંહ પ્રવિણસિંહ ચુડાસમા, હેડ.કોન્સ્ટેબલ (એલસીબી, બોટાદ)
4. પી.જે. વાળા PSI
5. ભગવાનભાઈ સાંબડાભાઇ ખાંભલા હેડ.કોન્સ્ટેબલ (એલસીબી, બોટાદ)
ગાંધીનગરમાં મંત્રી પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાને કોળી સમાજના આગેવાનોની આજે બેઠક મળી હતી. આ બેઠકમાં મંત્રી કુંવરજી બાવળીયા, સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા સહિત કોળી સમાજના ધારાસભ્યો અને સાંસદ હાજર રહ્યા હતા. બેઠક બાદ કોળી સમાજના 3 સાંસદ અને 15 ધારાસભ્યોએ બગદાણા કેસ મામલે ન્યાયિક તપાસની માગને લઈને મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. ગાંધીનગરમાં રજૂઆત બાદ સમગ્ર કેસની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ( SIT)ની રચના કરવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો?
બગદાણામાં આઠ લોકોએ કરેલા હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા નવનીત બાલધિયાએ 1 જાન્યુઆરીએ હીરા સોલંકી સાથેની મુલાકાત બાદ કહ્યું હતું કે, મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈ આહિરે બગદાણા ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે યોગેશભાઈ સાગરના નામનો ઉલ્લેખ કર્યો હતો. જેથી મેં માયાભાઈ આહીરને ફોન કરી જાણ કરી હતી કે બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કોઈ નથી. જેથી માયાભાઈએ કહ્યું હતું કે, હું માફી માગતો વીડિયો મોકલી આપું છું. તેને વીડિયો મોકલતા મેં મારા ચાર પાંચ મિત્રોને મોકલ્યો હતો. માયાભાઈએ માફી માગતા તેના પુત્ર જયરાજને લાગી આવ્યું હતું, જેથી તેને મને ફોન કરી મળવા માટે કહ્યું હતું. મેં માયાભાઈને માફી માગવા માટે કહ્યું ન હતું તેણે જ સામેથી વીડિયો મોકલ્યો હતો. માયાભાઈ આહિરે માફીનો વીડિયો બનાવ્યો એટલે તેના પુત્ર જયરાજે આખું ષડયંત્ર રચ્યું છે. પોલીસ મારો કેસ ડાયવર્ટ કરી રહી છે. મારી માગ છે કે, આ લોકો જ્યારે મને મારતા હતા ત્યારે વીડિયો કોલ કરી કોની સાથે વાત કરતા હતા પોલીસ તેની તપાસ કરે.