ગુજરાત સરકારના મંત્રીમંડળની નવેસરથી રચના બાદ પ્રથમ અને ગુજરાત સરકારની 12મી ચિંતન શિબિર આગામી તારીખ 27 થી 29 ત્રણ દિવસ માટે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજવામાં આવશે તેવી સત્તાવાર જાહેરાત ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ત્રણ દિવસની આ ચિંતન શિબિરના અધ્યક્ષ સ્થાને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રહેશે. આ ઉપરાંત તેમની કેબિનેટના તમામ 26 મીનીસ્ટરો પણ તેમાં ભાગ લેશે. મુખ્યમંત્રીના બે સલાહકાર, મુખ્યમંત્રીના અગ્ર સચિવ, સચિવ અને ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી સહિતના ચાર અધિકારીઓ અને આ તમામ મળીને કુલ 209 આઈએએસ અધિકારીઓ ચિંતન શિબિરમાં ભાગ લેશે. ચિંતન શિબિર નો પ્રારંભ તારીખ 27 ના બપોરે કરવામાં આવશે અને તારીખ 29 ના રોજ જૂથ ભલામણોની પ્રસ્તુતિ અને આભાર વિધિ બાદ ચિંતન શિબિર પૂરી થયેલી જાહેર કરવામાં આવશે.
ચિંતન શિબિરમાં ભાગ લેવા આવનાર અધિકારીઓએ નક્કી થયા મુજબ ટ્રેન મારફતે મુસાફરી કરવાનું જણાવવામાં આવ્યું છે. અમુક જિલ્લાના અધિકારીઓ સીધા ચિંતન શિબિરના સ્થળે હાજર થશે. કયા અધિકારીઓ ટ્રેન મારફત જશે ?અને કયા અધિકારીઓ સીધા ચિંતન શિબિરના સ્થળે પહોંચશે ?તેના વિગતવાર હુકમ આગામી દિવસોમાં કરવામાં આવશે. છેલ્લે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે મળેલી ચિંતન શિબિરમાં પણ અધિકારીઓને ટ્રેન મારફત પહોંચવાની સૂચના આપવામાં આવી હતી. પરંતુ છેલ્લી ઘડીએ તે પરત ખેંચવામાં આવી હતી. ધરમપુર ખાતેની ચિંતન શિબિરમાં અધિકારીઓ ટ્રેનમાં જશે કે છેલ્લી ઘડીએ આ નિર્ણય પાછો ખેંચાશે તે જોવાનું રહે છે.
ચિંતન શિબિરમાં કયા અધિકારીઓ હાજર રહેશે ?તેની યાદી પણ સરકારે જાહેર કરી છે. આ અધિકારીઓ પોતાના પ્રતિનિધિ તરીકે અન્ય કોઈને મોકલી શકશે નહીં અને પોતાની સાથે અન્ય કોઈ સ્ટાફ પણ સાથે રાખી શકશે નહીં.
ચિંતન શિબિર દરમિયાન પેનલ ડિસ્કશન અને ગ્રુપ ડિસ્કશન સેમિનાર હોલમાં રાખવામાં આવ્યા છે. તેમાં દરેક મંત્રીઓએ અને અધિકારીઓએ ભાગ લેવા માટે સરકારે જણાવ્યું છે. બાદમાં આવા અધિકારીઓએ ચિંતન શિબિર અંગેના ફીડબેક ફોર્મમાં પોતાના અભિપ્રાય અચૂક પણે લખવાના રહેશે. જિલ્લા કલેકટર વલસાડ અને સ્પીપા અમદાવાદ દ્વારા આવા ફોર્મ કલેક્ટ કરીને ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગને મોકલી આપશે.