ગુજરાતમાં મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ માંથી વીજળી ઉત્પન્ન કરતા પ્રોજેક્ટ્સમાં ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર વેસ્ટ-ટુ-એનર્જી નીતિ-૨૦૨૬ તૈયાર કરી રહી છે. આ નવી નીતિમાં પ્રોજેક્ટ ડેવલપર્સને વાર્ષિક માત્ર એક રૂપિયાના નજીવા ભાડે જમીન ફાળવવા ઉપરાંત મ્યુનિસિપલ કચરો પણ વિનામૂલ્યે આપવાનો પ્રસ્તાવ છે. સાથે જ ટેક્સ અને અન્ય નાણાકીય રાહતો આપીને આવા પ્રોજેક્ટ્સને આર્થિક રીતે વધુ સધ્ધર બનાવવાની દિશામાં કવાયત હાથ ધરાઈ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રસ્તાવિત નીતિ હેઠળ પ્રોજેક્ટ ડેવલપર્સને ૩૦ વર્ષ સુધી અથવા પ્રોજેક્ટના કાર્યકારી જીવનકાળ સુધી, બેમાંથી જે સમયગાળો વહેલો પૂર્ણ થાય ત્યાં સુધી, વાર્ષિક એક રૂપિયાના લીઝ ભાડે જમીન આપવામાં આવશે. આ ઉપરાંત પ્રોજેક્ટ સાઇટ પર મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ પણ મફતમાં ઉપલબ્ધ કરાવાશે.
નીતિમાં વેસ્ટ-ટુ-એનર્જી પ્રોજેક્ટ્સને સ્થાનિક કર, ડ્યુટી, સેસ, રોયલ્ટી અને અન્ય લાગુ પડતા લેવીમાંથી મુક્તિ આપવાની જોગવાઈનો સમાવેશ કરાયો છે. લીઝ અને ડેવલપમેન્ટ કરારો પર લાગુ પડતી સ્ટેમ્પ ડ્યુટી સંબંધિત શહેરી સ્થાનિક સંસ્થા દ્વારા ચૂકવવાનો પણ પ્રસ્તાવ છે.
પ્રોજેક્ટની આર્થિક વ્યવહારુતા વધારવા મંજૂર વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટના આધારે મૂડી સહાય આપવામાં આવશે. સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતાના આધારે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અનુસાર નિશ્ચિત મૂડી સબસિડી આપવાની પણ યોજના છે. જીઈઆરસીના બેન્ચમાર્ક ટેરિફ અને સફળ બિડર્સ દ્વારા નક્કી કરાયેલા ટેરિફ વચ્ચેનો તફાવત સરભર કરવા શહેરી વિકાસ વિભાગ નાણાકીય સહાય આપશે. પ્રોજેક્ટમાં ઉત્પન્ન થતી વીજળી વીજ વિતરણ કંપનીઓ ખરીદશે.
કેપ્ટિવ પાવર પ્લાન્ટ તરીકે લાયક પ્રોજેક્ટ્સને ક્રોસ સબસિડી અને વધારાના સરચાર્જમાંથી મુક્તિ આપવાનો પણ પ્રસ્તાવ છે. આ નીતિના લાભો પ્રોજેક્ટ શરૂ થયા બાદ ૨૫ વર્ષ સુધી અથવા પ્રોજેક્ટના જીવનકાળ સુધી, જે વહેલું હોય ત્યાં સુધી મળશે.
નીતિનો મુખ્ય ઉદ્દેશ લેન્ડફિલ પરનો બોજ ઘટાડવા, ખુલ્લામાં કચરો ફેંકવાની અને સળગાવવાની પ્રવૃત્તિ અટકાવવા તથા વૈજ્ઞાનિક કચરા વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપવાનો છે. શહેરી વિકાસ અને ઊર્જા વિભાગ વચ્ચે સંકલન વધારવા સશક્ત સમિતિ તથા પ્રોત્સાહનોની અસરકારકતા ચકાસવા મધ્યવર્તી સમીક્ષાની પણ જોગવાઈ સૂચવાઈ છે. આ નીતિથી સ્વચ્છ ઊર્જા ઉત્પાદન સાથે રોજગારીની નવી તકો ઊભી થવાની સરકારને આશા છે.