BREAKING NEWS

જામનગરમાં દશેરાની ભવ્ય ઉજવણી: વાહન બુકીંગમાં તોખારી તેજી: સોનામાં નરમાઇ

  • October 03, 2025 01:24 PM 


જામનગર જિલ્લામાં ગઇકાલે દશેરાના પવિત્ર તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, કેન્દ્ર સરકારે થોડા દિવસ પહેલા જ જીએસટીમાં ઘટાડો કરતા મોટા-મોટા વાહનોમાં ૫૦ હજારથી લઇને ૧.૫૦ લાખ સુધીનું ડીસ્કાઉન્ટ, ઉપરાંત શ્યોર ગીફટ અને દિવાળી બોનાન્ઝા જાહેર કરાતા છેલ્લા બે-ત્રણ દિવસથી વાહનોનું બુકીંગ કરાવવા લોકોની પડાપડી થઇ હતી, બીજી તરફ સોનાનો ભાવ ૧.૨૧ લાખ સુધી પહોંચી જતાં માત્ર ૧૫ થી ૨૦ ટકા ઘરાકી થઇ હતી, અમુક લોકોએ દશેરાનું મુર્હુત સાચવવા થોડુ સોનુ લીધું હતું જયારે મીઠાઇ બજાર ગઇકાલે આખો દિવસ ગરમ રહી હતી, સવારના ૭ વાગ્યાથી લઇને રાત્રીના ૧૨ વાગ્યા સુધી લોકો ગરમાગરમ ગાંઠીયા, જલેબી અને માવાની મીઠાઇ ખરીદવા ઉમટી પડયા હતાં. ગામડાઓમાં પણ મીઠાઇનું ચલણ વઘ્યું છે, ત્યારે ત્યાં પણ મોડી સાંજ સુધી મીઠાઇની દુકાને ભારે ભીડ જોવા મળી હતી. 


જામનગરની વાહન બજારમાં તોખારી તેજી જોવા મળી હતી, તા.૨૧ બાદ જીએસટીમાં ૧૦ ટકાથી વધુ ઘટાડો થતાં મોટા-મોટા વાહનોમાં ૫૦ હજારથી લઇને ૧.૫૦ લાખ સુધીનું ડીસ્કાઉન્ટ જોવા મળ્યું છે, સામાન્ય લોકોને પરવડે તેવી નાની કારમાં પણ ૭૦ થી ૧ લાખ સુધીની છુટ જોવા મળી હતી, કેટલીક કંપનીઓએ જાહેરાત કરી છે કે, જીએસટીમાં ઘટાડો તો આપીશું પરંતુ દિવાળીનું ડીસ્કાઉન્ટ પણ ગ્રાહકોને મળી રહે તે માટે અમોએ વ્યવસ્થા કરી છે, કેટલીક ઓટો મોબાઇલની દુકાનોમાં વાહન સાથે સ્યોર ગીફટ પણ આપવામાં આવી રહી છે, ખાસ કરીને દ્વિચક્રિય વાહનોમાં રૂ.૫ થી ૧૫ હજારનો ઘટાડો જોવા મળ્યો છે, ગઇ દિવાળી કરતા આ દિવાળીમાં ભાવ અ ોછા છે, કેટલીક કંપનીઓ દ્વારા સ્પેશ્યલ ડીસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે જેથી ગ્રાહકોેને ડબલ ફાયદો થઇ રહ્યો છે જેને કારણે ધનતેરસના શુભ મુર્હુતે કાર, જીપ અને દ્વિચક્રિય વાહનો લેવા માટે અત્યારથી જ બુકીંગ શ‚ થઇ ચૂકયું છે, જો કે કેટલાક ગ્રાહકોને કારમાં ધનતેરસના દિવસે પોતાની મનગમતા કલરવાળી કાર મળશે કે કેમ ? તે અંગે પણ મુંઝવણ છે, એટલે કે ગયા વખત કરતા માત્ર ૧૦ દિવસમાં વાહનોના વેંચાણમાં ડબલ વૃઘ્ધી થઇ ગઇ છે. 


દશેરાના દિવસે સોની બજારમાં નરમાઇ જોવા મળી હતી તેનું મુખ્ય કારણ એ છે કે એક જ મહીનામાં લગભગ ૧૮ થી ૨૦ હજાર ‚પિયાનો વધારો થઇ ચૂકયો છે, ગઇકાલનો ભાવ રૂ.૧.૨૦ લાખ જોવા મળ્યો છે, જેને કારણે માત્ર ૧૫ થી ૨૦ ટકા લોકોએ ગઇકાલે શુકનવંતી ખરીદી કરી હતી, જો કે ધનતેરસના દિવસે સોની બજારમાં કેવી ખરીદી થશે તે અંગે લોકો અવઢવમાં છે, સોની બજારમાં નવા દાગીના લેવાતા નથી, કેટલાક લોકો આર્થિક ભીંસ હોવાના કારણે જુના દાગીનાનું વેંચાણ પણ કરી રહ્યા હોવાનું જાણવા મળે છે, જયારે ચાંદીનો ભાવ પણ આગ ઝરતી તેજીવાળો જોવા મળે છે જેને કારણે સાંકળા, પોંચી તેમજ કંદોરા જેવી નાની આઇટમો ખરીદવાનો રસ લોકોને ઓછો થઇ ગયો છે. 


લોકો આર્થિક ભીંસથી મુંજાઇ રહ્યા છે, જો કે જીએસટીના ઘટાડાના કારણે અન્ય બજારોમાં તેજી આવી છે, કપડા બજાર, ઇલેકટ્રીક બજાર, બુટ-ચપ્પલ સહિતની ચીજવસ્તુઓમાં ઘટાડો જોવા મળ્યો છે તથા મોબાઇલ અને અન્ય ઇલેકટ્રોનીકસ ઉપકરણોમાં પણ ૧૦ ટકા જેવો ઘટાડો જોવા મળતાં આ ઝોનમાં ખરીદી વધી હોવાનું બજારમાંથી જાણવા મળે છે. ખાસ કરીને ઓટોમોબાઇલ ક્ષેત્ર અને હવે ધીરે-ધીરે કાપડ બજાર પણ ગરમ થતી જાય છે.


ગઇકાલનો ટ્રેન્ડ મીઠાઇ બજારને વધુ ગરમ કરતો હતો, સવારના ૭ વાગ્યાથી રાત્રીના ૧૧ વાગ્યા સુધી લોકો ગાંઠીયા, ફાફડા, જલેબી અને અન્ય મીઠાઇ ખરીદવા માટે પડાપડી કરતા જોવા મળ્યા હતાં, જામનગરમાં લાંબા સમય બાદ આ પ્રકારની ખરીદી જોવા મળી હતી, જો કે દુધ અને માવાના ભાવમાં ભારે વધારો થયો હોવાના કારણે ગયા વર્ષ કરતા આ વર્ષે મીઠાઇ બજારમાં મીઠાઇના ભાવમાં ૧૫ થી ૨૦ ટકાનો વધારો જોવા મળ્યો હતો, છતાં પણ લોકો આ મીઠાઇ ખરીદવા ઉમટી પડયા હતાં.
​​​​​​​

જામનગરની કપડા બજાર પણ ગરમ થઇ રહી છે, અવનવા કપડાની ડીઝાઇનમાં પણ સ્પેશ્યલ ડીસ્કાઉન્ટ એકની સામે, પાંચની સામે ત્રણ એ પ્રકારની સ્કીમ પેન્ટ-શર્ટમાં જોવા મળી રહી છે, જયારે તૈયાર શુટ, બ્લેઝરમાં પણ ઘટાડો જોવા મળ્યો છે તેમજ જાણીતી કંપનીના બુટ-ચપ્પલ, સેંડલના ભાવોમાં પણ ભારે ઘટાડો દેખાઇ રહ્યો છે. આમ જામનગર શહેર-જિલ્લામાં હવે તોખારી તેજી જોવા મળી રહી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application