BREAKING NEWS

કોપીરાઇટ ભંગ બદલ ગુજરાત આમ આદમી પાર્ટીના ફેસબુક અને ઈન્સ્ટા એકાઉન્ટ સસ્પેન્ડ, જાણો ઇસુદાન ગઢવીએ શું કહ્યું?

  • April 25, 2026 02:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં આવતીકાલે યોજાનારા મતદાન પૂર્વે ગઈકાલે સાંજે છ વાગ્યાથી પ્રચારના પડઘમ શાંત થયા છે, પરંતુ સોશિયલ મીડિયા પર ચાલી રહેલા 'ડિજિટલ વૉર'માં આમ આદમી પાર્ટી કાયદાકીય ગૂંચવણમાં ફસાઈ છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત કલાકારો અને ફિલ્મોના કન્ટેન્ટનો અનધિકૃત ઉપયોગ કરવા બદલ મેટા કંપનીએ કડક કાર્યવાહી કરી આપ ગુજરાતના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સસ્પેન્ડ કર્યા છે.


મળતી માહિતી મુજબ, આપ દ્વારા પ્રચાર દરમિયાન ગુજરાતી સુપરહિટ ફિલ્મો જેવી કે ‘સાહેબ’ અને ‘છેલ્લો દિવસ’ના ક્લિપ્સ તેમજ જાણીતા અભિનેતા મલ્હાર ઠક્કર અને યશ સોનીના વીડિયોનો પરવાનગી વગર ઉપયોગ કરવામાં આવ્યો હતો. વારંવાર કોપીરાઈટ કાયદાનો ભંગ થતા અને ગેરકાયદેસર રીતે કન્ટેન્ટનો ઉપયોગ કરવાની 'પેટર્ન' ધ્યાને આવતા ફેસબુક અને ઈન્સ્ટાગ્રામે આ આકરૂં પગલું ભર્યું છે.


સોશિયલ મીડિયા નિષ્ણાતોના મતે, કોઈપણ રાજકીય પક્ષ માટે ડિજિટલ પ્લેટફોર્મ પ્રચારનું મુખ્ય માધ્યમ છે, પરંતુ ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીના અધિકારોનો ભંગ કરવો એ ચિંતાજનક બાબત છે. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે ડિજિટલ નિયમો સામે કોઈ રાજકીય પક્ષ સર્વોપરી નથી.


ચૂંટણીના અંતિમ તબક્કે એકાઉન્ટ્સ બ્લોક થવાથી આપના ઓનલાઇન પ્રચાર પર બ્રેક વાગી છે. આ મામલે હવે ફિલ્મ નિર્માતાઓ અને કન્ટેન્ટ ક્રિએટર્સના અધિકારોના રક્ષણ માટે પણ નવી ચર્ચા છેડાઈ છે.


આપના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 28 દિવસમાં આઠ કરોડની રિચ જોવા મળી. આમ લોકો જ્યારે પીડાઈ રહ્યા છે અને લોકોનો અવાજ આમ આદમી પાર્ટીના ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જોવા મળી રહ્યો છે તો આટલા મોટા રિસ્પોન્સ અને આટલા બધા વ્યૂઝ અને ચૂંટણીમાં મોટાપાયે પ્રચાર થઈ રહ્યો છે તો ભાજપ એટલું ડરી ગયું છે કે ભાજપના ઇશારે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર આમ આદમી પાર્ટીના જે ઓફિશિયલ એકાઉન્ટ હતા એને સસ્પેન્ડ કરાવી દેવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application