BREAKING NEWS

ગુજરાત વિધાનસભાને પણ સવારે મળી હતી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ ચેકિંગ બાદ ચોમાસુ સત્ર રાબેતા મુજબ ચાલુ

  • September 10, 2026 02:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક તરફ ચોમાસા સત્રનો આજે બિજો દિવસ છે ત્યારે ગુજરાત વિધાનસભા, અમદાવાદ શહેરની પ્રતિષ્ઠિત ત્રણ શાળાઓ અને ગાંધીનગર કોર્ટને ઈ-મેલ મોકલીને બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી મળી હતી. અમદાવાદમાં બોપલની ડીપીએસ, થલતેજની ઉદગમ અને વેજલપુરની ઝાયડસ સ્કૂલને ધમકીભર્યો ઇ-મેઇલ કરવામાં આવ્યો હતો. વાલીઓ, વિદ્યાર્થીઓ અને નગરજનોમાં ભારે ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સાથે જ ગાંધીનગર જિલ્લા અને સેશન્સ કોર્ટના સત્તાવાર ઈ-મેલ આઈડી પર પણ બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી હતી. સુરક્ષાના ભાગરૂપે શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી. 

ગાંધીનગર વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મામલે ગાંધીનગર એસપી રવિ તેજાએ જણાવ્યું હતું કે, સવારે આશરે આઠ વાગ્યે ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો. પોલીસ દ્વારા દરરોજ વિધાનસભા અંગે રિપોર્ટ આપવામાં આવે છે અને આજે સવારે નવ વાગ્યા પહેલાં વિધાનસભા પરિસરમાં ચેકિંગ પૂર્ણ કરી લેવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી અને વિધાનસભાનું સત્ર રાબેતા મુજબ શરૂ થઈ ગયું હતું. ગાંધીનગર વિધાનસભા ઉપરાંત કોર્ટને પણ ધમકી મળી હતી, જેને પગલે ગાંધીનગર પોલીસે ફરિયાદ દાખલ કરી છે. પ્રાથમિક તપાસમાં ધમકીભર્યો મેઈલ દેશની બહારથી આવ્યો હોવાનું સામે આવ્યું છે. આશરે છ મહિના પહેલાં જે પ્રકારની ધમકી મળી હતી, તે જ પ્રકારની ધમકી ફરી મળી હોવાનું એસપીએ જણાવ્યું હતું અને આવી ધમકીઓ મોટાભાગે દેશની બહારથી આવતી હોવાનું કહ્યું હતું.

આ પ્રકારન જોખમી થ્રેટ મેઇલની જાણ થતાં જ પોલીસ વિભાગ, બોમ્બ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક અસરથી તમામ ઘટનાસ્થળો પર દોડી ગઈ હતી. સુરક્ષાના કડક પગલાં રૂપે ઝાયડસ સહિતની ધમકી પામેલી શાળાઓને ત્વરિત ખાલી કરાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓને અચાનક વહેલી રજા આપી દેવાતા ગભરાયેલા વાલીઓ દોડતા-દોડતા શાળાએ પહોંચી ગયા હતા. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને શાળાઓ ખાતે ૧૦૮ એમ્બ્યુલન્સ અને પ્રહલાદનગર ફાયર સ્ટેશનની ગાડીઓ પણ તૈનાત કરવામાં આવી હતી અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવ્યું હતું.

ગાંધીનગર કોર્ટને મળેલા ધમકીભર્યા ઈ-મેઈલમાં 'ગુજરાત બોલેગા ખાલિસ્તાન જિંદાબાદ' લખવામાં આવ્યું હોવાની માહિતી પણ સામે આવી છે. નોંધનીય છે કે થોડા દિવસો અગાઉ જ ગુજરાત હાઈકોર્ટ અને સુરતની કોર્ટને પણ આવી જ રીતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી, જે મામલે અગાઉ અમદાવાદ અને સુરત સાયબર ક્રાઈમે બે શખ્સોની ધરપકડ પણ કરી હતી. અગાઉના બનાવો બાદ ફરી એકવાર આ પ્રકારે ધમકીઓ મળવાથી સુરક્ષા એજન્સીઓની ચિંતા વધી ગઈ છે અને પોલીસ આ મામે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

આ ગંભીર ઘટના બાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા અમદાવાદ શહેરની તમામ શાળાઓને અત્યંત સતર્ક રહેવા માટે ખાસ આદેશ આપવામાં આવ્યા છે. તમામ સ્કૂલ સંચાલકોને પોતાના સત્તાવાર ઈ-મેલ સતત ચેક કરવા અને જો શંકાસ્પદ કે ધમકીભર્યો કોઈ મેઈલ મળે તો તુરંત જ પોલીસને જાણ કરવા તાકીદ કરાઈ છે. વહીવટી તંત્ર દ્વારા એ પણ સૂચના અપાઈ છે કે કોઈપણ જાતના ગભરાટ કે અફવા ફેલાવ્યા વિના બાળકોને સુરક્ષિત રીતે શાળામાંથી બહાર કાઢવા અને પોલીસ તપાસમાં સંપૂર્ણ સહકાર આપવો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application