ગુજરાત સરકારે રાજ્યના તમામ વહીવટી વિભાગો માટે હાઇકોર્ટના ચુકાદાઓના અમલીકરણ સંદર્ભે એક નવી, કડક અને સ્પષ્ટ એસ.ઓ.પી. ( ગાઈડ લાઈન) જાહેર કરી છે. આ નવી વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ અદાલતના ચુકાદાઓ બાદ તેના અમલમાં થતો બિનજરૂરી વિલંબ અટકાવવાનો અને કન્ટેન્પ્ટ ઓફ કોર્ટ (અદાલતના અવમાન) જેવી ગંભીર સ્થિતિ સર્જાતી અટકાવવાનો છે.
નવી ગાઈડ લાઈનની મુખ્ય વિશેષતાઓ અને જોગવાઈઓ એવી છે કે સમયબદ્ધ અને પારદર્શક પ્રક્રિયા હાથ ધરવી પડશે.
અદાલતનો નિર્ણય મળ્યા બાદ સંબંધિત વિભાગોએ નિશ્ચિત સમયમર્યાદામાં જ જરૂરી કાર્યવાહી કરવાની રહેશે. જો ચુકાદો સ્વીકાર્ય હોય તો તેનો તત્કાલ અમલ કરવાનો રહેશે અને જો અપીલ કરવાની હોય તો નિયત સમયમર્યાદામાં જ કાયદા વિભાગની સલાહ લઈને પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.
ઇ-ફાઇલિંગ અને ડિજિટલ ટ્રેકિંગમા અપીલ સંબંધી દરખાસ્ત તૈયાર કરતી વખતે ઇ-ફાઇલિંગમાં નોંધાયેલી નોંધ સાથે સંબંધિત દસ્તાવેજો 'ઇ-સરકાર' પ્રણાલીમાં અપલોડ કરવાના અનિવાર્ય રહેશે. તમામ દસ્તાવેજો સ્પષ્ટ હાઇ પર લિંક સાથે જોડવાના રહેશે તેમજ સક્ષમ અધિકારીની સહીવાળું ચેકલિસ્ટ પણ સામેલ કરવું પડશે.
જો ચુકાદાના અમલના અંતિમ તબક્કામાં કાયદા વિભાગ સમક્ષ દરખાસ્ત મોકલવામાં બિનજરૂરી વિલંબ થશે, તો તે માટે સંબંધિત વિભાગ જવાબદાર રહેશે. નિયમોના ઉલ્લંઘન બદલ સંબંધિત અધિકારી અને વિભાગના વડા સામે કાયદેસરની જરૂરી કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવશે.
અનિવાર્ય સંજોગોની પરિસ્થિતિઓમાં અથવા વ્યવહારુ કારણોસર જો હાઇકોર્ટના આદેશનું સમયમર્યાદામાં પાલન કરવું શક્ય ન બને, તો સંબંધિત વિભાગે હાઇકોર્ટમાં 'મુદત વધારાની અરજી દાખલ કરીને સમયની માંગણી કરવાની રહેશે.
આ કડક વ્યવસ્થા લાગુ થવાથી રાજ્ય વહીવટી તંત્રમાં વધુ પારદર્શિતા આવશે અને ન્યાયિક આદેશોનું પાલન વધુ સમયસર અને ચોકસાઈપૂર્વક સુનિશ્ચિત થઈ શકશે.