BREAKING NEWS

નવરાત્રિમાં ડીજેના અવાજ પ્રદૂષણ સામે ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ: સરપ્રાઇઝ ચેકિંગ કરવા તાકીદ

  • October 16, 2026 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવરાત્રિ મહોત્સવ દરમિયાન રાજ્યભરમાં સાયલન્ટ ઝોન અને રહેણાંક વિસ્તારોમાં ડીજેના કારણે થતા બેફામ ઘોંઘાટ અને સરેઆમ નીતિ-નિયમોના ભંગ અંગે ગુજરાત હાઇકોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી છે. અદાલતે આ બાબતને અત્યંત ગંભીરતાથી લેતા રાજ્ય સરકારને ધ્વનિ પ્રદૂષણ રોકવા માટે તાત્કાલિક ધોરણે 'સરપ્રાઇઝ ચેકિંગ' કરવા અને કાયદાકીય માર્ગદર્શિકાઓનું કડક પાલન કરાવવા તાકીદ કરી છે.



ગીર સોમનાથ જિલ્લાના બે નાગરિકોએ વેરાવળના નિર્ધારિત સાયલન્ટ ઝોનમાં યોજાયેલા ગરબા મહોત્સવ સામે જાહેર હિતની અરજી કરી છે. અરજદારોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ગરબા આયોજનના વિરોધમાં નથી, પરંતુ સાયલન્ટ ઝોનમાં ધ્વનિ પ્રદૂષણના નિયમોના કથિત ભંગ સામે વાંધો ધરાવે છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કોર્ટને જણાવ્યું હતું કે સ્થળ તપાસ બાદ આયોજકોને બે દિવસમાં નિયમોનું પાલન કરવા નોટિસ આપવામાં આવી છે.

અરજદાર પક્ષ દ્વારા હાઇકોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું હતું કે, રાજ્યમાં હોસ્પિટલો અને શાળાઓ જેવા સંવેદનશીલ વિસ્તારો 'સાયલન્ટ ઝોન' હેઠળ આવે છે. આમ છતાં, નવરાત્રિના તહેવાર દરમિયાન આ સ્થળો નજીક પણ મોડી રાત સુધી મોટેથી ડીજે વગાડીને નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. અતિશય અવાજ પ્રદૂષણ અને પબ્લિક ન્યૂસન્સના કારણે હોસ્પિટલમાં સારવાર હેઠળના બીમાર દર્દીઓ, સિનિયર સિટીઝન્સ, ગર્ભવતી મહિલાઓ અને નાના બાળકોને ભારે હાલાકી અને અસહ્ય પીડા ભોગવવી પડી રહી છે.


વેરાવળમાં હોસ્પિટલની નજીક નવરાત્રિના નામે થતા ડીજેના ઘોંઘાટ અંગે થયેલી અરજીની સુનાવણી કરતી વખતે હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું હતું. સુનાવણી દરમિયાન એક્ટિંગ ચીફ જસ્ટિસ માનસ રંજન પાઠકે સ્પષ્ટ કર્યું હતું કે, આ સંવેદનશીલ પ્રશ્ન માત્ર કોઈ એક શહેર કે વેરાવળ પૂરતો મર્યાદિત નથી, પરંતુ આખી રાજ્યની જનતાને સ્પર્શતો અત્યંત ગંભીર વિષય છે. નવરાત્રિના નવ દિવસો દરમિયાન ડીજેના વધુ પડતા અવાજને લીધે પબ્લિક ન્યૂસન્સની સમસ્યા વધુ વિકટ બની જાય છે, તેથી સરકારી તંત્ર અને સ્થાનિક સત્તાવાળાઓએ આ સમગ્ર મામલાને અત્યંત ગંભીરતાથી લઈ ત્વરિત પગલાં ભરવા જોઈએ.

આ સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર તરફથી અદાલતને માહિતી આપવામાં આવી હતી કે અંદાજે ૭૫ ટકા કિસ્સાઓમાં રાત્રે ૧૨ વાગ્યા પહેલાં અવાજ બંધ થાય અને નિયમોનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે નિયમિત તપાસ તથા ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવે છે. આ મામલે સરકાર દ્વારા અત્યાર સુધી લેવાયેલાં વિવિધ પગલાં અંગેનો વિગતવાર અહેવાલ રજૂ કરવા માટે અદાલત પાસે વધુ બે દિવસનો સમય માંગવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, કાયદા મુજબ સાયલન્ટ ઝોનમાં રાત્રિના સમયે ૪૫ ડેસિબલથી વધુ અવાજ પર સંપૂર્ણ કાનૂની મનાઈ છે. હાઇકોર્ટે આ સંદર્ભે સ્પષ્ટ કર્યું છે કે માત્ર ચોપડે નિયમો બનાવવાથી ચાલશે નહીં, પરંતુ તેનું જમીની સ્તરે ચુસ્તપણે અમલીકરણ કરાવવું અનિવાર્ય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application