પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરને 1000 હજાર વર્ષ પૂર્ણ થતા સ્વાભિમાન પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. 10 જાન્યુઆરીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ દાદાના ચરણોમાં શિશ ઝુકાવશે. તેમજ તેમની આગેવાનીમાં 108 અશ્વો સાથે શૌર્ય યાત્રા યોજાશે. જેને લઈને આજે ગુજરાત પોલીસ દ્વારા સોમનાથમાં 108 તાલીમબદ્ધ અશ્વો સાથે રિહર્સલ કર્યું હતું.
શૌર્ય યાત્રાનું આયોજન અને રૂટ
વડાપ્રધાન મોદી સોમનાથના શંખ સર્કલથી મંદિર પટાંગણ સુધીની આ શૌર્ય યાત્રામાં જોડાશે. આ દરમિયાન તેમની સુરક્ષા અને શોભામાં વધારો કરવા માટે અશ્વસવારો કેસરી સાફા અને નિર્ધારિત ડ્રેસ કોડ સાથે શિસ્તબદ્ધ રીતે જોડાશે. યાત્રાના રૂટ પર વિવિધ સાંસ્કૃતિક કલાકૃતિઓ અને લોકસંસ્કૃતિનાં દૃશ્યો રજૂ કરવામાં આવશે.
ભવ્ય રોડ-શોને ‘શૌર્ય યાત્રા’ નામ આપવામાં આવ્યું
સોમનાથ ખાતે આયોજિત ઐતિહાસિક ‘સ્વાભિમાન પર્વ’ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભવ્ય રોડ-શો યોજાશે, જેને ‘શૌર્ય યાત્રા’ નામ આપવામાં આવ્યું છે. આ યાત્રામાં ગુજરાત પોલીસના 108 તાલીમબદ્ધ અશ્વ વિશેષ આકર્ષણ જમાવશે. વડાપ્રધાન 10 જાન્યુઆરીએ સોમનાથ પહોંચશે અને રાત્રિરોકાણ પણ ત્યાં જ કરશે. ત્યારે તૈયારીઓના ભાગરૂપે સોમનાથમાં દિવ્ય રોશનીથી ઝળહળી ઊઠ્યું છે. રંગરોગાન સાથે શણગારાઈ રહ્યું છે.
અશ્વ નિદર્શન અને રિહર્સલ
અગાઉ આ પર્વ માટે 1,000 અશ્વના પ્રદર્શનનું આયોજન હતું, પરંતુ હવે 108 અશ્વ સાથે અશ્વ નિદર્શન યોજવાનો નિર્ણય લેવાયો છે. આ અશ્વોને ખાસ સાજશણગાર સાથે મંદિર પટાંગણથી સદભાવના ગ્રાઉન્ડ સુધી લઈ જવામાં આવશે. કાર્યક્રમ પૂર્વે આજે યોજાયેલા રિહર્સલે સ્થાનિકો અને યાત્રિકોમાં ભારે કુતૂહલ અને રોમાંચ જગાવ્યો હતો.