રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત 'જનસેવા સંકલ્પ' કાર્યક્રમ અંતર્ગત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની સૌથી વિશેષ બાબત એ હતી કે તેમનું સ્વાગત પુષ્પગુચ્છને બદલે અભ્યાસના પુસ્તકો દ્વારા કરવામાં આવ્યું હતું. આ તમામ પુસ્તકો આગામી સમયમાં જરૂરિયાતમંદ બાળકોને વિતરણ કરવામાં આવશે, જે ભાજપના સેવાકીય અભિગમને દર્શાવે છે.
બહુમાળી ભવન ચોક ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રાજકોટ શહેર ભાજપના પ્રમુખ માધવ દવે સહિત અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત હજારો કાર્યકર્તાઓએ ‘હું ભાજપના કાર્યકર્તા તરીકે નાગરિક કર્તવ્ય, બંધારણ અને નિયમોને અનુસરીશ’ એવો જનસેવાનો સામૂહિક સંકલ્પ લીધો હતો. માધવ દવેએ આ કાર્યક્રમને એક 'નવો પ્રયોગ' ગણાવતા કહ્યું હતું કે, આ પ્રકારના આયોજનથી કાર્યકર્તાઓમાં સેવાની ભાવના પ્રબળ બનશે.
કાર્યક્રમ દરમિયાન પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલ અને નીતિન ભારદ્વાજ જેવા 'જૂના જોગીઓ'ની ઉપસ્થિતિએ કાર્યકર્તાઓમાં ઉત્સાહ ભર્યો હતો. જગદીશ વિશ્વકર્માનું ભારત માતાના જયઘોષ સાથે ઉષ્માભર્યું અભિવાદન કરવામાં આવ્યું હતું. ભાજપના નેતાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, પક્ષમાં વ્યક્તિ કરતાં વિચારધારા સર્વોપરી છે અને આ વિચારધારાના જોરે જ ભાજપ આગામી સમયમાં જંગી બહુમતી સાથે વિજય મેળવશે.
આ 'જનસેવા સંપર્ક' અભિયાન માત્ર રાજકોટ પૂરતું મર્યાદિત નથી, પરંતુ રાજ્યના કુલ 15 મહાનગરોમાં એકસાથે તેનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજકોટના અંદાજે 1000 જેટલા બુથના કાર્યકર્તાઓ સાથે જગદીશ વિશ્વકર્મા સીધો સંવાદ કરશે. આ સંવાદનો મુખ્ય હેતુ કાર્યકર્તાઓનો જુસ્સો વધારવાનો અને દરેક બુથ પર વિજય મેળવવાની રણનીતિ ઘડવાનો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને 'વિશ્વ ગુરુ' બનાવવા માટે જે મંડાણ કર્યા છે, તે યોજનાઓ અને વિચારોને જન-જન સુધી પહોંચાડવાની જવાબદારી કાર્યકર્તાઓને સોંપવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડના ભાજપના 72 ઉમેદવારો અને કાર્યકર્તાઓની હાજરીમાં આ સંકલ્પ કાર્યક્રમ યોજાયો હતો. જગદીશ વિશ્વકર્માએ તમામ કાર્યકર્તાઓને જનસેવાનો સંકલ્પ લેવડાવી વિધિવત રીતે પ્રચાર અભિયાનની શરૂઆત કરાવી હતી.
અંતમાં, માધવ દવેએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભાજપના કાર્યકર્તાઓ 'દેવથી દુર્લભ' છે. તેઓની મહેનત અને સમર્પણના જોરે રાજકોટની તમામ બેઠકો પર ભગવો લહેરાશે. 72 બેઠકો જીતવાના દ્રઢ સંકલ્પ સાથે ભાજપે હવે ચૂંટણીના મેદાનમાં આક્રમક રીતે પ્રચારની કમાન સંભાળી લીધી છે.