BREAKING NEWS

નવરાત્રી ટાણે જ 72 લાખથી વધુ રેશન કાર્ડધારકોમાં દોડધામ, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગનું સર્વર ચાર દી'થી ઠપ્પ

  • October 05, 2026 11:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્ય નાગરિક પુરવઠા વિભાગનું ઓનલાઈન સર્વર છેલ્લા ચાર દિવસથી ખોરવાઈ જવાના કારણે સમગ્ર રાજ્યમાં રેશનિંગ વિતરણ વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી છે. નવરાત્રી જેવા પવિત્ર તહેવારો બરાબર નજીક આવી રહ્યા છે ત્યારે જ સર્વરમાં ગંભીર ટેકનિકલ ખામી સર્જાતા અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના ૭૨ લાખથી વધુ ગરીબ અને મધ્યમવર્ગીય કાર્ડધારકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ઓક્ટોબર મહિનાનું અનાજ અને ખાંડ મેળવવા માટે સામાન્ય નાગરિકોએ વ્યાજબી ભાવની દુકાનોના અવિરત ધક્કા ખાવા પડી રહ્યા છે.

રાજ્યની ૧૭ હજારથી વધુ સરકારી સસ્તા અનાજની દુકાનોમાં ઓક્ટોબર મહિનાનો નિયમિત જથ્થો તેમજ દિવાળી નિમિત્તે ફાળવવામાં આવતો વધારાનો જથ્થો ગત સપ્તાહમાં જ પહોંચાડી દેવામાં આવ્યો છે. આ તહેવારીય સ્પેશિયલ જથ્થામાં સિંગતેલ, વધારાની ખાંડ, ચણા અને તુવેર દાળનો સમાવેશ થાય છે. જોકે, પુરવઠા વિભાગના પોર્ટલ પર ઓનલાઈન એન્ટ્રી અને પ્રક્રિયા શરૂ ન થઈ શકવાના કારણે દુકાનદારો પાસે પૂરતો જથ્થો હોવા છતાં ગ્રાહકોને તેનું વિતરણ કરી શકતા નથી.

સમયસર અનાજનો જથ્થો ન મળવાના કારણે રાજ્યની અનેક રેશનિંગ દુકાનો પર રોષે ભરાયેલા કાર્ડધારકો અને દુકાન સંચાલકો વચ્ચે બોલાચાલી અને ઘર્ષણના વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગ્રાહકોનો સીધો આક્ષેપ છે કે તહેવારોના ટાણે જ સરકારી તંત્રની અદૂરદર્શિતા અને બેદરકારીના લીધે સામાન્ય પ્રજાએ હેરાનગતિ ભોગવવી પડી રહી છે. બીજી બાજુ, દુકાનદારોની લાચારી છે કે ઓનલાઈન એન્ટ્રી વગર નિયમ મુજબ તેઓ અનાજનું વિતરણ કરી શકે તેમ નથી.

ચાલુ ઓક્ટોબર મહિનાથી જ સરકાર દ્વારા પહેલીવાર રેશનકાર્ડ ધારકોને 'તેલિયા ચોખા'નું વિતરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ વિશેષ ચોખાનો જથ્થો પણ દુકાનો સુધી પહોંચી ચૂક્યો છે, પરંતુ સર્વર ડાઉન હોવાને કારણે તેનું વિતરણ પણ ખોરવાઈ ગયું છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રેશનકાર્ડ ધારકોએ રોષ સાથે માંગ કરી છે કે તહેવારોના દિવસોમાં પ્રજાની હાલાકી દૂર કરવા માટે સરકારે તાત્કાલિક ધોરણે કોઈ વૈકલ્પિક ઓનલાઈન કે ઓફલાઈન વ્યવસ્થા ઊભી કરવી જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application