BREAKING NEWS

ગુજરાતમાં ધો.12 સાયન્સમાં 84.33 અને સામાન્ય પ્રવાહનું 92.71 ટકા પરિણામ, છોકરા કરતા છોકરીઓએ મેદાન માર્યું, જાણો વિગતવાર

  • May 04, 2026 11:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સાયન્સ, સામાન્ય પ્રવાહ અને ગુજકેટના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે. ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 84.33 ટકા અને સામાન્ય પ્રવાહનું 92.71 ટકા પરિણામ આવ્યું છે. મોરબી જિલ્લો 94.85 ટકા સાથે મોખરે રહ્યો છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2026ની ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે રાજ્યનું કુલ પરિણામ 84.33 ટકા નોંધાયું છે, જે ગત વર્ષના 83.51 ટકા કરતા 0.82 ટકા વધુ પરિણામ આવ્યું છે.

વિજ્ઞાન પ્રવાહમાં આ વર્ષે એવન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ગત વર્ષે 831 વિદ્યાર્થીઓ સામે આ વર્ષે 1,576 વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 11,756 વિદ્યાર્થીઓએ એટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.

મોરબી જિલ્લો 94.85 ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે. જ્યારે સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું 57.44 ટકા નોંધાયું છે. રાજ્યમાં સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર કુંભારિયા 98.62 ટકા રહ્યું છે, જ્યારે સૌથી ઓછું પરિણામ લીંબડી 42.98 ટકા કેન્દ્રનું આવ્યું છે.

209 શાળાઓએ 100 ટકા પરિણામ મેળવીને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ગત વર્ષે આવી શાળાઓની સંખ્યા 194 હતી. 10 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં ઘટાડો થઈને 22 થઈ છે.

આ વર્ષે પણ દીકરીઓએ મેદાન માર્યું છે. વિદ્યાર્થિનીઓનું પરિણામ 84.65 ટકા રહ્યું છે, જે વિદ્યાર્થીઓના 84.04 ટકા કરતા વધારે છે. અંગ્રેજી માધ્યમના ઉમેદવારોનું પરિણામ 85.13 ટકા અને ગુજરાતી માધ્યમનું પરિણામ 84.32 ટકા નોંધાયું છે. વિદ્યાર્થીઓની સરખામણીએ વિદ્યાર્થિનીઓનું 5.31 ટકા વધારે પરિણામ આવ્યું છે.

જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ 100 ટકા પરિણામ 4 કેન્દ્ર તડાવ, કોટડા, કાંગવાઇ, પ્રશ્નાવાડામાં આવ્યું છે. સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર કારઠ 64.88 ટકા છે. સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો આહવા-ડાંગ 97.88 ટકા છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો અમદાવાદ શહેર 87.10 ટકા છે. 2030 સ્કૂલોએ 100 ટકા પરિણામ મેળવ્યું છે. વિદ્યાર્થીઓનું 90.10 ટકા પરિણામ અને વિદ્યાર્થિનીઓનું 95.41 ટકા પરિણામ આવ્યું છે. વિદ્યાર્થીઓની સરખામણીએ વિદ્યાર્થિનીઓનું 5.31 ટકા વધારે પરિણામ આવ્યું છે.


બંને પ્રવાહમાં મળી 6.20 લાખ અને ગુજકેટના 1.32 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ અને વોટ્સએપથી પરિણામ જોઈ શકશે. 

આ વર્ષે ફેબ્રુઆરી અને માર્ચમાં યોજાયેલી ધોરણ 10ની પરીક્ષા માટે 9,07,175 ,ધોરણ 12 સાયન્સના 1,19,263 અને સામાન્ય પ્રવાહના 5,01,286 વિદ્યાર્થીઓ એમ કુલ 15,27,724 વિધાર્થીઓ નોંધાયા હતા.


ઉલ્લેખનીય છે કે, પરિણામ જાહેર થયા બાદ એન્જિનિયરિંગ, ફાર્મસી અને અન્ય ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમો માટે મેરિટ લિસ્ટની પ્રક્રિયા શરૂ થશે. શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓને માત્ર અધિકૃત વેબસાઇટ પર જ ભરોસો રાખવા અને છેતરપિંડી કરતી બિનસત્તાવાર લિંક્સથી સાવધ રહેવા સલાહ આપી છે. પ્રવેશ પ્રક્રિયા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ અત્યારથી જ તૈયાર રાખવા સૂચન કરવામાં આવ્યું છે.


એક દિવસ વહેલું પરિણામ જાહેર કરવામાં આવ્યું

વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર પોતાનો સીટ નંબર દાખલ કરીને પરિણામ મેળવી શકશે. આ ઉપરાંત, આધુનિક સુવિધાના ભાગરૂપે બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર વોટ્સએપ નંબર પર સીટ નંબર મોકલીને પણ ત્વરિત પરિણામ જાણી શકાશે. ધો.12 સામાન્ય પ્રવાહના 5.01 લાખ વિદ્યાર્થી, ધો.12 સાયન્સના 1.19 લાખ વિદ્યાર્થી અને ગુજકેટના 1.32 લાખ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે. આ વર્ષે બોર્ડ દ્વારા ગત વર્ષની સરખામણીએ એક દિવસ વહેલું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.


માર્કશીટ ફોર્મેટ બદલાયુંઃ આધારકાર્ડ મુજબ નામની વિગતો 

આ વર્ષે બોર્ડ દ્વારા માર્કશીટના ફોર્મેટમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. હવેથી માર્કશીટમાં વિદ્યાર્થીના નામની વિગતો આધારકાર્ડ મુજબ રહેશે, જેમાં પ્રથમ નામ અને પાછળ અટક દર્શાવવામાં આવશે. આ ઉપરાંત, માર્કશીટમાં સુરક્ષા માટે પ્રથમવાર બારકોડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે આજે માત્ર ઓનલાઇન પરિણામ જાહેર થશે. ફિઝિકલ માર્કશીટ આજે શાળાઓમાંથી મળશે નહીં. બોર્ડ દ્વારા આગામી થોડા દિવસોમાં તમામ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે માર્કશીટ મોકલવામાં આવશે, જ્યાંથી શાળાઓમાં વિતરણ થયા બાદ વિદ્યાર્થીઓ પોતાની માર્કશીટ મેળવી શકશે. 


રાજ્યની કુલ 2030 શાળાઓએ 100 ટકા પરિણામ મેળવ્યું 

ધો. 12 સામાન્ય પ્રવાહમાં કુલ 4,35,102 નિયમિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 4,03,362 વિદ્યાર્થીઓ સફળ થયા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દીકરીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. વિદ્યાર્થીનીઓનું પરિણામ 95.41% રહ્યું છે, જ્યારે વિદ્યાર્થીઓનું પરિણામ 90.10 ટકા નોંધાયું છે. જિલ્લા વાર પરિણામમાં જોઈએ તો ડાંગ (આહવા) જિલ્લો 97.88 ટકા સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે, જ્યારે અમદાવાદ (શહેર) જિલ્લાનું પરિણામ સૌથી ઓછું 87.10 ટકા નોંધાયું છે. જ્યારે કેન્દ્રવાર પરિણામમા તડાવ કોટડા, કાંગવાઈ અને પ્રશ્નાવાડા જેવા કેન્દ્રોએ 100 ટકા પરિણામ મેળવ્યું છે. રાજ્યની કુલ 2030 શાળાઓએ 100% પરિણામ મેળવ્યું છે, જ્યારે 13 શાળાઓનું પરિણામ 10 ટકા કરતા પણ ઓછું રહ્યું છે. ગ્રેડવાર આંકડા મુજબ કુલ 7,446 વિદ્યાર્થીઓએ 'એવન' ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 38,460 વિદ્યાર્થીઓએ 'એટુ' ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. પરીક્ષામાં બેઠેલા 2,255 દિવ્યાંગ વિદ્યાર્થીઓમાંથી 1,984 વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર ઠર્યા છે.


ખૂબ જ ટૂંકા સમયમાં પૂરક પરીક્ષા.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ મુકેશ પંડ્યાએ જણાવ્યું હતું કે જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈ શક્યા નથી તેમના માટે ટૂંક સમયમાં પૂરક પરીક્ષા યોજવામાં આવશે. આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને "બેસ્ટ ઓફ ટુ" (બંનેમાંથી જે પરિણામ શ્રેષ્ઠ હોય તે)નો લાભ આપવામાં આવશે.


ગુજરાતમાં 22 કેદીઓ ઉત્તીર્ણ

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કેદીઓને શિક્ષિત કરી સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે એક સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો છે. રાજ્યની વિવિધ જેલોમાં સજા કાપી રહેલા બંદીવાનો માટે જેલની અંદર જ પરીક્ષા કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવી હતી. ચાલુ વર્ષે આ પ્રક્રિયા હેઠળ કુલ 40 બંદીવાનોએ ઉત્સાહપૂર્વક પરીક્ષા આપી હતી. બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, તેમાંથી 22 ઉમેદવારો સફળતાપૂર્વક ઉત્તીર્ણ થયા છે. 


ગોખણપટ્ટી છોડી સમજણ પર ભાર

બોર્ડ દ્વારા એક મહત્વનો સંદેશ આપવામાં આવ્યો છે કે હવે પ્રશ્નપત્રોમાં સમજ અને ઉપયોગન આધારિત પ્રશ્નો પૂછવાની પ્રથા વિકસી રહી છે. વિદ્યાર્થીઓ માત્ર પાઠ્યપુસ્તકોની વિગતો ગોખવાને બદલે વિષયવસ્તુને યોગ્ય રીતે સમજીને અભ્યાસ કરે તેવો આગ્રહ રાખવામાં આવ્યો છે. આ પદ્ધતિ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં જીવનના દરેક તબક્કે સફળ બનાવવા માટે સહાયરૂપ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application