રાજકોટની ભાગોળે નવાગામ ખાતે રહેતા પશુપાલકના પુત્રને પહેલા ફોજદાર બનાવવાની લાલચ આપી લાખો પડાવ્યા બાદ ફોજદાર નહીં હવે ડીએસપી બનાવી દેવાના નામે પાલીતાણાના બે શખસોએ ૧.૪૮ કરોડની છેતરપિંડી આચરી હોવાનો ક્રાઈમ બ્રાન્ચમાં. ગુનો નોંધાયા બાદ ગુનામાં સામેલ પાલીતાણાના ચીટર એવા ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસરને ઝડપી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટના નવાગામ ખાતે રહેતા જીલુભાઈ ભગાભાઈ ગમારાએ ક્રાઈમ બ્રાન્ચમાં અગાઉ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે દસ વર્ષ પહેલાં તેઓ દ્વારકા ગયા ત્યારે તેમની મુલાકાત હરિ રાજાભાઈ ગમારા સાથે થઈ હતી. ત્યારબાદ હરિ ગમારા અવાર-નવાર તેમના ઘેર આવતો હતો. દરમિયાન ૨૦૨૧-૨૨માં હરિ ગમારા જીલુભાઈના ઘેર આવ્યો ત્યારે તેણે કહ્યું હતું કે તેમના પુત્રને પોલીસ ખાતામાં પીએસઆઈની ભરતી ચાલુ છે તો પાસ કરાવવો હોય તો કહેજો તેમ કહ્યું હતું.
જેથી જીલુભાઈએ હરિ ગમારા ઉપર ભરોસો મુકી મોટા પુત્રને પોલીસમાં ભરતી કરાવવા માટે કહ્યું હતું, ત્યારબાદ હરિ ગમારાએ જીલુભાઈને કહ્યું હતું કે પાલીતાણામાં તેઓ જ્યાં રહે છે તે સોસાયટીમાં વિવેક પ્રવિણભાઈ દવે પણ રહે છે જેની રાજકીય નેતાઓ સાથે સારી ઓળખાણ છે. જો તમારા પુત્રને પોલીસમાં ભરતી કરાવવો હોય તો ૫૦ લાખ જેવો ખર્ચ થશે તેમાંથી ૧૫ લાખ એડવાન્સ આપવા પડશે. આ પછી જીલુભાઈએ ૧૫ લાખ આપ્યા હતા પરંતુ પીએસઆઈનો ઓર્ડર ન થતાં ૧૪ લાખ પરત આપ્યા હતા, આ પછી હરિ અને વિવેકે ખેલ શરૂ કરી જીલુભાઈના પુત્રને ડાયરેક્ટ ડીએસપી બનાવી દેશે તેમ કહીને ૧.૪૮ કરોડ રૂપિયા મેળવી લીધા હતા.
આ ફરિયાદના આધારે ક્રાઈમ ડીસીપી જગદીશ બાંગરવાની સૂચનાથી પીઆઇ એમ આર ગોંડલીયા પીઆઇ મનોજ ડામોર પીઆઇ સી એચ જાદવ, સહિત ની ટીમે ગુનો દાખલ કર્યા બાદ ચીટર પાલીતાણાના વિવેક પ્રવીણભાઈ દવેની ધરપકડ કરી રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. હાલ પોલીસ વિવેક પાસેથી પૈસા રિકવર કરવા માટે તજવીજ કરી રહી છે. જ્યારે હરિ ગમારા હજુ ભાગતો ફરતો હોય તેની શોધખોળ હાથ ધરી છે તેમજ આરોપી ની પૂછપરછમાં વિવેક દવે ચાર જેટલી ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસ કરી હોવાનું સામે આવ્યું હતું. આ અંગેની કામગીરીમાં પીઆઇ એમ આર ગોંડલીયા પીઆઇ મનોજ ડામોર, પીઆઇ સી એચ જાદવ, પીએસઆઇ પરમાર, હિતેન્દ્રસિંહ ઝાલા,સુભાષભાઈ ઘોઘારી, અશોકભાઈ કલાલ, હરસુખભાઈ સબાડ, મોહિલરાજસીહ સહિતની ટીમ જોડાઈ હતી.