BREAKING NEWS

ગુજરાતની 'ધંધો' કરવાની ઓળખ વૈશ્વિક સ્તરે અંકિત: જીઈએમ અહેવાલમાં રાજ્ય રાષ્ટ્રીય સરેરાશ કરતા આગળ

  • September 30, 2026 12:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતની ‘ધંધો’ કરવાની ઓળખ અને ઉદ્યોગસાહસિક વૃત્તિનો પડઘો ગ્લોબલ એન્ટરપ્રિન્યોરશિપ મોનિટર (જીઈએમ) 2024-25ના અહેવાલમાં પણ જોવા મળ્યો છે. વિવિધ દેશો અને અર્થતંત્રોમાં ઉદ્યોગસાહસિકતાની સ્થિતિનું અલગ-અલગ માપદંડોના આધારે મૂલ્યાંકન કરતા આ અહેવાલમાં ગુજરાત બે મહત્વના માપદંડોમાં રાષ્ટ્રીય સરેરાશ કરતાં આગળ રહ્યું છે.

અહેવાલ મુજબ, ભારતમાં 83.6 ટકા લોકો ઉદ્યોગસાહસિકતા માટે અનુકૂળ તકો હોવાની માન્યતા ધરાવે છે, જ્યારે ગુજરાતમાં આ પ્રમાણ 84.2 ટકા છે. તેવી જ રીતે, પોતાનો વ્યવસાય શરૂ કરવાની ઇચ્છા ભારતમાં 27.8 ટકા સામે ગુજરાતમાં 29.2 ટકા નોંધાઈ છે.

એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (ઈડીઆઈઆઈ)ના પ્રોફેસર અમિત કુમાર દ્વિવેદી, અહેવાલના ત્રણ લેખકો પૈકીના એક છે. પ્રોફેસર સુનિલ શુક્લા અને પ્રોફેસર પંકજ ભારતી સાથે તૈયાર કરાયેલા આ અહેવાલ અંગે તેમણે જણાવ્યું હતું કે ગુજરાતે ઉદ્યોગસાહસિક વલણના મોટા ભાગના માપદંડોમાં સારા પરિણામો નોંધાવ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં લોકો વ્યવસાયની તકો, પોતાની ક્ષમતા અને વ્યવસાય શરૂ કરવાની સરળતા અંગે સકારાત્મક અભિપ્રાય ધરાવે છે. જોકે, નિષ્ફળતાનો ભય 75 ટકા જેટલો ઊંચો હોવાનું પણ સામે આવ્યું છે. એટલે કે, લોકોમાં ઉદ્યોગસાહસિકતા અંગે સકારાત્મક વિચાર હોવા છતાં તેને વાસ્તવિક વ્યવસાયમાં ફેરવવાની તૈયારીમાં હજુ અંતર જોવા મળે છે.

પ્રોફેસર દ્વિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે અગાઉના અહેવાલમાં વ્યવસાય શરૂ કરવાની સરળતા 82.5 ટકા હતી, જે હવે થોડા સુધારા સાથે 83.4 ટકા થઈ છે.

ભારતમાં શરૂઆતના તબક્કાની ઉદ્યોગસાહસિક પ્રવૃત્તિનો દર 12.2 ટકા રહ્યો છે. માથાદીઠ આવક 25 હજાર ડૉલરથી ઓછી ધરાવતા દેશોના સમાન જૂથમાં ભારતનો આ દર ચીનના 5.4 ટકા અને ઇજિપ્તના 5.2 ટકા કરતાં ઊંચો છે.

જીઈએમ અહેવાલમાં ચીન અને કેનેડાથી લઈને થાઇલેન્ડ અને ગ્રીસ સુધીના વિવિધ પ્રકારના અર્થતંત્રોની સરખામણી કરવામાં આવે છે.

અહેવાલમાં એવું પણ જણાવાયું છે કે વિશ્વભરમાં જોવા મળતા વલણની જેમ ભારતમાં પણ ઉદ્યોગસાહસિક પ્રવૃત્તિનો મોટો હિસ્સો સીધા ગ્રાહકોને માલ કે સેવા પૂરી પાડતા વ્યવસાયો તરફ છે. તેની સરખામણીએ એક વ્યવસાય દ્વારા બીજા વ્યવસાયને માલ કે સેવા પૂરી પાડતી પ્રવૃત્તિનો હિસ્સો ઓછો છે.

અહેવાલના લેખક પ્રોફેસર પંકજ ભારતીએ જણાવ્યું હતું કે નવા વ્યવસાય શરૂ કરવામાં આવતા અવરોધો ઘટાડવા અને વધુ લોકો ઉદ્યોગસાહસિકતામાં જોડાય તે માટે વિવિધ પગલાં જરૂરી છે.

અહેવાલમાં ખાસ કરીને નાણાકીય અવરોધો ઘટાડવા, ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપતું વાતાવરણ ઊભું કરવા અને મહિલાઓ દ્વારા સંચાલિત વ્યવસાયોને વધુ પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

51 અર્થતંત્રોમાં ભારત બીજા ક્રમે

જીઈએમ 2024-25ના અહેવાલમાં 51 ભાગ લેનારા અર્થતંત્રોમાં ભારતને બીજા ક્રમે દર્શાવવામાં આવ્યું છે. ઈડીઆઈઆઈના ડિરેક્ટર જનરલ અને અહેવાલના મુખ્ય લેખક પ્રોફેસર સુનિલ શુક્લાએ જણાવ્યું હતું કે ભારતમાં પોતાનો વ્યવસાય શરૂ કરવાની ઇચ્છામાં નોંધપાત્ર વધારો થયો છે. આ પ્રમાણ 2023-24માં 19.5 ટકા હતું, જે 2024-25માં વધીને 27.8 ટકા થયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News