ગુજરાત વિધાનસભામાં ગઈકાલે બજેટ રજૂ થયું આ બજેટમાં કેટલીક ગંભીર બાબતો બહાર આવી છે .જેમાં ગુજરાત રાજ્યનું જાહેર દેવામાં વધારો રાજાની કુંવરીની જેમ થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં જાહેર દેવાનો ગ્રાફ વધી ગયો છે. દેવું વધીને 5.5 લાખ કરોડને પાર થાય તેવો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે.
એક વર્ષમાં રાજ્યના દેવામાં રૂ.. ૭૭,૦૦૦ કરોડથી વધુનો ઉછાળો
રાજ્ય સરકાર દ્રારા રજૂ કરવામાં આવેલા નાણાકીય આંકડાઓ ગુજરાતની આર્થિક સ્થિતિ અને વધતા જતા દેવા તરફ ગંભીર ઈશારો કરી રહ્યા છે. વર્ષ ૨૦૨૩–૨૪થી વર્ષ ૨૦૨૮–૨૯ સુધીના અંદાજો સરકારના બજેટના દસ્તાવેજોમાં દર્શાવાયા છે. તે જોતા કહી શકાય કે, રાજ્યના જાહેર દેવામાં સતત અને મજબૂત વધારો થઈ રહ્યો છે. વર્ષ ૨૦૨૩–૨૪માં ગુજરાત રાજ્યનું કુલ જાહેર દેવું રૂ.૩,૫૨,૭૧૭ હતું. જે વર્ષ ૨૦૨૪–૨૫ના સુધારેલા અંદાજ મુજબ વધીને રૂ. ૪,૩૦,૩૨૦ કરોડ પર પહોંચ્યું હતું. આ માત્ર એક વર્ષના ગાળામાં આશરે રૂ.. ૭૭,૦૦૦ કરોડથી વધુનો ઉછાળો દર્શાવે છે પરંતુ અસલી ચિત્ર આગામી વર્ષેામાં વધુ ગંભીર જણાય છે. કેમ કે નાણામંત્રી કનુભાઈ પટેલે ગુજરાત સરકારનું વર્ષ ૨૦૨૬–૨૭ માટે જે બજેટ રજૂ કર્યું છે તેના દસ્તાવેજો મુજબ વર્ષ ૨૦૨૫–૨૬માં ૪,૪૫,૫૩૭ કરોડ અને વર્ષ ૨૦૨૬–૨૭માં ગુજરાત સરકારનું કુલ દેવું વધીને ૪,૮૭,૦૬૯ કરોડ થવાનો અંદાજ છે. જ્યારે, સરકારના દેવાનો આ આંકડો ૨૦૨૮–૨૯ સુધીમાં વધીને . ૫,૬૬,૮૪૫ કરોડ સુધી પહોંચે એવો અંદાજ મૂકાયો છે.
રાજ્યની આવક વધવાની ક્ષમતા દેવા કરતા સહેજ વધુ ઝડપી
આગામી ૫ વર્ષમાં રાજ્યનું જાહેર દેવું આશરે રૂ.૨.૨૪ લાખ કરોડ જેટલું વધી જશે એટલે કે ૨૦૨૩ની સરખામણીએ ૨૦૨૯માં સરકારનું જાહેર દેવું ૬૫ ટકા જેટલું વધારે હશે. દર વર્ષે સરેરાશ ૪૫,૦૦૦ કરોડનું નવું દેવું ઉમેરાય તેવો અંદાજ છે. જોકે, સારી બાબત એ છે કે રાજ્યનું કુલ ઉત્પાદન (જીએસડીપી) પણ ૬૮ ટકાના દરે વધવાની ધારણા છે. દેવું વધવા છતાં, જીએસડીપીના પ્રમાણમાં દેવાની ટકાવારી ૧૪.૩૮ ટકાથી ઘટીને ૧૩.૭૪ થશે. આનો અર્થ એ છે કે રાજ્યની આવક વધવાની ક્ષમતા દેવા કરતા સહેજ વધુ ઝડપી છે. સૌથી વધુ ચોંકાવનારો આંકડો રાજકોષીય ખાધનો છે, જે ૨૫૧ ટકાનો વધવાનો અંદાજ છે. વર્ષ ૨૦૨૩–૨૪માં આ ખાધ માત્ર ૨૩,૪૬૩ કરોડ હતી. જે ૨૦૨૮–૨૯માં વધીને ૮૨,૫૧૮ કરોડ થઈ શકે છે. આ ખાધ સૂચવે છે કે સરકાર ખર્ચને પહોંચી વળવા માટે ઉધાર લેવા પર વધુ નિર્ભર રહેશે. વર્ષ ૨૦૨૩–૨૪માં સરકાર પાસે . ૩૩,૪૭૭ કરોડની મહેસૂલી પુરાંત હતી. જે ૨૦૨૮–૨૯ સુધીમાં ઘટીને . ૨૨,૦૦૦ કરોડ થવાની શકયતા છે. આ ઘટાડો સૂચવે છે કે વહીવટી ખર્ચ અથવા વ્યાજની ચુકવણીમાં મોટો હિસ્સો વપરાઈ જશે.