BREAKING NEWS

કોમનવેલ્થ પહેલાં ગુજરાતમાં પ્રથમ વખત હાઇરોક્સ અને આયર્નમેન ટ્રાયથ્લોન યોજાશે

  • September 16, 2026 10:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગાંધીનગર : વર્ષ 2030માં અમદાવાદ ખાતે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે રાજ્યની રમતગમત ક્ષેત્રે ઓળખ વધુ મજબૂત બનાવવા તૈયારીઓ શરૂ કરી છે. આ અંતર્ગત રાજ્યમાં પ્રથમ વખત બે વૈશ્વિક સ્તરે લોકપ્રિય એન્ડ્યુરન્સ સ્પોર્ટ્સ સ્પર્ધાઓ હાઇરોક્સ અને ફુલ આયર્નમેન ટ્રાયથ્લોન યોજવાની તૈયારી ચાલી રહી છે. વરિષ્ઠ સરકારી અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે.ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે 26થી 28 નવેમ્બર દરમિયાન હાઇરોક્સ સ્પર્ધા યોજાશે. આ ઇન્ડોર ફિટનેસ રેસમાં કુલ 8 કિલોમીટર દોડ અને આઠ ફંક્શનલ વર્કઆઉટનો સમાવેશ થાય છે. વિશ્વભરમાં હાઇરોક્સનું ફોર્મેટ એકસરખું હોય છે. સ્પર્ધકોને એક કિલોમીટર દોડ્યા બાદ એક ફંક્શનલ વર્કઆઉટ સ્ટેશન પૂર્ણ કરવાનું હોય છે. આ ક્રમ કુલ આઠ વખત પુનરાવર્તિત થાય છે.પશ્ચિમી દેશોમાં હાઇરોક્સ એક જાણીતી ફિટનેસ સ્પર્ધા તરીકે ઉભરી આવી છે. ભારતમાં પણ છેલ્લા કેટલાક સમયથી ફિટનેસપ્રેમીઓ અને યુવાનોમાં તેનો રસ વધી રહ્યો છે. જોકે, ગુજરાતમાં આ પ્રકારની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન પ્રથમ વખત થવા જઈ રહ્યું છે.બીજી તરફ, ફુલ આયર્નમેન ટ્રાયથ્લોનની તારીખ અને સ્થળ અંગે ટૂંક સમયમાં અંતિમ નિર્ણય લેવાશે. સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગામી કેટલાક મહિનામાં આ સ્પર્ધા યોજાય તેવી શક્યતા છે. આયોજકો માટે રાજ્ય સરકારે ધરોઈ ડેમ વિસ્તાર અને નર્મદા ટ્રેઇલ સહિતના કેટલાક સંભવિત સ્થળો સૂચવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સ્થળ અંગેનો નિર્ણય એક સપ્તાહમાં લેવાઈ શકે છે.ફુલ આયર્નમેન ટ્રાયથ્લોનમાં 3.8 કિલોમીટર સ્વિમિંગ, 180.2 કિલોમીટર સાઇકલિંગ અને 42.2 કિલોમીટર મેરેથોનનો સમાવેશ થાય છે. આમ, સ્પર્ધકોએ કુલ 226.2 કિલોમીટરનું અંતર પૂર્ણ કરવાનું રહે છે. આ સ્પર્ધા ગુજરાતને એન્ડ્યુરન્સ અને એડવેન્ચર સ્પોર્ટ્સના સ્થળ તરીકે ઓળખ અપાવવામાં મદદરૂપ બની શકે છે.વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે રમતગમત વિભાગનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બંને સ્પર્ધાના આયોજકો સાથે બે બેઠકો યોજી છે. રાજ્ય સરકારે આયોજકોને તમામ શક્ય સહાયની ખાતરી આપી છે.સરકારનું માનવું છે કે હાઇરોક્સ અને આયર્નમેન જેવી વૈશ્વિક સ્પર્ધાઓના આયોજનથી ગુજરાતમાં રમતગમતનું માળખું વધુ મજબૂત બનશે. સાથે જ, રાજ્યને આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ અને આયોજન ક્ષમતા દર્શાવવાની તક મળશે. કોમનવેલ્થ ગેમ્સ પહેલાં આ પ્રયાસો ગુજરાતને મોટા રમતોત્સવોના સ્થળ ઉપરાંત માસ-પાર્ટિસિપેશન ફિટનેસ અને એન્ડ્યુરન્સ સ્પોર્ટ્સના હબ તરીકે સ્થાપિત કરવાની વ્યાપક યોજનાનો ભાગ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application