હાલારમાં અપૂરતી ટ્રેનના કારણે રેલવે સેવામાં હજુ પણ પૂછડીયું હોય રેલવે મંત્રાલય કૃપયા આ બાબતે ઘ્યાન આપે તેવી માંગણી મુસાફરો ઉઠી છે. કારણ કે, દુરન્તો સહીતની મહત્વની ટ્રેન હાપા સુધી મર્યાદીત હોય મુસાફરોે ભારે હાડમારીનો સામનો કરી રહ્યા છે. ૧૯૬૨થી દોડતી સૌરાષ્ટ્ર જનતા એકસપ્રેસ ટ્રેનની સુવિધા છીનવાઇ ગઇ છે તો કોરોના કાળમાં બંધ થયેલી પોરબંદર-જામનગર પોરબંદર દૈનીક લોકલ ટ્રેન હજુ સુધી પુન: દોડતી થઇ નથી. ત્યારે સમસ્યાના સમસ્યાના ઉકેલમાં રેલવે તંત્ર નિષ્ફળની ફરિયાદ મુસાફરોમાં ઉઠી છે. બીજી બાજુ રેલવે સેવા સુધારવા જામનગર રીજીયન પેસેન્જર એસોસીએશન દ્રારા પણ સમયાંતરે રેલવે વિભાગને રજૂઆત કરવામાં આવી રહી છે.
જામનગર અને દેવભૂમિ દ્રારકા જિલ્લામાં રેલવેની અપૂરતી સુવિધા અંગે જામનગર રીજીયન પેસેન્જર એસોસીએશનના માનદમંત્રી ચંદ્રવદનભાઇ પંડયાએ જણાવ્યું હતું કે, રાજકોટથી કાનાલૂસ, હડમતીયા અને લાખાબાવળ વચ્ચે રેલવે ટ્રેકનું કામ હજુ ઘણુ બાકી છે. ઓખા-બાન્દ્રા-ઓખા સ્પેશ્યલ ટ્રેનને આવાગમનમાં હાપા સ્ટોપ અપાયો નથી. ૧૯૮૧ હાપા સુધી અને ૧૯૮૪ જામનગર, ઓખા સુધી બ્રોડગેજ લાઈન થયા પછી હાપા ખાતે રોકાણ સ્ટોપ ન હોય તેનો આ પ્રથમ કિસ્સો છે. ચાર સાપ્તાહિક ટ્રેન ફક્ત હાપા સુધી જ આવે છે અને હાપાથી ઊપડે છે. સ્પેશ્યલ ટ્રેનનો હાપામાં સ્ટોપ હોવો જોઇએ. ભારતમાં ૧૭૨ વર્ષથી અને જામનગર,(પૂર્વે નવાનગર સ્ટેટ) માં ૧૨૮ વર્ષથી રેલવે સેવા કાર્યરત છેે. ત્યારે રેલ સુવિધાઓ પર જેટલો અધિકાર મોટા શહેરો, મધ્યમ પ્રકારના શહેરનો છે અને જેે રીતે રેલ સુવિધાઓ ભરપેટ અપાય છે તે જ રીતે નાના શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોને આ સુવિધા આપવી જોઇએ. આથી પોરબંદર-ભાણવડ લોકલ દૈનિક બે ફેરા અને પોરબંદર-કાનાલુસ લોકલ દૈનિક એક ફેરાને જામનગર, રાજકોટ સુધી લંબાવવાની જરૂર છે.
ખાસ કરીને સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ૧૯૭૨માં પણ ઓખાથી ઉપડતી હતી. ત્યારે ઓખાથી વિરમગામ સુધી મીટર ગેજ હતી. વિરમગામથી બ્રોડગેજ મુંબઈ જાય. બ્રોડગેજ નામનો વિકાસ ૧૯૮૧ સુધી હાપા આવ્યો અને એ વિકાસ ૧૯૮૪ માં ઓખા સુધી પહોંચી ગયો હતો. ત્યારે ઓખા-હાપા-ઓખા મીટર ગેજ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ દોડતી પરંતુ સળંગ થતાં સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ હાપા સુધી જ મર્યાદિત કરી નાખી, ઓખા થી હાપા સુધીના વિસ્તારોની સુવિધા છીનવી લીધી.દુરન્તો જેવી અતિ મહત્વની અને મોંઘી રેલગાડી હાપા સુધી જ આવે છે અને હાપા થી જ ઉપડે છે. આથી મુસાફરોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ડિવિઝનલ રેલ્વે મેનેજરથી લઈને ચેરમેન રેલ્વે બોર્ડ પેસેન્જરોને પડતી આ હાડમારીનો ઉકેલ શોધતા નથી.
વધુમાં તેમણે જણાવ્યું હતુું કે, છેલ્લા ૧૨ વર્ષમાં એક પણ લાંબા કે ટૂંકા અંતરની ટ્રેન ઓખા, જામનગર કે હાપા સુધી આવી નથી. સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ જે ૧૯૬૨થી દોડતી તે બંધ થઇ છે. પોરબંદર જામનગર પોરબંદર દૈનિક લોકલ દોડતી તે કોરોના કારણે ગઈ તે હજુ સુધી પુન: કાર્યરત થઇ નથી. ભાણવડ, લાલપુર, વિગેરે માટે ફક્ત એક તથા જામનગર, રાજકોટ માટે એક ગાડી હતી. તાલુકા મથકોએ ટ્રેન ગુમાવી છે. તાજેતરમાં રાજકોટ જેતલસર પોરબંદર દૈનિક બે લોકલ શરૂ થઈ ત્યારે પણ પોરબંદર-જામનગર-રાજકોટ પુન: દોડતી થઇ નથી. જામનગર સૂરત દૈનિક ઈન્ટરસીટી દોડતી જે બહુ લોકપ્રિય હતી અને મુંબઈ સાંજે પહોંચી શકાતું તે ટૂંકાવી વડોદરા મર્યાદિત કરી નાખી છે. નવાઇની વાત તો એ છે કે, શ્રીમાતા વૈષ્ણોદેવી સુપર ફાસ્ટ એક્સ દર સોમવારે જામનગર સુધી આવે અને મંગળવારે જામનગરથી ઉપડે છે.જ્યારે મંગળવારે હાપા સુધી જ આવે અને બુધવાર સવારે હાપાથી જ ઉપડે છેેેે.
૪૧ વર્ષોથી આમ ચાલે છે. હમણાં ત્રણ સ્પેશ્યલ ચાલે છે એક હાપા થી જે કાયમી થવાની સંભાવના દેખાય છે અને બે ઓખાથી. દર સપ્તાહે એક એક ફેરા. ઓખા-શકુરબસ્તી-ઓખા અને ઓખા-મદુરાઈ-ઓખા આ બંને ટ્રેનનો હાપા ખાતે સ્ટોપ નથી. ત્યારે હાલારમાં રેલવે સુવિધાનો વ્યાપ તાકીદે વધારવા માંગણી કરી છે.
ઓખા-અર્નાકૂલમ ટ્રેનને લંબાવો, ઓખા-નાથદ્રારા ટ્રેનને નવા રૂટ પર દોડાવો
ભારતના પશ્વિમ રેલ્વે છેવાડાના ઓખાને પૂર્વના રેલ્વે છેવાડા મિઝોરમ રાજ્યના ઐઝોલ સાથે સીધી રેલ સુવિધા એક્સપ્રેસ ટ્રેન થકી જોડો જેથી ભારત ના પૂર્વતમ વિસ્તારના લોકોએ જ ટ્રેન થકી પશ્ચિતમ છેવાડા કે વચગાળાના કોઈ મથક સુધી સરળતાથી પહોંચી શકે છે. આ રેલ સુવિધા સપ્તાહમાં ઓછામાં ઓછી ચાર વખત મળી રહે તો હેતુ સાર્થક થાય. ઓખા-અરનાકુલમ-ઓખા દાયકાઓથી સપ્તાહમાં બે ફેરા કરે છે. આ રેલ સુવિધાને ભારતના પશ્વિમ રેલ છેવાડાથી દક્ષિણ ભારતના રેલ છેવાડા ક્ધયાકુમારી સુધી વિસ્તારવી જરી છે.ઓખા-નાથદ્વારા-ઓખા સાપ્તાહિક જે વર્ષોથી ચલાવાય છે તે અમદાવાદ વડોદરા રતલામ સવાઈ માધોપુર એવા લાંબા રૂટ પર તે સમયે વિકલ્પના અભાવે ચલાવાય છે.
પરંતુ હવે અમદાવાદ હિંમતનગર ઉદયપુર રૂટ બ્રોડગેજમાં રૂપાંતરિત થઈ જતાં તથા તેના પર રેલગાડીઓ દોડતી થતાં ઓખા નાથદ્વારા ઓખા નવી રેલ ટ્રેનો આ રૂટ પર ચલાવવા તથા સપ્તાહમાં ઓછામાં ઓછા ચાર ફેરા રાખવા માગણી કરી છે. અમદાવાદ હિંમતનગર રૂટ રતલામ રૂટ કરતાં લગભગ ૩૦૦ કીલોમીટર જેટલો ટૂંકો છે તથા ઉદયપુર જેવું મહત્વનું પ્રવાસધામ એ માર્ગ પર આવે છે જેથી યાત્રિઓ નો સમય બચે, ભાડું બચે તથા ઉદયપુર પ્રવાસનો લાભ મળે,પ્રવાસન ક્ષેત્રનો વિકાસ થાય અને રાજસ્થાનના લોકો સૌરાષ્ટ્ર, દ્વારિકા, બેટના પ્રવાસે સરળતાથી પહોંચી શકે.સિકંદરાબાદ રાજકોટ સપ્તાહમાં ત્રણ ફેરા તથા કોઇમ્બતુર રાજકોટ સપ્તાહમાં એક ફેરા રેલ સુવિધાને વિસ્તારી જામનગર સુધી લંબાવવી જરૂરી છે તેમ રીજીયન પેસેન્જર એસો.ના માનદમંત્રીએ જણાવ્યું છે.
ઓખા-જેસલમેર વચ્ચે એકસપ્રેસ ટ્રેન ચાલુ કરો
ઓખા-જેસલમેર (રાજસ્થાન) વચ્ચે એક નવી એક્સપ્રેસ રેલગાડી પ્રવાસ, ટુરીઝમ તથા ધાર્મિક સ્થળની મુલાકાત માટે સપ્તાહમાં ઓછામાં ઓછા ચાર ફેરા સાથે દોડાવવા અને તેનો સમાવેશ આગામી બજેટમાં કરવા રેલવેમંત્રીને રજુઆત કરી છે. આ રેલ સુવિધાથી સૌરાષ્ટ્રના રેલયાત્રિઓ, પ્રવાસીઓને જોધપુર તથા જેસલમેર પ્રવાસની અને રાજસ્થાનના અંતરિયાળ વિસ્તારોના લોકોને સૌરાષ્ટ્ર તથા પવિત્રધામ દ્વારિકા યાત્રાની સુગમ સુવિધા સાંપડે, વેપાર, ધંધાના નવા વિસ્તારોની તક મળી શકે.