ગરમીના પ્રમાણમાં દિનપ્રતિદિન થઈ રહેલા વધારા અને આગામી દિવસોમાં હીટ વેવની સંભાવનાના કારણે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે ખાસ ગાઈડલાઈન જાહેર કરી છે અને સાથે સાથ હીટ એક્શન હેલ્થ પ્લાન પણ જાહેર કર્યો છે.
આરોગ્ય વિભાગે જે એક્શન પ્લાન જાહેર કર્યો છે તેમાં જણાવાયું છે કે તમામ સરકારી હોસ્પિટલોમાં પૂરતા પ્રમાણમાં આઈસ પેકનો સ્ટોક અને દવાઓ રાખવાની સૂચના આપવામાં આવી છે. દરેક જિલ્લા અને સબ ડીસ્ટ્રિક્ટ હોસ્પિટલોમાં પાંચ તથા દરેક સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બે બેડના સમર્પિત હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ઉપરાંત નાગરિકો માટે જે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે તેમાં બપોરે 12:00 થી સાંજના ચાર વાગ્યા દરમ્યાન કામ વગર ઘરની બહાર નહીં નીકળવા અને જો નીકળવું પડે તો માથા પર ટોપી અથવા ભીનું કપડું રાખવા જણાવાયું છે. હળવા રંગના અને સુતરાઉ કપડાં પહેરવા પણ સલાહ આપવામાં આવી છે. વડીલો બાળકો અને સગર્ભાઓની વિશેષ કાળજી રાખવા જણાવ્યું છે. લોકોને આ સમયગાળા દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી, શરબત, નાળિયેર પાણી જેવા પ્રવાહી પીવા માટે અનુરોધ કરાયો છે. જો ચક્કર આવે, ખૂબ તરસ લાગે, માથાનો દુખાવો થાય કે બેભાન થઈ જવાય તેવા લક્ષણો જોવા મળે તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક સાધવાનો રહેશે. આરોગ્ય કેન્દ્રમાં ઇન્ટીગ્રેટેડ હેલ્થ ઇન્ફોર્મેશન પ્લેટફોર્મ દ્વારા હિટ સટ્રોકના કેસોનું સઘન દૈનિક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને આરોગ્ય કર્મચારીઓને આ માટે તાલીમ પણ આપવામાં આવી છે.