BREAKING NEWS

જેતલસર જંકશન બચાવવા આમરણ ઉપવાસ આંદોલનમાં બે મહિલાની તબિયત લથડી: સારવારમાં

  • November 21, 2026 01:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જેતલસર જંકશન રેલવે સ્ટેશનના અસ્તિત્વ અને સ્થાનિક રેલવે સંબંધિત સુવિધાઓના પ્રશ્ને ગ્રામજનો, પૂર્વ રેલવે કર્મચારીઓ તથા વેપારી મંડળો દ્વારા શરૂ કરવામાં આવેલા આમરણાંત ઉપવાસ આંદોલનનો આજે ચોથો દિવસ છે. આંદોલનમાં જોડાયેલા પાંચ આમરણાંત ઉપવાસીઓ અને 18 પ્રતિક ઉપવાસીઓ પૈકી બે મહિલાઓની તબિયત લથડતાં તેમને તાત્કાલિક સારવાર માટે જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બીજી તરફ રેલવેના બે અધિકારીઓએ ઉપવાસ છાવણીની મુલાકાત લીધી હતી, પરંતુ માંગણીઓના ઉકેલ અંગે કોઈ નક્કર નિર્ણય કે ખાતરી નહીં મળતાં ઉપવાસીઓએ આંદોલન ચાલુ રાખવાનો મક્કમ નિધર્રિ વ્યક્ત કર્યો છે.


જેતલસર ગામનાં સરપંચ આરતીબેન સરવૈયાએ જણાવ્યું હતું કે, રેલવે તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી. નવ મહિના અગાઉ રેલવે બચાવ સમિતિના પ્રતિનિધિમંડળે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા સાથે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની મુલાકાત લીધી હતી. તે વખતે રેલવે બચાવ સમિતિની હાજરીમાં રેલવે મંત્રીએ સંબંધિત અધિકારીઓને માંગણીઓ પૂર્ણ કરવા સૂચના આપી હતી. તેમ છતાં નવ મહિના વીતી જવા છતાં તેનો અમલ થયો નથી. મંત્રીએ આપેલી સૂચનાની અમલવારી ન થતાં સ્થાનિકોમાં રોષ અને અસંતોષ ફેલાયો છે.આંદોલનકારી હનીફભાઈ બ્લોચે જણાવ્યું હતું કે, ઉપવાસ છાવણીની મુલાકાતે રેલવેના એડીઆરએમ અને ડીસીએમ સહિતના અધિકારીઓ આવ્યા હતા,


પરંતુ આંદોલનકારીઓની રજૂઆતોનો યોગ્ય પ્રતિસાદ મળતો નથી અને આંદોલન સમેટવાની વાત જ કરવામાં આવે છે.
દરમિયાન ભાવનગર રેલવે ડિવિઝનના ડીસીએમ રાહુલકુમાર ત્રિપાઠીએ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, જે કર્મચારીઓ સ્વેચ્છાએ રાજકોટથી જેતલસર આવવા માંગતા હોય તેમની અરજીઓ મેળવી આગળની કાર્યવાહી કરવા સૂચન કરવામાં આવ્યું છે.


સામાન્ય બદલીમાં અરજીની જરૂરિયાત હોતી નથી, પરંતુ સ્વેચ્છાએ સ્થળાંતર કરવા માટે અરજી જરૂરી છે. મોટા પાયે થયેલી કર્મચારીઓની બદલીઓ અંગે તેમણે તેને નીતિવિષયક નિર્ણય ગણાવી ઉપરથી લેવાયેલી નીતિ મુજબ કાર્યવાહી થતી હોવાનું જણાવ્યું હતું. ઉપવાસીઓની તબિયત અંગે તેમણે કોઈની તબિયત ન બગડે તે જરૂરી હોવાનું જણાવી જરૂર પડ્યે તબીબી સહાય પૂરી પાડવાની વાત કરી હતી.


સ્થાનિકોના જણાવ્યા મુજબ જેતલસરની રોજીરોટી અને આર્થિક પ્રવૃત્તિઓનો મોટો આધાર રેલવે સાથે જોડાયેલો છે. જો રેલવે સ્ટેશનનું મહત્ત્વ ઘટે અને કર્મચારીઓની બદલી થઈ જાય તો સમગ્ર ગામની આર્થિક સ્થિતિ પર અસર થવાની ભીતિ છે. આથી સાતેય મુખ્ય માંગણીઓનો સ્વીકાર ન થાય ત્યાં સુધી આમરણાંત ઉપવાસ ચાલુ રાખવાની આંદોલનકારીઓએ જાહેરાત કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application