BREAKING NEWS

ભારતમાં ગરમી બની ‘અનએસ્કેપેબલ’: દિવસની સાથે હવે રાત્રે પણ વરસી રહી છે આગ; દેશના ૩૫ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાત્રિના તાપમાનમાં ભારે ઉછાળો

  • May 22, 2026 10:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ક્લાઈમેટ ટ્રેન્ડ્સના નવા અહેવાલ “વાય ઇન્ડિયાઝ હીટવેવ્સ ફીલ મોર બ્રુટલ ધેન બિફોર” (Why India's Heatwaves Feel More Brutal Than Before) અનુસાર, ભારતમાં ઉનાળાની ગરમી હવે માત્ર અસહ્ય નથી રહી પરંતુ 'અનએસ્કેપેબલ' (જેનાથી બચી ન શકાય તેવી) બની રહી છે. હવામાન વિભાગના આંકડાઓ પર આધારિત આ રિપોર્ટ ચેતવણી આપે છે કે દેશના મોટાભાગના રાજ્યોમાં હવે દિવસની સાથે રાત્રિના તાપમાનમાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.


રિપોર્ટ અનુસાર, ભારતના ‘કોર હીટવેવ ઝોન’માં લૂ આવવાની આવૃત્તિ (ફ્રીક્વન્સી) અને તેનો સમયગાળો બંને સતત વધી રહ્યા છે. આ ઝોનમાં ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રના ભાગોનો સમાવેશ થાય છે. વર્ષ 1961 થી અત્યાર સુધીના આંકડા દર્શાવે છે કે દર દસ વર્ષે (દાયકામાં) લૂ ચાલવાના દિવસોમાં સતત વધારો થઈ રહ્યો છે. હવામાનશાસ્ત્રની દ્રષ્ટિએ આ ફેરફાર ભલે નાનો લાગે, પરંતુ તે ખેતી, વીજળીની માંગ, મજૂરોની કાર્યક્ષમતા અને હોસ્પિટલો પર ભારે દબાણ ઊભું કરી રહ્યો છે.


અતિશય ગરમ રાત્રિઓ અને સ્વાસ્થ્ય પર જોખમ
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ની માર્ગદર્શિકા અનુસાર ઘરની અંદરનું તાપમાન સતત 24 ડિગ્રી સેલ્સિયસથી ઉપર ન હોવું જોઈએ, અન્યથા તે ઊંઘ, હૃદયની કાર્યક્ષમતા અને શરીરની રિકવરી પ્રક્રિયા પર ખૂબ જ ખરાબ અસર કરે છે.


ન્યૂનતમ તાપમાનમાં વધારો

આ માપદંડથી વિપરીત, ભારતના 36 માંથી 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાત્રિનું તાપમાન સતત વધી રહ્યું છે. વર્ષ 2010 થી 2024 ની વચ્ચે દેશમાં સરેરાશ ન્યૂનતમ તાપમાન દર વર્ષે અંદાજે 0.21 ડિગ્રી સેલ્સિયસની ગતિએ વધ્યું છે.


સૌથી ગરમ વર્ષો

પાછલા 15 વર્ષોમાં રાત્રિના સરેરાશ તાપમાનના આધારે વર્ષ 2010 (19.759°C) સૌથી ગરમ રહ્યું હતું, ત્યારબાદ અનુક્રમે વર્ષ 2024 (19.718°C), વર્ષ 2016 (19.595°C), વર્ષ 2022 (19.497°C) અને વર્ષ 2017 (19.453°C) નો સમાવેશ થાય છે.


ભેજ (હ્યુમિડિટી) અને તાપમાનનો બેવડો માર
આ વર્ષોમાં ગરમી વધુ ઘાતક બનવાનું મુખ્ય કારણ હવામાં વધેલું ભેજનું પ્રમાણ છે. વર્ષ 2015-2019 ના ગાળાની સરખામણીએ 2020-2024 વચ્ચે દેશમાં સરેરાશ ભેજ 67.1 ટકાથી વધીને 71.2 ટકા થઈ ગયો છે. જ્યારે હવામાં ભેજ વધારે હોય ત્યારે શરીરનો પરસેવો સુકાતો નથી, જેના કારણે 40 ડિગ્રીની સૂકી ગરમી કરતાં 36 ડિગ્રીની ભેજવાળી (બફારાવાળી) ગરમી માનવ શરીર માટે વધુ ખતરનાક સાબિત થાય છે. વર્ષ 2015-2019 માં જ્યાં અતિશય ગરમ અને ભેજવાળા દિવસોની સંખ્યા 14,086 હતી, તે વર્ષ 2020-2024 વચ્ચે વધીને 16,970 થઈ ગઈ છે, જેમાં વર્ષ 2024 સૌથી ટોચ પર રહ્યું હતું.


સૌથી વધુ વધારો નોંધાવનારા મુખ્ય રાજ્યો

ગરમી અને ભેજના આ જોખમી મિશ્રણમાં સૌથી વધુ વધારો નીચેના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જોવા મળ્યો છે:

દિલ્હી (8.0)
ચંદીગઢ (7.7)
હરિયાણા (7.7)
તેલંગાણા (6.8)
ઉત્તર પ્રદેશ (6.5)
મહારાષ્ટ્ર (6.4)
રાજસ્થાન (6.3)


​​​​​​​ગ્લોબલ વૉર્મિંગ અને સિમેન્ટ-કંક્રીટના જંગલો

માનવસર્જિત આબોહવા પરિવર્તન (Climate Change) ના કારણે પૃથ્વીનું મૂળભૂત તાપમાન સતત વધી રહ્યું છે. વિશ્વ હવામાન સંસ્થા (WMO) ના અહેવાલ મુજબ, વર્ષ 2015 થી 2025 સુધીના પાછલા અગિયાર વર્ષો ઇતિહાસના સૌથી ગરમ વર્ષો તરીકે નોંધાયા છે. શહેરોમાં વધી રહેલા સિમેન્ટ-કંક્રીટના બાંધકામો ‘હીટ ટ્રેપ’ (આગના ગોળા) નું કામ કરે છે, જે દિવસ દરમિયાન ગરમીને શોષી લે છે અને રાત્રે તેને મુક્ત કરે છે, જેના લીધે રાત્રિઓ પણ હવે ઠંડી થતી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application